Vaibhav Suryavanshi: એશિયા કપમાં વૈભવ સૂર્યવંશીએ 98 બોલમાં સૌથી વધુ રન બનાવ્યા, ચોગ્ગા- છગ્ગા ફટકારવામાં પણ નંબર 1
ઈન્ડિયા A એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમિફાઈનલમાં બાંગ્લાદેશ A સામે હારી ગયું. જોકે, ટીમ બહાર થાય તે પહેલા વૈભવે સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક ઈનિંગ રમી, સાથે જ તેણે સમગ્ર ટુર્નામેન્ટ સૌથી વધુ રન પણ બનાવ્યા.

ભારત A એશિયા કપ રાઈઝિંગ સ્ટાર 2025 માંથી બહાર થઈ ગયું. ઈન્ડિયા A સેમિફાઈનલમાં સુપર ઓવરમાં બાંગ્લાદેશ A સામે હારી ગયું, જેના કારણે ટાઈટલ જીતવાની તેમની આશાઓ ચકનાચૂર થઈ ગઈ. જોકે, ટીમના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ પ્રભાવિત કર્યા અને દરેક પાસામાં નંબર વન સાબિત થયો.

સેમિફાઈનલમાં સૂર્યવંશીએ બાંગ્લાદેશ A સામે માત્ર 15 બોલમાં 38 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ઈનિંગ સાથે, વૈભવ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર 2025 માં સૌથી વધુ રન બનાવનાર અને સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ખેલાડી બન્યો.

ફક્ત 14 વર્ષની ઉંમરે, યુવા ભારતીય ઓપનરે આ ટુર્નામેન્ટની ચાર ઈનિંગ્સમાં ફક્ત 98 બોલનો સામનો કર્યો અને સૌથી વધુ 239 રન બનાવ્યા. વધુમાં, વૈભવે સૌથી વધુ ચોગ્ગા (20) અને સૌથી વધુ છગ્ગા (22) પણ ફટકાર્યા.

વૈભવે ટુર્નામેન્ટનો સૌથી વધુ સ્કોર પણ બનાવ્યો. તેણે યુએઈ સામેની પહેલી મેચમાં માત્ર 42 બોલમાં 144 રન બનાવ્યા. વધુમાં, વૈભવનો 243.87નો સ્ટ્રાઈક રેટ સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ હતો.

સૂર્યવંશીએ સૌથી વધુ રન બનાવવાની રેસમાં પાકિસ્તાનના ઓપનર માઝ સદકતને પાછળ છોડી દીધો. સદકતએ સેમિફાઈનલ સુધી ચાર ઇનિંગ્સમાં 235 રન બનાવ્યા હતા, જેમાં 17 ચોગ્ગા અને 17 છગ્ગાનો સમાવેશ થાય છે. (PC: ACC)
ફક્ત 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટમાં ધમાલ મચાવી દીધી છે. વૈભવ સૂર્યવંશી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
