કાયદો કહે છે ‘પી શકો છો’ ! સંસદ, બજેટ અને બોટલ… આખરે નાણામંત્રીને કેમ મળે છે ‘દારૂ’ પીવાની કાનૂની છૂટ?
બજેટના દિવસે સંસદમાં જામ છલકાશે એવી વાત સાંભળીને ભલે અચંબો લાગે પરંતુ સંસદીય ઇતિહાસમાં આવી એક રસપ્રદ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

દુનિયાભરની સંસદોમાં શિસ્ત, મર્યાદા અને કડક નિયમોની અપેક્ષા રાખવામાં આવે છે. ભારતથી લઈને અમેરિકા સુધી, કોઈપણ ગૃહની અંદર ખાવા-પીવાની સખત મનાઈ હોય છે પરંતુ દુનિયાના સૌથી જૂના લોકશાહી દેશ બ્રિટન (United Kingdom) માં એક એવી પરંપરા છે કે, જે આધુનિક યુગમાં કોઈને પણ હેરાન કરી શકે છે.

અહીં વર્ષમાં એક દિવસ એવો આવે છે, જ્યારે દેશના નાણામંત્રી (Chancellor of the Exchequer) સંસદની અંદર બધાની સામે દારૂ પી શકે છે. ખરેખરમાં આ બ્રિટિશ સંસદ (Westminster) ના નિયમો ખૂબ જ કડક છે. ગૃહની કાર્યવાહી દરમિયાન કોઈપણ સાંસદને કંઈપણ ખાવા કે પીવાની પરવાનગી હોતી નથી. આટલું જ નહીં, ગૃહમાં માત્ર 'સાદું પાણી' જ લાવી શકાય છે પરંતુ 'બજેટ ડે' (Budget Day) ના દિવસે એક ઐતિહાસિક અપવાદ આપવામાં આવે છે.

ટૂંકમાં જ્યારે ચાન્સેલર પોતાનું બજેટ ભાષણ શરૂ કરે છે, ત્યારે તેઓ તેમના ટેબલ પર પાણી સિવાય તેમની પસંદગીનું કોઈપણ પીણું રાખી શકે છે, જેમાં આલ્કોહોલ (નશીલા પીણા) નો પણ સમાવેશ થાય છે. આ બ્રિટનના સંસદીય નિયમોના 'કસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસ' (પરંપરા અને પ્રથા) નો એક ભાગ છે.

આ પરંપરાની શરૂઆત કોઈ મોજ-મસ્તી માટે નહીં પરંતુ એક મજબૂરીના કારણે થઈ હતી. 18મી અને 19મી સદીમાં બજેટ ભાષણ આજની જેમ 45 મિનિટ કે 1 કલાકના નહોતા હોતા. વર્ષ 1853 માં વિલિયમ ગ્લેડસ્ટોન (William Gladstone) એ એક એવું બજેટ ભાષણ આપ્યું હતું, જે 4 કલાક અને 45 મિનિટ સુધી ચાલ્યું હતું.

તે સમયે ગૃહમાં કોઈ લાઉડસ્પીકર કે માઈક નહોતા. નાણામંત્રીએ ખીચોખીચ ભરેલા ગૃહમાં બૂમો પાડીને પોતાની વાત રજૂ કરવી પડતી હતી. આટલા કલાકો સુધી સતત બોલવાને કારણે ગળું સુકાઈ જતું હતું અને અવાજ બેસી જવા લાગતો હતો. હવે તે સમયે એવું માનવામાં આવતું હતું કે, દારૂ (જેમ કે વ્હિસ્કી કે બ્રાન્ડી) ગળાને સાફ રાખવા અને અવાજ બુલંદ રહે તે માટે મદદ કરે છે. આ જ કારણે સાંસદોએ સંમતિ આપી હતી કે, નાણામંત્રી ભાષણ દરમિયાન પોતાની પસંદગીનું "રિફ્રેશમેન્ટ" (તાજગી આપતું પીણું) લઈ શકે છે.

