IND vs SA: રોહિત શર્મા માટે હવે સૌથી મોટી કસોટી, આફ્રિકા સામે 26 મેચોમાં તેનો રેકોર્ડ ખરાબ
રોહિત શર્માની ઉંમર અને ફોર્મને કારણે તે 2027ના વર્લ્ડ કપમાં રમી શકશે કે નહીં તેણે લઈ ખૂબ ચર્ચા થઇ રહી છે. ઉંમરને રોકી શકાતી નથી, પરંતુ ફોર્મ તેબ હાથમાં છે, અને તેણે ઓસ્ટ્રેલિયામાં તેની ઝલક દેખાડી. જોકે, ખરી કસોટી દક્ષિણ આફ્રિકા સામે થવાની છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI શ્રેણીમાં શક્તિશાળી બેટિંગથી રોહિત શર્માએ સાબિત કર્યું કે તેમનામાં હજુ પણ ક્રિકેટ બાકી છે. પરંતુ રોહિત હવે એક મોટા પડકારનો સામનો કરી રહ્યો છે, કારણ કે આફ્રિકા સામેની ODI શ્રેણી તેના માટે એક મુશ્કેલ કસોટી સાબિત થશે, અને આંકડા પણ દર્શાવે છે કે તેણે આ ટીમ સામે સૌથી વધુ સંઘર્ષ કર્યો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણી 30 નવેમ્બરથી રાંચીમાં શરૂ થશે. આ શ્રેણીમાં રોહિત અને વિરાટ કોહલી પર ખાસ ધ્યાન રહેશે, કારણ કે બંને અનુભવી હાલમાં નિવૃત્તિની અટકળોને કારણે ચર્ચામાં છે. જોકે, કોહલી કરતાં રોહિત પર વધુ ધ્યાન છે , કારણ કે 2027ના વર્લ્ડ કપમાં રમવાની તેની તકોને અવરોધતા પરિબળો તરીકે વારંવાર ઉંમર અને ફોર્મનો ઉલ્લેખ કરવામાં આવે છે.

હવે રોહિત શર્માની પ્રગતિમાં ઉંમર કદાચ કોઈ પરિબળ ન હોય, પરંતુ ફોર્મ તેના હાથમાં છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં સદી અને અડધી સદી ફટકારીને, સ્ટાર ઓપનરે સંકેત આપ્યો કે તે આ ફોર્મેટમાં પણ એટલો જ અસરકારક રહે છે. જોકે, ઓસ્ટ્રેલિયા રોહિત માટે ક્યારેય પડકારજનક રહ્યું નથી. રોહિત માટે ખરી કસોટી હંમેશા દક્ષિણ આફ્રિકા સામે રહી છે, પછી ભલે તે કોઈપણ ફોર્મેટમાં હોય.

રોહિતે 2019ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર મેચવિનિંગ સદી ફટકારી હતી. આ પહેલા તેણે બે અલગ-અલગ પ્રસંગોએ સદી ફટકારી છે, પરંતુ ODI ક્રિકેટમાં 49 ની સરેરાશથી 11,370 રન બનાવનાર રોહિતે આફ્રિકા સામે 26 મેચોની 25 ઇનિંગ્સમાં ફક્ત 806 રન બનાવ્યા છે. તેની સરેરાશ ફક્ત 33.58 છે, જે અન્ય બધી મોટી ટીમોની તુલનામાં સૌથી ખરાબ છે.

એકંદરે, તેણે આ 25 ઇનિંગ્સમાંથી ફક્ત પાંચ ઇનિંગ્સમાં પચાસનો આંકડો પાર કર્યો છે. આનો અર્થ એ થયો કે તે 20 ઇનિંગ્સમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો છે. આ આંકડા રોહિત જેવા સ્તરના બેટ્સમેનને શોભતા નથી. તેથી, હિટમેન પાસે તેના સૌથી મજબૂત પ્રતિસ્પર્ધી સામે મજબૂત પ્રદર્શન કરવાની અને ટીમ મેનેજમેન્ટને બતાવવાની એક સારી તક છે કે તે 2027 વર્લ્ડ કપ સુધી રમી શકે છે. (PC: PTI)
દક્ષિણ આફ્રિકા સામે વનડે શ્રેણીમાં રોહિત શર્માના પ્રદર્શન પર બધાની નજર રહેશે. રોહિત શર્મા સાથે જોડાયલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
