સોના પર અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ ! 10 ગ્રામનો ભાવ ₹ 8.68 લાખ સુધી જઈ શકે છે, રોકાણકારોએ હવે આગળ શું કરવું?
સોમવાર, 26 જાન્યુઆરીના રોજ સોનાના ભાવે ઇતિહાસ રચ્યો છે, જ્યારે પહેલીવાર સ્પૉટ ગોલ્ડનો ભાવ 5,000 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગયો. એવામાં હવે 10 ગ્રામનો ભાવ ₹8.68 લાખ સુધી પહોંચશે, તેને લઈને ચર્ચા વધુ તેજ બની છે.

સોમવાર, 26 જાન્યુઆરીના રોજ સોનાના ભાવે ઇતિહાસ રચ્યો છે, જ્યારે પહેલીવાર સ્પૉટ ગોલ્ડનો ભાવ 5,000 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગયો. એવામાં જાણવું જરૂરી છે કે, એક ઔંસમાં લગભગ 28 ગ્રામ હોય છે. આ હિસાબે 5,000 ડોલર પ્રતિ ઔંસના ભાવે 10 ગ્રામ સોનાની કિંમત 1.60 લાખ રૂપિયાથી વધુ થાય છે.
સોનામાં આવેલી આ મોટી તેજી બાદ ‘રિચ ડેડ પુઅર ડેડ’ (Rich Dad Poor Dad) ના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર સોના અંગે પોતાનો અત્યંત સકારાત્મક મત વ્યક્ત કર્યો છે. કિયોસાકીનું માનવું છે કે, સોનાની આ તેજી હજુ પૂરી થઈ નથી અને આગામી વર્ષોમાં તેની કિંમત 27,000 ડોલર પ્રતિ ઔંસ સુધી પણ જઈ શકે છે. ટૂંકમાં, ભારતીય રૂપિયામાં 10 ગ્રામ સોનાની કિંમત અંદાજે 8.68 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
GOLD soars over $5000.
Yay!!!!
Future for gold $27,000.
— Robert Kiyosaki (@theRealKiyosaki) January 26, 2026
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટમાં કિયોસાકીએ સોનાના ભાવમાં આવેલા આ ઉછાળાને વધાવ્યો છે. તેમના મતે, વર્તમાન સમયમાં સોનું, ચાંદી અને ક્રિપ્ટોકરન્સી જેવી હાર્ડ એસેટ્સ (મજબૂત સંપત્તિ) માં રોકાણ વધુ સુરક્ષિત તેમજ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું કે, સોનું 5,000 ડોલરને પાર કરી ગયું છે અને ભવિષ્યમાં તેની સપાટી 27,000 ડોલર સુધી પહોંચી શકે છે. જો કે, તેમણે આ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા (ટાઈમલાઈન) જણાવી નથી.
5 ગણાથી પણ વધુનો ઉછાળો
જો સોનાની કિંમતો 5,000 ડોલર થી વધીને 27,000 ડોલર સુધી પહોંચે છે, તો આ વર્તમાન સ્તરથી પાંચ ગણાથી પણ વધુનો ઉછાળો હશે. તાજેતરના વર્ષોમાં સોનાને લઈને કરવામાં આવેલા સૌથી આક્રમક ‘બુલિશ’ (તેજીના) અનુમાનોમાંનું આ એક છે. કેટલાક રોકાણકારોને સોનું મોંઘું લાગી શકે છે પરંતુ કિયોસાકી આ બાબતે બિલકુલ ચિંતિત જણાતા નથી.
કિયોસાકીએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ વર્તમાન કિંમતો પર પણ સોનું, ચાંદી અને ક્રિપ્ટોકરન્સી ખરીદવાનું ચાલુ રાખશે. તેમનું કહેવું છે કે, તેમને એ વાતની ચિંતા નથી કે, આ એસેટ્સના ભાવ ઉપર જઈ રહ્યા છે કે નીચે, કારણ કે અસલી સમસ્યા અમેરિકા પર સતત વધતું દેવું (Debt) છે, જે ડોલરની વેલ્યુને સતત નબળી પાડી રહ્યું છે.
તેમના મતે, જેમ-જેમ અમેરિકાનું દેવું વધતું જશે, તેમ-તેમ ડોલરની ખરીદશક્તિ ઘટતી જશે અને સોનું તથા બિટકોઈન જેવી સંપત્તિઓ વધુ મજબૂત સાબિત થશે. તેમણે એમ પણ ઉમેર્યું કે, તેઓ સતત ગોલ્ડ, સિલ્વર, બિટકોઈન અને એથેરિયમ ખરીદી રહ્યા છે. આ જ કારણે, તેમની સંપત્તિ વધી રહી છે.
સોનાની તેજી પાછળ કયા કારણો જવાબદાર?
સોનાની કિંમતોમાં આવેલી આ તાજેતરની તેજી પાછળ બીજા વૈશ્વિક કારણો જવાબદાર માનવામાં આવે છે. વિશ્વના વિવિધ ભાગોમાં વધી રહેલા Geo-political Tension ને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પો તરફ વળ્યા છે, જેમાં સોનું સૌથી મોખરે છે.
સોનાની વર્તમાન તેજી એ ગયા વર્ષે શરૂ થયેલી મજબૂત રેલીનું જ વિસ્તરણ માનવામાં આવી રહ્યું છે. વર્ષ 2025માં સોનાના ભાવમાં અંદાજે 70 ટકાનો વધારો નોંધાયો હતો, જે વર્ષ 1979 પછીનું તેનું સૌથી શ્રેષ્ઠ વાર્ષિક પ્રદર્શન રહ્યું.
બીજી તરફ, ચાલુ મહિનામાં જ સોનું આશરે 17 ટકા જેટલું વધી ચૂક્યું છે. આ તેજી પાછળ કેન્દ્રીય બેંકોની મજબૂત ખરીદી, વૈશ્વિક આર્થિક અને વ્યાપારિક અનિશ્ચિતતા તેમજ ગોલ્ડ ETFમાં વધતું રોકાણ મહત્ત્વના કારણો માનવામાં આવે છે.
