CNGના ભાવમાં વધારો અનિવાર્ય કેમ બન્યો? અદાણી ટોટલ ગેસે સમજાવ્યાં કારણો
અદાણી ટોટલ ગેસે CNGના ભાવ વધાર્યા છે, જેના કારણોમાં સ્થાનિક ગેસની ઓછી ઉપલબ્ધતા, પુરવઠા કાપ અને ભૂરાજકીય પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે.

અદાણી ટોટલ ગેસ લિમિટેડે CNGના ભાવમાં વધારો કરવાનો નિર્ણય વૈશ્વિક અને સ્થાનિક બંને પરિબળોને જવાબદાર ગણાવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, દેશમાં સ્થાનિક સ્તરે કુદરતી ગેસની ઓછી ઉપલબ્ધતા, પુરવઠામાં અણધાર્યા કાપ તેમજ ભૂરાજકીય પરિસ્થિતિઓને કારણે વૈશ્વિક બજારમાં કુદરતી ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના સીધા પરિણામે કંપનીને ગેસની ખરીદી માટે વધુ કિંમત ચૂકવવી પડી રહી છે, જેના કારણે CNGના ભાવમાં ફેરફાર કરવો અનિવાર્ય બન્યો છે.

છેલ્લા છ મહિનામાં આંતરરાષ્ટ્રીય LNG બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. ફેબ્રુઆરી 2026 દરમિયાન LNGના ભાવ આશરે 10થી 13 ડોલર પ્રતિ MMBtu વચ્ચે હતા, જે ભારતીય આયાતકારો માટે પ્રમાણમાં અનુકૂળ માનવામાં આવતા હતા. પરંતુ ફેબ્રુઆરીના અંતમાં મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થતાં જ સ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ. કતાર અને UAEમાંથી ભારતને મળતા LNGના પુરવઠા પર અસર થઈ, કારણ કે આ બંને દેશો મળીને 2025 દરમિયાન ભારતની કુલ LNG આયાતમાં આશરે 59 ટકા હિસ્સો ધરાવતા હતા. હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ સર્જાતા વૈશ્વિક પુરવઠા સાંકળ પર ગંભીર અસર પડી.

માર્ચ 2026ની શરૂઆતમાં આ સંકટે ઐતિહાસિક ભાવવધારો સર્જ્યો હતો. Japan Korea Marker (JKM) આશરે 25 ડોલર પ્રતિ MMBtu સુધી પહોંચી ગયો હતો, જ્યારે West India Marker (WIM)એ 3 માર્ચે 25.34 ડોલર પ્રતિ MMBtuની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. ત્યારબાદ એપ્રિલથી જૂન દરમિયાન યુદ્ધવિરામની આશાઓ વચ્ચે ભાવોમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તે છતાં LNGના ભાવ 15થી 19 ડોલર પ્રતિ MMBtuની ઊંચી શ્રેણીમાં જ રહ્યા હતા, જે યુદ્ધ પહેલાંના સ્તર કરતાં ઘણાં વધારે હતા.

જુલાઈ 2026 દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધેલા તણાવ અને હોર્મુઝ જળમાર્ગમાં યથાવત રહેલા અવરોધોને કારણે LNGના ભાવ ફરી વધીને 19થી 22 ડોલર પ્રતિ MMBtu સુધી પહોંચી ગયા હતા. વૈશ્વિક બજારમાં આવેલા આ સતત વધારાનો સીધો પ્રભાવ ભારતના ગેસ વિતરણ ક્ષેત્ર પર પડ્યો છે, જેના કારણે શહેરોમાં CNGના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ અંગે અદાણી ટોટલ ગેસ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "દેશમાં સ્થાનિક કક્ષાએ CNG માટે કુદરતી ગેસની ઓછી ઉપલબ્ધતા, પુરવઠામાં અણધાર્યા કાપ અને ભૂરાજકીય મુદ્દાઓને કારણે વૈશ્વિક સ્તરે ગેસના ઊંચા ભાવો જેવા વિપરીત સંજોગોમાં કુદરતી ગેસ મેળવવાની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી CNGના ભાવમાં ફેરફાર કરવો અનિવાર્ય બન્યો છે. તેમ છતાં, અદાણી ટોટલ ગેસ લિમિટેડ ગ્રાહકો પર તેની અસર શક્ય તેટલી ઓછી રહે તે માટે વાજબી દરે અને પર્યાવરણને અનુકૂળ ઈંધણ તરીકે CNGનો અવિરત પુરવઠો જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે."
ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીનો સ્માર્ટ મીટર માર્કેટમાં જલવો.. એક ડીલથી આવી રીતે થશે ફાયદો
