Kinmemai Premium Rice : શું તમે જાણો છો, દુનિયાના સૌથી મોંઘા ચોખાના અનોખા ગુણ અને વિશેષતાઓ
આ ખાસ જાપાનીઝ કિન્મેમાઈ પ્રીમિયમ ચોખા તેની અદ્ભુત ગુણવત્તા, સુગંધ, અનોખી ઉત્પાદન પ્રક્રિયા અને મર્યાદિત માત્રા ના કારણે વિશ્વના સૌથી મોંઘા ચોખા તરીકે ઓળખાય છે.

ચોખા આપણા જીવનનો અભિન્ન ભાગ છે અને તે માત્ર ભોજન માટે જ નથી, પરંતુ અનેક દેશોની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે પણ જોડાયેલો છે. દરેક દેશમાં ચોખા રાંધવાની અને ખાવાની રીતો અલગ અલગ હોય છે. કેટલાક દેશમાં ચોખાને ફક્ત બાફીને દાળ અથવા શાકભાજી સાથે પીરસવામાં આવે છે, જ્યારે અન્ય દેશમાં તેને વિવિધ મસાલા અને વાનગીઓમાં તળીને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે, ચોખાને સરળ રીતે રાંધી શકાય તેવો અને સસ્તો ખોરાક માનવામાં આવે છે, પરંતુ દુનિયામાં એક એવો ચોખો પણ છે જેની કિંમત સામાન્ય ચોખાથી અઢળક વધારે છે અને જેની કિંમત જોઈને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ શકે છે.

આ દુનિયાના સૌથી મોંઘા ચોખા તરીકે કિન્મેમાઈ પ્રીમિયમ ચોખા (Kinmemai Premium Rice) ને ગણવામાં આવે છે. આ ખાસ પ્રકારના ચોખા જાપાનની ટોયો રાઇસ કોર્પોરેશન કંપની દ્વારા ઉત્પન્ન થાય છે. તેની વિશેષ ગુણવત્તા, અનોખી ઉત્પાદન તકનીકો અને મર્યાદિત ઉત્પાદનને કારણે તેને સૌથી મોંઘા ચોખા તરીકે ઓળખવામાં આવે છે.

કિન્મેમાઈ પ્રીમિયમ ચોખા 2016 માં લોન્ચ કરવામાં આવ્યા હતા. તે સમયે, 840 ગ્રામ ચોખાની કિંમત આશરે 9,496 જાપાનીઝ યેન હતી, જે ભારતીય ચલણમાં ₹5,490 ની સમકક્ષ હતી. સામાન્ય રીતે જાપાનમાં ચોખાની કિંમત ₹300 થી ₹400 પ્રતિ કિલોગ્રામ હોય છે, જ્યારે આ ચોખાની કિંમત તેના મૂળ કરતા ઘણી જ વધુ હતી. આજના સમયમાં, આ 840 ગ્રામ ચોખાના પેકની કિંમત લગભગ ₹10,500 થી પણ વધારે છે, અને એક કિલોગ્રામ ચોખાની કિંમત લગભગ ₹12,000 થી ₹12,500 જેટલી છે.

કિન્મેમાઈ પ્રીમિયમ ચોખાની કેટલીક ખાસિયતો તેને અન્ય ચોખા કરતાં અલગ બનાવે છે. સૌથી પ્રથમ, આ ચોખાને રાંધતા પહેલા ધોવાની જરૂર નથી, કારણ કે ખાસ પ્રક્રિયા દ્વારા તેનું સ્ટાર્ચ પહેલાથી દૂર કરવામાં આવ્યું હોય છે. બીજી ખાસિયત એ છે કે ચોખા બનાવવા માટે બફિંગ ટેકનિકનો ઉપયોગ થાય છે, જે ચોખાના દાણા પરના બાહ્ય મીણ જેવા સ્તરને દૂર કરે છે અને તેને પચવામાં સરળ બનાવે છે.

આ ચોખાના દાણા મશીન-મિલ્ડ નથી પરંતુ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવે છે. તેમાં કોશિહિકારી (Koshihikari Rice)અને પીકામારુ (Pikamaru Rice) જેવી શ્રેષ્ઠ જાપાનીઝ ચોખાની જાતોનો સમાવેશ થાય છે, જે સુગંધ અને સ્વાદ માટે પ્રખ્યાત છે. આ ચોખાને લગભગ છ મહિના સુધી સ્વાદ વૃદ્ધત્વ પ્રક્રિયામાં રાખવામાં આવે છે, જેના કારણે તેનો સ્વાદ અને સુગંધ વધુ નિખરે છે.

કિન્મેમાઈ ચોખામાં નિયમિત ચોખા કરતાં છ ગણું વધારે LPS (લિપોપોલિસેકરાઇડ્સ) તત્વ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે. ચોખાની જાતો મુખ્યત્વે જાપાનના કોશિહિકારી પ્રદેશમાં ઉગાડવામાં આવે છે, જ્યાંનું આબોહવા, પર્વતીય વાતાવરણ અને ખનીજોથી ભરપૂર પાણી ચોખાની ખેતી માટે આદર્શ માનવામાં આવે છે.

આ ચોખા મર્યાદિત માત્રામાં ઉત્પન્ન થાય છે, જેના કારણે તે સામાન્ય બજારમાં સરળતાથી ઉપલબ્ધ નથી અને તેની કિંમત ખૂબ ઊંચી હોય છે. કિન્મેમાઈ પ્રીમિયમ ચોખાની અનોખી ગુણવત્તા, સુગંધ, મર્યાદિત ઉત્પાદન અને આરોગ્યલાભ તેને વિશ્વના સૌથી મોંઘા ચોખા તરીકે ઓળખાવા માટે પૂરતી છે. (All Images- Social Media)
Health Tips: ભોજન પછી ખાવો-પીવો આ કુદરતી વસ્તુઓ, પાચન શક્તિ બનશે મજબૂત અને ગેસ-અફરથી મળશે રાહત
