Asia Cup 2025 : શુભમન ગિલની ટીમ ઈન્ડિયામાં નહીં થાય પસંદગી ? શું આ છે કારણ?
એશિયા કપ શરૂ થવાને મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને BCCIએ હજી સુધી આ મોટી ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. એવામાં ટીમમાં કોઈ પસંદગી થશે તેણે લઈ ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. હવે ટીમ સિલેક્શનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સીરિઝ રહેલા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને ટીમમાંથી ડ્રોપ કરવાની વાતે ફેન્સને ચોંકાવી દીધા છે.

9 સપ્ટેમ્બરથી એશિયા કપ 2025 શરૂ થઈ રહ્યો છે. BCCIએ હજુ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. હવે એશિયા કપ 2025ની ભારતીય ટીમમાં શુભમન ગિલના સ્થાન અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

એક રિપોર્ટ મુજબ, શુભમન ગિલ માટે એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે ટીમ પાસે અભિષેક શર્મા અને સંજુ સેમસનનો વિકલ્પ પણ છે. બંનેએ T20 ફોર્મેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.

સંજુ સેમસનની વાત કરીએ તો, તેણે છેલ્લી 10 T20 મેચોમાં ત્રણ સદી ફટકારી છે. જો સંજુ સેમસનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવે છે, તો તે ઓપનરની ભૂમિકા ભજવશે. આવી સ્થિતિમાં, બોર્ડ સંજુની બેટિંગ લાઈનઅપ બદલવાના પક્ષમાં નથી.

આ ઉપરાંત, અભિષેક શર્માને પણ ટીમમાં સ્થાન મળશે, જેણે T20 ફોર્મેટમાં વિસ્ફોટક બેટિંગ કરી છે. તિલક વર્મા વર્લ્ડ નંબર 2 T20 બેટ્સમેન છે અને તેને પણ ટીમમાં સામેલ કરી શકાય છે. આવી સ્થિતિમાં, ગિલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવે તો જ તે ટીમમાં સામેલ થઈ શકે છે.

ઘણા સમયથી એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે શુભમન ગિલને અક્ષર પટેલની જગ્યાએ એશિયા કપ 2025ની ભારતીય ટીમમાં વાઈસ-કેપ્ટન તરીકે સામેલ કરી શકાય છે. રિંકુ સિંહ એશિયા કપમાં ફિનિશરની ભૂમિકામાં જોવા મળી શકે છે.

ભારતે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2 થી ડ્રો કરી હતી. શુભમન ગિલ આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે પાંચ મેચમાં 75.40ની સરેરાશથી 754 રન બનાવ્યા હતા. તેણે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો હતો.

શુભમન ગિલે IPL 2025માં 15 મેચમાં 50ની સરેરાશથી 650 રન બનાવ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 5 મેચમાં ગિલે 47ની સરેરાશથી 188 રન બનાવ્યા હતા. હવે જોવાનું એ છે કે ગિલને એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળે છે કે નહીં? (All Photo Credit : PTI / Getty)
એશિયા કપ પહેલા શુભમન ગિલના ભારતીય ટીમમાં સિલેક્શનને લઈ ખૂબ ચર્ચા થઈ રહી છે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
