Stock Market : 563 કરોડ રૂપિયાનો ડિફેન્સ ઓર્ડર મળ્યો છતાં શેરનો ભાવ ઘટ્યો, વિદેશી રોકાણકારોનો રસ વધ્યો
શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં સરકારી કંપનીના શેર લાલ નિશાનમાં ટ્રેડ થતાં જોવા મળ્યા હતા. નવાઈની વાત એ છે કે, કંપનીને 563 કરોડ રૂપિયાનો ડિફેન્સ ઓર્ડર મળ્યો હોવા છતાં કંપનીના શેર નીચે પટકાયા હતા.

સરકારી ડિફેન્સ કંપનીને ફરી એકવાર મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે, તેને 563 કરોડ રૂપિયાનો નવો ડિફેન્સ કોન્ટ્રાક્ટ મળ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ ઓર્ડર મળ્યા પછી પણ શેરમાં ઘટાડો જોવા મળ્યો. શુક્રવારે, શેર લગભગ 1% ઘટીને ₹394 પર આવી ગયો.

શેરબજારમાં ઘટાડાનું એક મુખ્ય કારણ પ્રોફિટ બુકિંગ હોઈ શકે છે. રોકાણકારો ટૂંકા ગાળામાં નફો લઈને બહાર નીકળી જાય છે, જેના કારણે ક્યારેક સારા સમાચાર મળે તો પણ શેરના ભાવમાં ઘટાડો જોવા મળે છે.

સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાંથી મળેલી માહિતી અનુસાર, BEL ને દેશની સુરક્ષા સંબંધિત કેટલીક ખાસ સિસ્ટમ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ એક એવી સિસ્ટમ બનાવવાની છે કે, જે સમુદ્રમાં દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખશે, જેને 'નેશનલ મેરીટાઇમ ડોમેન અવેરનેસ સિસ્ટમ' કહેવામાં આવે છે. આ ઉપરાંત, કંપની એક એવી નેવિગેશન સિસ્ટમ પણ બનાવશે જે GPS વિના પણ દુશ્મન પર સચોટ હુમલો કરી શકે છે.

આ સાથે BEL એડવાન્સ કોમ્યુનિકેશન સિસ્ટમ, જેમર, ટાર્ગેટને ઓળખી શકે તેવી સિસ્ટમ અને બીજા ઘણા ડિફેન્સ ડિવાઇસ પણ પૂરા પાડશે. જણાવી દઈએ કે, જૂન 2025 માં પણ કંપનીને 3,000 કરોડ રૂપિયાથી વધુના ઓર્ડર મળ્યા હતા. આ ઓર્ડર ભારતીય નૌસેનાના જહાજો માટે જરૂરી મિસાઇલ સિસ્ટમ અને તેના સ્પેરપાર્ટ્સની સપ્લાય માટેના હતા.

'BEL'એ આ કોન્ટ્રાક્ટ્સ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ (MDL) અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) પાસેથી મેળવ્યા હતા.

BEL હવે માત્ર ડિફેન્સને લગતા સાધનો જ નહીં પણ સેમિકન્ડક્ટર અને એડવાન્સ ટેકનોલોજી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. 6 જૂન, 2025 ના રોજ BEL અને ટાટા ઇલેક્ટ્રોનિક્સે સાથે મળીને કામ કરવાની જાહેરાત કરી હતી. બંને કંપનીઓ હવે ચિપ ડિઝાઇનિંગ, એસેમ્બલી અને ફેબ્રિકેશન જેવા પ્રોજેક્ટ્સ પર કામ કરશે.

BEL માં વિદેશી રોકાણકારો (FII) નો રસ પણ વધી રહ્યો છે. જૂન 2025 ના ક્વાર્ટરમાં FII એ તેમનો હિસ્સો 17.55% થી વધારીને 18.56% કર્યો છે. આનો અર્થ એ છે કે, વિદેશી રોકાણકારો ભવિષ્ય માટે કંપનીને મજબૂત માણી રહ્યા છે અને શેરના ભાવમાં ઉછાળો થશે તેવી શક્યતા છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
