CSKના સ્ટાર ખેલાડીની દરિયાદિલીએ દિલ જીતી લીધું, યુવાઓ માટે 7 લાખ રૂપિયાની મદદની કરી જાહેરાત
IPL 2025ની વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સના એક સ્ટાર ખેલાડીએ એક મોટો નિર્ણય લીધો હતો. આ ખેલાડીએ તમિલનાડુના 10 ઉભરતા ખેલાડીઓને 70,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. CSKના સ્ટાર ઓલરાઉન્ડરના આ નિર્ણયે બધાનું દિલ જીતી લીધું હતું.

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહ્યું છે. તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આ બધા વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સના એક સ્ટાર ઓલરાઉન્ડરે તમિલનાડુના 10 ઉભરતા ખેલાડીઓ માટે એક મોટી જાહેરાત કરી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર શિવમ દુબેએ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે એક પગલું ભર્યું છે અને તમિલનાડુના 10 ઉભરતા ખેલાડીઓને પ્રત્યેકને 70,000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે.

તમિલનાડુ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન એવોર્ડ્સ અને સ્કોલરશિપ ઈવેન્ટ દરમિયાન દુબેએ આ હૃદયસ્પર્શી નિર્ણય લીધો. આ દરમિયાન, રમતવીરોને TNSJA દ્વારા 30 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. આ ઉપરાંત શિવમ દુબે દ્વારા આ 10 ખેલાડીઓને 70 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શિવમ દુબેએ કહ્યું, 'જ્યારે હું ટીમ હોટલથી આ જગ્યાએ આવી રહ્યો હતો, ત્યારે ડો. બાબા (TNCA સેક્રેટરી) એ મને કહ્યું કે આ કાર્યક્રમ અહીંના કેટલાક યુવાનોને મદદ કરવાનો પ્રયાસ છે. આવી સ્થિતિમાં, આ પગલું બધા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપશે. આ નાની નાની બાબતો તેમને સખત મહેનત કરવા અને દેશને ગૌરવ અપાવવા માટે વધારાની પ્રેરણા પૂરી પાડે છે.

શિવમ દુબેએ વધુમાં જણાવ્યું કે, 'મને બીજા રાજ્યો વિશે ખબર નથી પણ મેં મુંબઈમાં આવી પહેલ જોઈ છે. હું ચોક્કસપણે અન્ય રાજ્યોને આવા કાર્યક્રમો શરૂ કરવા કહીશ. આ 30,000 રૂપિયા નાની રકમ લાગે છે, પણ તે પ્રોત્સાહન તરીકે કામ કરે છે. જ્યારે તમે યુવાન હોવ છો, ત્યારે દરેક પૈસો અને દરેક પુરસ્કાર ખરેખર મહત્વ ધરાવે છે.'

તમિલનાડુ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન એવોર્ડ્સ અને સ્કોલરશિપ ઈવેન્ટમાં પીબી અભિનંદન (ટેબલ ટેનિસ), કેએસ વેનિશા શ્રી (તીરંદાજી), મુથુમીના વેલ્લાસામી (પેરા એથ્લેટિક્સ), શમીના રિયાઝ (સ્ક્વોશ), જયંત આરકે (ક્રિકેટ), એસ નંદના (ક્રિકેટ), કમલી પી (સર્ફિંગ), આર અબિનાયા (એથ્લેટિક્સ), આરસી જિથિન અર્જુન અને તમિલ એથ્લેટિક્સ (એથ્લેટિક્સ) અને તમિલ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. (All Photo Credit : PTI)
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આગામી રાઉન્ડમાં ક્વોલિફાય કરવા માટે CSKએ હવે તમામ મેચોમાં જીતવી પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
