દેશની મોટી ખાનગી બેંકે FD પર વ્યાજ દર વધાર્યા, સિનિયર સિટીઝનને થશે ‘સૌથી વધુ ફાયદો’
જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. દેશની એક અગ્રણી બેંકે ચોક્કસ રકમથી ઓછી થાપણો માટે વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંકે ટૂંકાગાળાથી લઈને લાંબાગાળાની એફડી પર વ્યાજ દરો સુધાર્યા છે, જેમાં સિનિયર સિટીઝનો માટે ખાસ ઊંચા વ્યાજની જોગવાઈ કરવામાં આવી છે.

HDFC બેંકે કેટલીક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દર 50 બેસિસ પોઈન્ટ સુધી વધારી દીધા છે. આ વધારો 3 કરોડ રૂપિયાથી ઓછા રકમની FD પર લાગુ થશે. નવા વ્યાજ દર 4 નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. સિનિયર સિટીઝનોને સામાન્ય રોકાણકારો કરતાં વધુ વ્યાજ દર મળશે.
ટૂંકાગાળાની FD પર વ્યાજ દરે 50 બેસિસ પોઈન્ટનો વધારો
એચડીએફસી બેંકે 61 દિવસથી લઈને 6 મહિના સુધીની એફડી પર વ્યાજ દર 4.25 ટકાથી વધારીને 4.75 ટકા કરી દીધો છે. 6 મહિના એક દિવસથી લઈને 9 મહિના સુધીની એફડી પર વ્યાજ દર 15 બેસિસ પોઈન્ટ વધીને 5.65 ટકા થઈ ગયો છે. 9 મહિના એક દિવસથી લઈને એક વર્ષથી ઓછી એફડી પર હવે વ્યાજ દર વધીને 5.90 ટકા થઈ ગયો છે.
એક વર્ષથી લઈને 15 મહિનાથી ઓછી એફડી પર 6.25% વ્યાજ
એક વર્ષથી લઈને 15 મહિનાથી ઓછી એફડી પર હવે 6.25 ટકા વ્યાજ મળશે. 15 મહિનાથી લઈને 18 મહિનાથી ઓછી એફડી પર 6.35 ટકા વ્યાજ દર મળશે. ત્રણ વર્ષ એક દિવસથી લઈને ચાર વર્ષ અને સાત મહિનાથી ઓછી FD પર નવો વ્યાજ દર 6.60 ટકા લાગુ થશે. 04 વર્ષ સાત મહિનાથી લઈને પાંચ વર્ષના ડિપોઝિટ પર હવે 6.60 ટકા વ્યાજ મળશે.
સિનિયર સિટીઝનો માટે પણ બેંકે વ્યાજ દર વધાર્યા
HDFC બેંકે સિનિયર સિટીઝનો માટે પણ વ્યાજ દર વધાર્યા છે. હવે સિનિયર સિટીઝન HDFC બેંકમાં એફડી પરથી 7.20 ટકા સુધીનો વ્યાજ દર કમાઈ શકે છે. આ વ્યાજ દર ત્રણ વર્ષ એક દિવસથી લઈને ચાર વર્ષ સાત મહિનાથી ઓછી ડિપોઝિટ પર મળશે. ચાર વર્ષ અને સાત મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની ડિપોઝિટ પર પણ 7.20 ટકાનો વ્યાજ દર મળશે.
5 વર્ષ માટે FD કરવા પર 3,87,227 રૂપિયાની કમાણી થશે
જો 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ 10 લાખ રૂપિયાની એફડી HDFC બેંકમાં 5 વર્ષ માટે કરે છે, તો તેને વાર્ષિક 6.60 ટકાના દરે વ્યાજ મળશે. આનો અર્થ એ છે કે, 5 વર્ષ પછી તેના પૈસા વધીને 13,87,227 રૂપિયા થઈ જશે. તેમાં 10 લાખ રૂપિયા પર 3,87,227 રૂપિયાની વ્યાજ આવક સમાવિષ્ટ છે.
FD કરવા પર 4,28,748 રૂપિયાની કમાણી
60 વર્ષથી વધુની વ્યક્તિ એટલે કે સિનિયર સિટીઝનને 5 વર્ષના ડિપોઝિટ પર 7.20 ટકાનો વ્યાજ દર મળશે. આનો અર્થ એ છે કે, સિનિયર સિટીઝનના 10 લાખ રૂપિયા 5 વર્ષ પછી વધીને 14,28,748 રૂપિયા થઈ જશે. તેમાં 10 લાખ રૂપિયાના ડિપોઝિટ પર 4,28,748 રૂપિયાની વ્યાજ આવક સામેલ છે. અન્ય બેંકો પણ સિનિયર સિટીઝનોને સામાન્ય રોકાણકારોની સરખામણીમાં વધુ વ્યાજ ઓફર કરે છે.
