દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS હિન્દુ મંદિરની મહંત સ્વામીના હસ્તે પ્રાણ-પ્રતિષ્ઠા સંપન્ન
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS મંદિર દ્વારા સનાતન હિન્દુ ધર્મનો ઉદઘોષ થવા પામ્યો છે. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિર લોકાર્પણ પ્રસંગે 12 દિવસીય વિશિષ્ટ મહોત્સવ ‘ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટી’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગઈકાલ 2 ફેબ્રુઆરીના રોજ જોહાનિસબર્ગના નોર્થરાઇડિંગમાં આવેલ બી.એ.પી.એસ સ્વામિનારાયણ હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો મહંત સ્વામીના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો.

દક્ષિણ ગોળાર્ધમાં આવેલ આ સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ - એકતા, ભારતીય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને આંતરધર્મીય સંવાદિતાનું આગવું પ્રતીક બની રહ્યું છે.

આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ નિમિત્તે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા 12 દિવસીય વિશિષ્ટ ઉત્સવ ‘ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અનેકવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોની શૃંખલા ભારત અને આફ્રિકન સંસ્કૃતિ-પરંપરાઓ વચ્ચેના સુદીર્ધ અને ગાઢ સંબધોને ઉજાગર કરશે.

દક્ષિણ આફ્રિકના ઉપ-રાષ્ટ્રપ્રમુખ પોલ મશાટાઇલે ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહંત સ્વામી સાથે મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને દક્ષિણ આફ્રિકામાં આંતરધર્મીય સંવાદિતા અને સાંસ્કૃતિક ઉત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવી રહેલા આ મંદિરની પ્રશંસા કરી હતી.

5.9 હેક્ટરમાં ફેલાયેલ અને 37,000 ચોરસ મીટરથી વધુ બાંધકામવાળું આ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાયનું એક મહત્વપૂર્ણ યોગદાન છે.
ધર્મ અને ધાર્મિક બાબતોને લગતા તમામ નાના મોટા સમાચાર માટે, આપ અહીં અમારા ભક્તિ ટોપિક પર ક્લિક કરીને જાણો