હવે ‘ઈતિહાસ’ બદલાશે…. શેરની સાથે સાથે ‘કોલસો’ પણ સ્ક્રીન પર દોડશે, NSE ને મળી લીલી ઝંડી
ભારતીય શેરબજારમાં દબદબો ધરાવતી સંસ્થા NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) હવે એક નવો ઇતિહાસ લખવા જઈ રહી છે. અત્યાર સુધી આપણે NSE પર માત્ર શેર અને મ્યુચ્યુઅલ ફંડનું ટ્રેડિંગ જોયું છે પરંતુ હવે પહેલીવાર કોલસાનું ખરીદ-વેચાણ શેરની જેમ ઓનલાઈન થશે.

ભારતીય શેરબજારનું સંચાલન કરતી અગ્રણી સંસ્થા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) હવે કોલસાના ટ્રેડિંગ બિઝનેસમાં પણ એન્ટ્રી મારવા જઈ રહી છે. એક્સચેન્જને તેની નવી કંપની માટે 'નેશનલ કોલ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ' નામ રાખવાની મંજૂરી મળી ગઈ છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે, જેને આ પ્રોજેક્ટની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

NSE એ થોડા સમય પહેલા આ નવી કંપની શરૂ કરવાની યોજનાને મંજૂરી આપી હતી. આ અંતર્ગત 'નેશનલ કોલ એક્સચેન્જ ઈન્ડિયા' નામે એક અલગ કંપની બનાવવામાં આવશે, જેમાં NSE આશરે ₹100 કરોડ સુધીનું પ્રારંભિક રોકાણ કરશે. આ કંપનીમાં NSEનો 60% હિસ્સો રહેશે, જ્યારે બાકીનો હિસ્સો અન્ય રોકાણકારોને આપવામાં આવશે. આ પગલા દ્વારા NSE હવે 'શેર અને ડેરિવેટિવ્સ' ઉપરાંત કોલસા જેવા કોમોડિટી સેક્ટરમાં પણ પોતાની હાજરી વધારવાની તૈયારી કરી રહ્યું છે.

આ નવું કોલ એક્સચેન્જ એક એવું પ્લેટફોર્મ હશે, જ્યાં કોલસાની ખરીદ-વેચાણ ઓનલાઈન રીતે થઈ શકશે. અત્યારે દેશમાં કોલસાના ટ્રેડિંગ માટે કોઈ મોટું અને સંકલિત પ્લેટફોર્મ નથી, જેના કારણે કિંમતોમાં તફાવત તેમજ પારદર્શિતાનો અભાવ જેવી સમસ્યાઓ રહે છે. NSEનું આ પ્લેટફોર્મ સ્ટાન્ડર્ડ કોન્ટ્રાક્ટ્સ દ્વારા ફિઝિકલ કોલસાના ટ્રેડિંગને સરળ બનાવશે.

જો ભવિષ્યમાં મંજૂરી મળે, તો તેમાં ડેરિવેટિવ પ્રોડક્ટ્સ પણ ઉમેરી શકાય છે. સરકાર પહેલેથી જ કોલસાના ઉત્પાદન વધારવા પર ભાર આપી રહી છે અને હવે ટ્રેડિંગ સિસ્ટમને પણ મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. આવી સ્થિતિમાં એક સંગઠિત કોલ ટ્રેડિંગ પ્લેટફોર્મની જરૂરિયાત અનુભવાઈ રહી હતી.

NSEની આ પહેલથી કિંમતોનો સાચો અંદાજ આવશે અને કોલસાનું વિતરણ વધુ સારી રીતે થઈ શકશે. NSE ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણના જણાવ્યા મુજબ, નામની મંજૂરી મળવી એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. હવે કંપની આગળનું પગલું ભરતા જરૂરી લાયસન્સ માટે અરજી કરશે, જેના માટે 'કોલ કંટ્રોલર ઓર્ગેનાઈઝેશન' (Coal Controller Organization) પાસેથી મંજૂરી લેવી પડશે.

NSE ના આ નવા પ્લેટફોર્મથી કોલસા બજારમાં પારદર્શિતામાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે કિંમતોનું વધુ સચોટ અને યોગ્ય નિર્ધારણ થઈ શકશે. આ વ્યવસ્થા માત્ર મોટા ઉદ્યોગો જ નહીં પરંતુ નાના અને મધ્યમ કદના ખરીદદારો માટે પણ બજારમાં પ્રવેશની પ્રક્રિયાને અત્યંત સરળ તેમજ સુલભ બનાવશે.
હવે એક પણ ભૂલ વગર ભરાશે ‘રિટર્ન’ ! આવી ગયો છે ઇન્કમ ટેક્સનો ‘જાદુઈ સાથી’, જે તમારી દરેક મુશ્કેલી મિનિટોમાં ઉકેલશે
