પેન, સહી અને ચેકબુક… બધું જ ખતમ! RBI લાવ્યું ‘E-Cheque’ નો જમાનો, 1 એપ્રિલ પછી બેંકિંગની દુનિયા બદલાઈ જશે
શું તમે હજુ પણ પેમેન્ટ કરવા માટે ચેકબુક અને પેનનો ઉપયોગ કરો છો? તો તમારા માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) હવે બેંકિંગને વધુ સરળ અને આધુનિક બનાવવા જઈ રહી છે. RBI ના નવા 'પેમેન્ટ્સ વિઝન 2028' મુજબ, હવે ટૂંક સમયમાં આપણે કાગળના ચેક સાચવવાની ઝંઝટમાંથી રાહત મેળવી શકીશું.

ભારતમાં બેંકિંગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ચહેરો હવે પૂરેપૂરો બદલાઈ જવાનો છે. ભારતીય રિઝર્વ બેંકે (RBI) તાજેતરમાં જ પોતાનું 'પેમેન્ટ્સ વિઝન 2028' (Payments Vision 2028) ડોક્યુમેન્ટ રજૂ કર્યું છે, જેમાં પરંપરાગત બેંકિંગ સિસ્ટમને આધુનિક બનાવવા માટે ઘણા મોટા પ્રસ્તાવ રાખવામાં આવ્યા છે. આ વિઝન ડોક્યુમેન્ટની સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, હવે ટૂંક સમયમાં ફિઝિકલ ચેકનો જમાનો ખતમ થઈ શકે છે. ટૂંકમાં, આની જગ્યા 'ઈ-ચેક' (E-Cheque) લેવાનું છે. આરબીઆઈનો લક્ષ્ય દેશમાં ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત, ઝડપી અને પેપર લેસ બનાવવાનો છે.

સામાન્ય રીતે આપણે કોઈને મોટી રકમ 'પે' કરવા માટે ચેકબુકનો ઉપયોગ કરીએ છીએ, તેને પેનથી ભરીએ છીએ અને પછી સહી કરીએ છીએ. બસ 'ઈ-ચેક' આ પ્રક્રિયાનું સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપ હશે. આમાં તમારે ફિઝિકલ ચેકબુકની જરૂર નહીં પડે. તમે તમારી બેંકની મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા ડિજિટલ ચેક જનરેટ કરી શકશો. આના પર તમારી ડિજિટલ સહી (Digital Signature) હશે અને મેળવનાર વ્યક્તિના ખાતામાં તે તરત અથવા ખૂબ જ ઓછા સમયમાં ક્રેડિટ થઈ જશે. આ બિલકુલ એવું જ હશે, જેમ આપણે યુપીઆઈ (UPI) કે એનઈએફટી (NEFT) કરીએ છીએ પરંતુ તેમાં ચેકની તમામ કાયદેસરની વિશેષતા અને સુરક્ષાના ધોરણો જળવાઈ રહેશે.

ફિઝિકલ ચેક સાથે ઘણી બધી મર્યાદાઓ જોડાયેલી હોય છે. પ્રથમ, ચેકને એક બેંકમાંથી બીજી બેંકમાં મોકલવામાં (Clearing) સમય લાગે છે. બીજું, ચેક ખોવાઈ જવાનો, ફાટી જવાનો કે પછી સહી મિસમેચ થવાના કારણે પેમેન્ટ અટકી જવાનો ડર રહે છે. આ ઉપરાંત, ચેક બાઉન્સ અને ચેક ફ્રોડના કિસ્સાઓ પણ બેંકિંગ સિસ્ટમ માટે એક મોટો પડકાર છે. ઈ-ચેક આવવાથી આ તમામ સમસ્યાઓ લગભગ ખતમ થઈ જશે. ડિજિટલ રેકોર્ડ હોવાને કારણે છેતરપિંડીની શક્યતા ઘટશે અને પેમેન્ટની પ્રક્રિયા અત્યંત ઝડપી બની જશે. સાથે જ, આનાથી કાગળની પણ ભારે બચત થશે, જે પર્યાવરણની દૃષ્ટિએ એક સારું પગલું છે.

આરબીઆઈના આ વિઝન ડોક્યુમેન્ટમાં RTGS અને NEFT ને વધુ સુલભ બનાવીને 24x7 પેમેન્ટ્સની સુવિધા આપવાનું લક્ષ્ય છે, જેથી મોટી રકમનું ટ્રાન્સફર ક્યારેય અટકે નહીં. આ સાથે જ ભારતીય UPI ને વિશ્વના અન્ય દેશો સાથે જોડવામાં આવશે, જેથી વિદેશમાં પૈસા 'મોકલવા અને મંગાવવા' ખુબ જ સરળ બની જશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછી રોકડવાળી અર્થવ્યવસ્થા બનાવવાનો છે, જેથી લોકો નાના-મોટા દરેક કામ માટે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે અને સિસ્ટમમાં પારદર્શિતા આવે.

એક સામાન્ય ગ્રાહક તરીકે હવે તમારે ચેકબુક સાચવવાની કે બેંકની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર ઘણી ઓછી થઈ જશે. ઈ-ચેક દ્વારા તમે ઘરે બેઠા જ સુરક્ષિત રીતે મોટી રકમની ચુકવણી કરી શકશો. આ વ્યવસ્થા ખાસ કરીને વડીલો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેમાં 'ચેક ટ્રંકેશન સિસ્ટમ' (CTS) જેવી લાંબી અને સમય લેતી પ્રક્રિયામાંથી રાહત મળશે. જો કે, આ સુવિધાનો લાભ લેવા માટે તમારે ડિજિટલ બેંકિંગ અને સાયબર સુરક્ષા પ્રત્યે થોડું વધુ જાગૃત થવું પડશે.
આ પણ વાંચો: સોનું સસ્તું થયું એ તો માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર હવે શરૂ થશે… ગોલ્ડ લોન કંપનીઓ પર તોળાઈ રહ્યું છે ‘સૌથી મોટું સંકટ’
