T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર મિસ્ટ્રી સ્પિનરની ભારતની ODI ટીમમાં અચાનક થઈ એન્ટ્રી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી 3 મેચની વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણી શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમમાં અચાનક એક મિસ્ટ્રી સ્પિનરની એન્ટ્રી થઈ ગઈ છે. આ ખેલાડીએ તાજેતરની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની T20 શ્રેણી 4-1થી જીતી હતી. હવે બંને ટીમો વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાશે. આ શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન, BCCIએ ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે.

ટીમ ઈન્ડિયાનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ઈંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીમાં સૌથી સફળ બોલર રહ્યો. વરુણ ચક્રવર્તીને હવે આ શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિએ વરુણ ચક્રવર્તીને વનડે શ્રેણીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. વરુણ ચક્રવર્તી હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે એક પણ ODI મેચ રમ્યો નથી.

વરુણ ચક્રવર્તીના તાજેતરના પ્રદર્શનને જોતા એવું માનવામાં આવે છે કે તેને પ્રથમ મેચની પ્લેઈંગ 11 માં પણ તક મળી શકે છે, જે તેની ODI માં ડેબ્યૂ મેચ હશે. આ ફેરફારની જાહેરાત BCCI દ્વારા પણ કરવામાં આવી છે.

વરુણ ચક્રવર્તી T20 શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 5 મેચમાં 7.66 ની ઈકોનોમી અને 9.85 ની સરેરાશથી 14 વિકેટ લીધી હતી. તેના સિવાય આ શ્રેણીમાં અન્ય કોઈ બોલર 10 વિકેટનો આંકડો સ્પર્શી શક્યો નથી. આ ભારત તરફથી T20 શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે.

અગાઉ પણ આ રેકોર્ડ વરુણ ચક્રવર્તીના નામે હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં 12 વિકેટ લીધી હતી. તે હાલમાં ટીમ ઈન્ડિયા સાથે નાગપુરમાં છે, જ્યાં ODI શ્રેણીની પહેલી મેચ રમાશે. તે અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરતો પણ જોવા મળ્યો હતો.

ODI શ્રેણી માટે ભારતની ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી. (All Photo Credit : PTI)
ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા કરો ક્લિક






































































