‘મોટું એલાન’ થવાની શક્યતા ! બજેટથી ચમકી શકે છે ‘રોકાણકારોની કિસ્મત’, આ જાહેરાતથી ગોલ્ડનું ‘આખું ગણિત’ બદલાશે
નાણામંત્રી નિર્મલા સીતારમણના કેન્દ્રીય બજેટથી ગોલ્ડ ઇન્વેસ્ટર્સ (સોનાના રોકાણકારો) ને ઘણી અપેક્ષાઓ છે અને તેઓ ફિઝિકલ ગોલ્ડનો વધુ સારો વિકલ્પ ઇચ્છે છે.

ભારતમાં દરેક ઘરમાં સોનાની જ્વેલરી રાખવાની પરંપરા રહી છે પરંતુ આ સોનાનો કોઈ આર્થિક ઉપયોગ થતો નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, જો આ સોનાને ડિજિટલ અને રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સમાં બદલવામાં આવે, તો તે ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરી શકે છે.

સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા છે, જેના કારણે સોના પ્રત્યે રોકાણકારોના અભિગમમાં મોટો બદલાવ આવ્યો છે. મોટાભાગના રોકાણકારો માટે હવે ફિઝિકલ ગોલ્ડ (ભૌતિક સોનું) ખરીદવું મુશ્કેલ બની ગયું છે. વિઘ્નહર્તા ગોલ્ડના ચેરમેન મહેન્દ્ર લુનિયાએ જણાવ્યું હતું કે, "રિટેલ રોકાણકારો માટે વધુ ગોલ્ડ જ્વેલરી ખરીદવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. આ કારણે ઘણા પરિવાર હવે એક ગ્રામનો સોનાનો સિક્કો અથવા લગડી ખરીદી રહ્યા છે કાં તો શુદ્ધ સ્વરૂપમાં સોનાનો સંગ્રહ કરી રહ્યા છે."

તેમણે જણાવ્યું હતું કે, ફિઝિકલ ગોલ્ડ (ભૌતિક સોનું) સાથે ઘણા પ્રકારના પડકારો જોડાયેલા હોય છે. આમાં સ્ટોરેજ કોસ્ટ (સંગ્રહ ખર્ચ), શુદ્ધતાને લગતી ચિંતા, ઇન્શ્યોરન્સ રિસ્ક અને મર્યાદિત લિક્વિડિટીનો સમાવેશ થાય છે. ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ્સ અથવા રેગ્યુલેટેડ પેપર ગોલ્ડ પ્રોડક્ટ્સ દ્વારા આ તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ વિકલ્પોમાં રોકાણ કરવું સરળ છે, તેમાં લિક્વિડિટી સરળતાથી મળે છે અને પારદર્શિતા પણ વધુ હોય છે.

લુનિયાએ ઉમેર્યું કે, "બજેટ 2026 માં રોકાણકારોને ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ રેગ્યુલેટેડ ડિજિટલ ગોલ્ડ અને પેપર ગોલ્ડમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવાના પગલાં લેવામાં આવી શકે છે." પરિવારોને ફિઝિકલ ગોલ્ડનો વિકલ્પ આપવા માટે સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) ની શરૂઆત કરવામાં આવી હતી, જે ઘણી સફળ રહી હતી. આ સ્કીમમાં રોકાણકારોને સોનાના ભાવમાં થતા વધારાનો લાભ મળે છે અને સાથે જ રોકાણ પર વ્યાજ (Interest) પણ મળે છે.

જો રોકાણ મેચ્યોરિટી સુધી જાળવી રાખવામાં આવે, તો કેપિટલ ગેઈન્સ પર કોઈ ટેક્સ લાગતો નથી. લુનિયાએ જણાવ્યું હતું કે, "SGB ના નવા હપ્તા (Tranches) ન આવવાને કારણે રોકાણકારો માટે સોનામાં રોકાણ કરવા સરકારના સપોર્ટ વાળી કોઈ સ્કીમ બાકી રહી નથી. જો સરકાર ફરીથી SGB શરૂ કરે છે, તો તેનાથી રોકાણકારોને ઘણો ફાયદો થશે."

રોકાણકારોને એવી અપેક્ષા છે કે, સરકાર બજેટમાં એવી પોલિસીની જાહેરાત કરી શકે છે કે, જેનાથી સોનામાં રોકાણ કરવું સરળ, પારદર્શક અને સુરક્ષિત બનશે. લુનિયાએ જણાવ્યું હતું કે, "ડિજિટલ ગોલ્ડ માટે સ્પષ્ટ નિયમો હોવા જોઈએ. ફાઇનાન્શિયલ ગોલ્ડ પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રોકાણકારોને ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ પોતાના પોર્ટફોલિયોમાં ડિજિટલ ગોલ્ડ રાખવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ." ભારત માટે સોનું હંમેશા એક ભાવનાત્મક અને નાણાકીય સંપત્તિ (Financial Asset) બની રહેશે.
આ પણ વાંચો: સોના પર અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ ! 10 ગ્રામનો ભાવ ₹ 8.68 લાખ સુધી જઈ શકે છે, રોકાણકારોએ હવે આગળ શું કરવું?
