IND vs ENG : લોર્ડ્સ ટેસ્ટમાં જાડેજાએ જમાવ્યો રંગ, 72 વર્ષમાં આ કમાલ કરનાર એકમાત્ર ભારતીય
રવીન્દ્ર જાડેજાએ લોર્ડ્સના મેદાન પર માત્ર સંઘર્ષ જ નહોતો કર્યો, તે ભારતની જીત માટે એકલા લડતો રહ્યો. જાડેજાની લડાયક ઈનિંગ છતાં ભારત હાર્યું, પરંતુ જાડેજાએ પોતાના પ્રદર્શનથી દિલ જીતી લીધા. સાથે જ તેણે અનેક રેકોર્ડ પણ બનાવ્યા.

લોર્ડ્સ ટેસ્ટનું પરિણામ ભલે ભારતની તરફેણમાં ન આવ્યું હોય. પરંતુ મેચ બાદ રવીન્દ્ર જાડેજાની ચર્ચા એક હીરોની જેમ થઈ રહી છે. લોર્ડ્સમાં ભારતની જીત માટે જે રીતે તેણે લડત આપી, તેના માટે જાડેજાના વખાણ થવા સ્વાભાવિક છે.

ઈંગ્લેન્ડ સામે રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાએ કોઈપણ ભારતીય બેટ્સમેનની સરખામણીમાં લોર્ડ્સ ક્રીઝ પર સૌથી વધુ સમય વિતાવ્યો. લોર્ડ્સ ટેસ્ટમાં, તે કુલ 473 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો. ભારત જીતશે તેવી આશા સાથે. આવું બન્યું નહીં પરંતુ તેમના નામે એક અજોડ રેકોર્ડ ચોક્કસ નોંધાઈ ગયો.

રવીન્દ્ર જાડેજાએ લોર્ડ્સ ટેસ્ટના પ્રથમ દાવમાં 207 મિનિટ બેટિંગ કરીને 82 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં 266 મિનિટ સુધી બેટિંગ કરી અને 61 રન બનાવ્યા પછી અણનમ રહ્યો. આ રીતે, તેણે લોર્ડ્સ ટેસ્ટમાં કુલ 473 મિનિટ એટલે કે 7 કલાક અને 53 મિનિટ બેટિંગ કરીને 133 રન બનાવ્યા.

રવીન્દ્ર જાડેજા છેલ્લા 72 વર્ષમાં લોર્ડ્સમાં ટેસ્ટ મેચમાં બંને ઈનિંગ્સમાં 50થી વધુ રન બનાવનાર વિનુ માંકડ બાદ બીજો ખેલાડી બન્યો હતો. 1952માં ભારત-ઈંગ્લેન્ડ લોર્ડ્સ ટેસ્ટની પહેલી ઈનિંગમાં વિનુ માંકડે 72 અને બીજી ઈનિંગમાં 183 રનની જોરદાર ઈનિંગ્સ રમી હતી.

જાડેજાએ લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 7000 રન પણ પૂરા કર્યા હતા. તે 7000થી વધુ રન બનાવનાર અને 600થી વધુ વિકેટ લેનાર વિશ્વનો ચોથો ક્રિકેટર બન્યો હતો. જાડેજા પહેલા કપિલ દેવ, શોન પોલોક અને શાકિબ અલ હસન પણ આ સફળતા મેળવી ચૂક્યા છે. (All Photo Credit : PTI)
ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડમાં બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. રવીન્દ્ર જાડેજા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