બ્રિટનના ઈતિહાસમાં ઘણા ચાન્સેલરોએ આ અનોખી પરંપરાનો પૂરેપૂરો આનંદ માણ્યો છે અને એવામાં તેમના મનપસંદ પીણાં તેમના વ્યક્તિત્વની ઓળખ બની ગયા હતા. ઉદાહરણ તરીકે, બેન્જામિન ડિઝરાયલી બજેટ દરમિયાન વ્હાઇટ વાઇન (White Wine) પીવાનું પસંદ કરતા હતા, જ્યારે વિલિયમ ગ્લેડસ્ટોન શેરી (Sherry) અને ફેંટેલા ઈંડાનું મિશ્રણ પીતા હતા, જેથી તેમનું ગળું સતત 5 કલાક સુધી સાથ આપી શકે. પોતાની બેબાક શૈલી માટે જાણીતા વિન્સ્ટન ચર્ચિલ બજેટ ભાષણ વખતે પોતાની સાથે બ્રાન્ડીનો ગ્લાસ રાખતા હતા. 1990ના દાયકામાં કેન ક્લાર્ક કદાચ છેલ્લા એવા ચાન્સેલર હતા કે, જેમણે સિંગલ માલ્ટ વ્હિસ્કીનો આનંદ લીધો હતો, જ્યારે જેફ્રી હાવે જીન અને ટોનિક (Gin & Tonic) ના શોખીન હતા.

એવામાં જેમ જેમ સમય બદલાયો અને સમાજમાં સ્વાસ્થ્ય તથા જાહેર આચરણ (Public Conduct) પ્રત્યે જાગૃતિ વધી, તેમ તેમ આ પરંપરા ધીમે ધીમે ઓછી થવા લાગી. જણાવી દઈએ કે, વર્ષ 1997 પછી ઘણા ચાન્સેલરોએ આ પરંપરાથી અંતર જાળવી રાખ્યું છે. ઉદાહરણ તરીકે, ગોર્ડન બ્રાઉન માત્ર મિનરલ વોટર પીતા હતા. એલિસ્ટર ડાર્લિંગ અને જ્યોર્જ ઓસબોર્ને બંને પણ પાણીને જ પ્રાથમિકતા આપતા હતા. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન અને તત્કાલીન ચાન્સેલર ઋષિ સુનકે પણ તેમના બજેટ ભાષણ દરમિયાન ક્યારેય દારૂનું સેવન કર્યું નથી; તેમણે માત્ર પાણીનો જ ઉપયોગ કર્યો હતો.

બ્રિટનની સંસદને 'The Mother of Parliaments' (સંસદોની માતા) કહેવામાં આવે છે. અહીંની પરંપરાઓ જેવી કે લાલ બ્રીફકેસ, સોનાની છડી (Mace) અને બજેટ દરમિયાન દારૂની છૂટ એ દર્શાવે છે કે, આ દેશ પોતાના ઇતિહાસને લઈને કેટલો ભાવુક છે.

જો કે, આજના નાણામંત્રી સંસદમાં જામ ટકરાવતા જોવા મળશે એવી સંભાવના ઓછી છે પરંતુ આ ‘કાનૂની છૂટ’ આજે પણ કાયદાની પુસ્તિકામાં નોંધાયેલી છે. આ પરંપરા આપણને યાદ અપાવે છે કે, એક સમયમાં દેશ ચલાવવો અને બજેટની વાતો જનતા સુધી પહોંચાડવી એ કેટલું કઠિન અને શારીરિક રીતે થકવી નાખનારું કામ હતું.
આ પણ વાંચો: Budget 2026: ભાડાના ઘરમાં રહેતા લોકો માટે સારા સમાચાર, બજેટમાં સરકાર આપી શકે છે આ ભેટ ! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
