History of city name : ગોલ્ડન બ્રિજના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગોલ્ડન બ્રિજ પશ્ચિમ ભારતના ગુજરાતમાં અંકલેશ્વર અને ભરૂચને જોડતો એક મહત્વનો પુલ છે. નર્મદા નદી પર આવેલો આ પુલ 1881માં બ્રિટિશ શાસન દરમિયાન બન્યો હતો. તે સમયના બોમ્બે (આજના મુંબઈ) ખાતેના વેપારીઓ અને વહીવટી અધિકારીઓને સરળ અને ઝડપી સંપર્ક સુલભ થાય તે માટે આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પુલને ‘નર્મદા પુલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પુલનું નિર્માણ સર જોન હોકશો દ્વારા તૈયાર કરાયેલ ડિઝાઇનના આધારે 7 ડિસેમ્બર 1877ના રોજ શરૂ થયું હતું અને 16 મે 1881ના રોજ પૂર્ણ થયું. પુલ બાંધવામાં કુલ રૂ. 45,65,000 જેટલો ખર્ચ થયો હતો. તેની રચનામાં રીવેટેડ જોડાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાંબા સમય સુધી પૂરતી જાળવણી ન મળવાથી પુલના ભાગોમાં કાટ દેખાવા લાગ્યો છે. પુલનાં થાંભલાઓ મૂળ બે લેનના વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા, પરંતુ ઉપરનો રસ્તો માત્ર એકરેખીય રેલવે ચાલે એટલો, આશરે 14 ફૂટ જેટલો પહોળો હતો. ઈ.સ. 1860માં રેલવે પાટા બિછાવવાની પ્રક્રિયા શરૂ થતાં જ સાથે આ પુલની યોજના પણ આકાર લેવાની શરૂઆત થઈ હતી.

ઈ.સ. 1863માં નર્મદામાં આવેલા ભારે પૂરનાં કારણે પુલના છ ગાળા ખેંચાઈને નુકસાનગ્રસ્ત બન્યા. ત્યારબાદ તે ભાગોને ફરીથી સુધારીને તૈયાર કરવામાં આવ્યા, પરંતુ માત્ર ચાર વર્ષ પછી, ઓગસ્ટ1868માં આવેલા વધુ એક વિનાશકારી પૂરથી ચાર ગાળાઓ ફરી નુકસાન પામ્યા. સતત થતા આ નુકસાનને ધ્યાનમાં રાખીને, મુખ્ય પુલની બાજુમાં એક નવો પુલ ઉભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સહાયક પુલનું નિર્માણ ઈ.સ. 1871માં પૂર્ણ થયું.

ઈ.સ. 1860 થી 1871 વચ્ચે પુલના નિર્માણ અને મરામત માટે કુલ રૂ. 46,93,300 જેટલો ખર્ચ થયો હતો. આ પુલ 1876 સુધી કાર્યરત રહ્યો, પરંતુ તે વર્ષની સપ્ટેમ્બર મહિનામાં ફરીથી આવેલા ભારે પૂરના કારણે પુલના 26 ગાળા ગંભીર રીતે નુકસાન પામ્યા. પરિવહન વ્યવસ્થા ચાલુ રાખવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, અંદાજે રૂ. 1,50,000ના ખર્ચે તાત્કાલિક ઉપયોગ માટે એક કમચલાઉ પુલ ઉભો કરવામાં આવ્યો. પછી, વધુ મજબૂત અને દૃઢ પુલ બાંધવાનો નિર્ણય લેવાયો અને 7 ડિસેમ્બર 1877ના રોજ નવા પુલના નિર્માણની શરૂઆત આપવામાં આવી. આ પુલનું બાંધકામ 26 મે 1881ના રોજ પૂર્ણ થયા પછી તૈયાર થયું, અને તેના માટે આશરે રૂ. 3 કરોડ 7 લાખ 50 હજાર જેટલો ખર્ચ થયો.

ઈ.સ. 1860માં શરૂ થયેલા પુલના નિર્માણ, તેની સતત મરામત અને પછી 1877 બાદ બનાવાયેલા વધુ મજબૂત પુલ આ તમામ પર મળીને અંદાજે રૂ. 85,93,400 જેટલો ખર્ચ થયો હતો. તે સમયગાળા દરમિયાન જૂના પુલને ટકાવી રાખવા અને તેને વારંવાર સુધારવા માટે સરકાર અને રેલવે વિભાગે એટલો મોટો ખર્ચ કરવો પડ્યો કે લોકો વચ્ચે આ પુલને "સોનાનો પુલ" (Golden Bridge) તરીકે ઓળખાવાનું પ્રચલિત થઈ ગયું.

ઈ.સ. 1935માં ‘સિલ્વર જ્યુબિલી બ્રિજ’ તૈયાર થતાં જ આ જૂનો પુલ જાહેર બાંધકામ વિભાગને સોંપવામાં આવ્યો. ત્યારબાદ 1943માં અહીંનું વાહનવ્યવહારમાં ફેરફાર કરીને ટ્રાફિકની દિશા બદલી દેવામાં આવી. પછી, 1949માં આ પુલને વધુ સુવિધાજનક રૂપ આપવા માટે કરવાના મરામત કાર્ય માટે અંદાજે 84 લાખ રૂપિયાનું ખર્ચ નક્કી કરવામાં આવ્યું હતું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જૂના પુલને તોડી તેના લોખંડને વેચી નાંખવાની વિચારણા થઈ રહી હતી, કારણ કે તે સમયમાં ધાતુથી સારી આવક મળી શકે તેમ હતી. પરંતુ દક્ષિણ ગુજરાતને જોડતો અને વાહનવ્યવહાર માટે એકમાત્ર મુખ્ય માર્ગ તરીકે કાર્ય કરતા આ પુલને દૂર કરી દેવામાં આવે તો વિસ્તારનું સંચાલન મુશ્કેલ બનત, તેથી જિલ્લા લોકલ બોર્ડ અને ભરૂચ જિલ્લાના નાગરિકોએ સર્વસભાઓ રાખી જોરદાર રજૂઆતો કરી. તેમના પ્રયાસોના પરિણામે આ પુલને 'સ્ક્રેપ’ થવામાંથી બચાવી શકાયો. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
