આખો ખેલ અમેરિકી ડોલર સામે ! ગોલ્ડ માર્કેટમાં ચીને મોટું પગલું ભર્યું, સોનાના ભાવ અને ભારતીય રોકાણકારો પર આની શું અસર પડશે ?
ચીને ગોલ્ડ માર્કેટમાં એક મોટું પગલું ભર્યું છે. આ નિર્ણય યુએસ ડોલર સામે લેવામાં આવ્યો છે, તેવું કહેવાઈ રહ્યું છે. એવામાં પ્રશ્ન એ છે કે, ચીન આવું કેમ કરી રહ્યું છે? સોનાના ભાવ પર અને ભારતીય રોકાણકારો પર આની શું અસર પડશે?

વૈશ્વિક ગોલ્ડ માર્કેટમાં હાલ ચીને સૌથી મોટું કારનામું કર્યું છે. સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા તેમ છતાંય ચીન સતત ગોલ્ડની ખરીદી કરી રહ્યું છે. આ કોઈ નાનો નિર્ણય નથી પરંતુ યુએસ ડોલર સામે લેવામાં આવેલ સૌથી મોટું પગલું છે. મળતી માહિતી મુજબ, આ એક મોટી રણનીતિ હોઈ શકે છે.

ચીનની કેન્દ્રીય બેંક People’s Bank of China એ ફરી એકવાર સાબિત કર્યું છે કે, તે સોના અંગે ખૂબ જ આક્રમક વ્યૂહરચના પર કામ કરી રહી છે. બેંકે સતત 14 મા મહિને સોનાની ખરીદી ચાલુ રાખી છે. ગયા મહિને જ રિઝર્વમાં 30,000 ટ્રોય ઔંસ સોનું ઉમેરાયું હતું. નવેમ્બર 2024 થી શરૂ થયેલા આ ખરીદી ચક્ર (Purchase Cycle) માં, ચીને અત્યાર સુધીમાં લગભગ 13.5 લાખ ઔંસ એટલે કે લગભગ 42 ટન સોનું એકઠું કર્યું છે.

આ ડેટા દર્શાવે છે કે, ચીન ફક્ત ટ્રેડિંગ જ નહીં પરંતુ લાંબાગાળાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે, જ્યારે સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચે છે, ત્યારે સામાન્ય રીતે ખરીદી ધીમી પડે છે. જો કે, ચીનની સ્થિતિ અલગ છે અને આનું મુખ્ય કારણ ડોલરથી અંતર રાખવાનું છે.

સોનું ચીન માટે માત્ર એક એસેટ નથી પરંતુ ડોલરના જોખમથી બચવા માટેનું એક હથિયાર છે. આ સિવાય, જ્યારે પણ વૈશ્વિક અનિશ્ચિતતા વધે છે અથવા ડોલર નબળો પડે છે, ત્યારે સોનું એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવે છે. World Gold Council ના રિસર્ચ મુજબ, વર્ષ 2025 ના અંત સુધીમાં વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદીને વધુ વેગ આપ્યો.

આ પરથી સ્પષ્ટ છે કે, માત્ર ચીન જ નહીં પરંતુ ઘણા દેશો તેમના ફોરેન રિઝર્વમાં સોનાનો હિસ્સો વધારી રહ્યા છે. એવામાં જણાવી દઈએ કે, આની સીધી અસર સોનાના ભાવ પર પડશે. વધુમાં, જ્યારે સેન્ટ્રલ બેન્કો ખરીદી કરે છે, ત્યારે સોનાને મજબૂત ટેકો મળે છે અને ભાવ ઘટતા અટકે છે. બીજીબાજુ ગોલ્ડમેન સૅક્સ માને છે કે, ચીનની વાસ્તવિક સોનાની ખરીદી સત્તાવાર આંકડા કરતાં વધુ હોઈ શકે છે.

આનો અર્થ એ થયો કે, જે બતાવવામાં આવી રહ્યું છે તેની પાછળ વધુ મજબૂત ખરીદી છુપાયેલી હોઈ શકે છે. જો આવું છે તો આ સ્પષ્ટ સંકેત છે કે, ચીન લાંબા સમય સુધી સોનામાં બુલિશ રહેશે.

હવે ભારત પર નજર કરીએ તો, ચીનની સતત ખરીદીને કારણે વૈશ્વિક સોનાના ભાવ મજબૂત રહેવાની શક્યતા છે. આનો અર્થ એ થયો કે, ભારતમાં સોનાના ભાવમાં હજુ પણ વધારો જોવા મળશે. આગામી થોડા મહિનામાં ભાવ ₹2 લાખ સુધી પહોંચી શકે છે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
