દેશનું સૌથી મોટું ઇક્વિટી ફંડ ! ‘₹1 લાખ’ રોકાણના બનાવી દીધા ‘₹8.5 લાખ’, જાણો રિટર્નનો આખો હિસાબ
ભારતીય મ્યુચ્યુઅલ ફંડ જગતમાં અત્યારે એક એવી સ્કીમની ચર્ચા છે કે, જેણે મોટા-મોટા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. એમ્ફી (AMFI) ના તાજેતરના અહેવાલ મુજબ, માર્કેટના ઉતાર-ચઢાવ વચ્ચે પણ આ એકમાત્ર એવું ઇક્વિટી ફંડ બની ગયું છે કે, જેનું કુલ એસેટ્સ 1 લાખ કરોડ રૂપિયાના આંકડાને પણ વટાવી ગયું છે.

એમ્ફી (AMFI) એ માર્ચ 2026 સુધીના લેટેસ્ટ ડેટા જાહેર કર્યા છે. એસેટ્સ (AUM) ની દ્રષ્ટિએ પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડ દેશનું સૌથી મોટું ઇક્વિટી ફંડ છે. ફંડની ફેક્ટ શીટ અને એમ્ફીના જણાવ્યા અનુસાર, આ સ્કીમનું કુલ એસેટ્સ 1,31,687 કરોડ રૂપિયા છે, જ્યારે ફેબ્રુઆરીમાં આ ફંડ સિવાય HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને HDFC ફ્લેક્સી કેપ ફંડનું AUM પણ 1 લાખ કરોડને પાર પહોંચી ગયું હતું.

પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડે (Parag Parikh Flexi Cap Fund) પોતાની મજબૂત ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીના જોરે રોકાણકારોનો વિશ્વાસ જીત્યો છે. આ ફંડને લોન્ચ થયાને લગભગ 13 વર્ષ થઈ ચૂક્યા છે અને તેણે લમ્પસમ અને એસઆઈપી (SIP) એમ બંને રીતે રોકાણ કરનારા રોકાણકારોને 17 થી 18 ટકા વાર્ષિક રિટર્ન (Annualized Return) આપ્યું છે.

પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડ 24 મે, 2013 ના રોજ લોન્ચ થયું હતું. લોન્ચિંગથી અત્યાર સુધીમાં આ ફંડે 18.14% વાર્ષિક રિટર્ન આપ્યું છે. જો કોઈ રોકાણકારે લોન્ચિંગ સમયે ₹1,00,000 નું વન-ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત, તો આજે તેની કિંમત વધીને ₹8,52,600 થઈ ગઈ હોત. આની સરખામણીમાં બેન્ચમાર્ક Nifty 500 TRI એ સમાન સમયગાળામાં 13.43% વાર્ષિક રિટર્ન આપ્યું છે, જે મુજબ ₹1,00,000 ના રોકાણની કિંમત હાલ ₹5,05,190 જેટલી થાય છે. એસઆઈપી (SIP) ના પ્રદર્શન પર નજર કરીએ તો, શરૂઆતથી અત્યાર સુધીનું વાર્ષિક રિટર્ન 17.35% રહ્યું છે. દર મહિને ₹10,000 ની SIP મુજબ અત્યાર સુધીનું કુલ ₹15,50,000 નું રોકાણ વધીને ₹52,08,963 થયું છે.

31 માર્ચ, 2026 ના ડેટા અનુસાર, આ ફંડનું કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ₹1,31,687.14 કરોડ છે. ડાયરેક્ટ પ્લાન માટે તેનો એક્સપેન્સ રેશિયો 0.62% છે અને લેટેસ્ટ NAV ₹85.6779 છે. ફંડના જોખમ અને વળતરના માપદંડોમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન 9.88%, શાર્પ રેશિયો 0.88% અને બીટા 0.62% છે. રોકાણકારો આ સ્કીમમાં ઓછામાં ઓછું ₹1000 નું લમ્પસમ અથવા SIP રોકાણ કરી શકે છે. જો કે, રિસ્કોમીટર મુજબ આમાં જોખમ 'વેરી હાઈ' (ખૂબ ઊંચું) છે. આ ફંડ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં વૈવિધ્યસભર રોકાણ કરે છે, જેમાં ઓછામાં ઓછું 65% રોકાણ હંમેશા ઇક્વિટીમાં રહે છે. આ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે કે, જેઓ 7 થી 10 વર્ષના લાંબાગાળા માટે જોખમ લઈને ઊંચું વળતર મેળવવા માંગે છે.

ફંડના ટોપ સ્ટોક હોલ્ડિંગ્સમાં HDFC બેંક (7.96%), પાવર ગ્રીડ કોર્પોરેશન (7.16%), કોલ ઇન્ડિયા (6.11%), ICICI બેંક (5.03%) અને ITC (5.00%) મુખ્ય છે. આ ઉપરાંત બજાજ હોલ્ડિંગ્સ, કોટક મહિન્દ્રા બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, HCL ટેકનોલોજીસ અને એક્સિસ બેંકમાં પણ નોંધપાત્ર હિસ્સો છે. સેક્ટરની દ્રષ્ટિએ આ ફંડ બેંકો, આઈટી, પાવર, ઓટોમોબાઈલ્સ, કન્ઝ્યુમેબલ ફ્યુઅલ, FMCG, ફાઇનાન્સ, ફાર્મા, રિયલ્ટી અને ટેલિકોમ જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ ધરાવે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: બીજે ક્યાંય જોવાની જરૂર નથી! 450% એબ્સોલ્યુટ રિટર્ન સાથે આ બન્યું ‘દેશનું નંબર 1’ ફંડ, આંખ બંધ કરીને રોકાણ કરી શકાય
