સ્વાસ્થ્ય ક્ષેત્રે બજેટમાં ઓછી ફાળવણીના સવાલો પર નાણા સચિવે કહ્યું, ‘તે મુખ્યત્વે રાજ્યોની જવાબદારી છે’
નાણા સચિવ ટીવી સોમનાથને કહ્યું છે કે, હેલ્થકેર સેક્ટર મુખ્યત્વે રાજ્યોની જવાબદારી છે. હેલ્થકેર સેક્ટર માટે બજેટમાં ઓછી ફાળવણીના પ્રશ્નો પર સોમનાથને સોમવારે આ વાત કહી હતી.

નાણા સચિવ ટીવી સોમનાથને (TV Somanathan) કહ્યું છે કે, આરોગ્ય સંભાળ ક્ષેત્ર (Healthcare Sector) મુખ્યત્વે રાજ્યોની જવાબદારી છે. હેલ્થકેર સેક્ટર માટે બજેટમાં (Budget) ઓછી ફાળવણીના પ્રશ્નો પર સોમનાથને સોમવારે આ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે, બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવણી કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ના 1.3 ટકા જેટલી છે. સોમનાથને કહ્યું કે, કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય માળખા પર ખર્ચ કરે છે. આ ઉપરાંત સરકાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પર પણ ખર્ચ કરી રહી છે. જેના કારણે સમાજના નબળા વર્ગના લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચી રહી છે.
નાણાકીય વર્ષ 2022-23 માટેના બજેટ પ્રસ્તાવો અનુસાર સરકાર હેલ્થકેર સેક્ટર પર 83,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ નાણાકીય વર્ષ 2021-22ની સમકક્ષ છે. જો કે, દેશમાં કોવિડ-19 રોગચાળો હજુ પણ યથાવત છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથેની બજેટ પછીની ચર્ચામાં, કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના અધ્યક્ષ ટીવી નરેન્દ્રને કહ્યું હતું કે, હેલ્થકેર પર ખર્ચ વધ્યો છે અને તે GDPના 1.3 ટકા જેટલો છે. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે સરકાર આરોગ્ય પરનો ખર્ચ જીડીપીના ત્રણ ટકા જેટલો વધારશે.
ખાનગી ક્ષેત્રે પણ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છેઃ નાણાં સચિવ
સોમનાથને કહ્યું કે, આ આંકડાઓને એ દૃષ્ટિકોણથી જોવું જોઈએ કે સ્વાસ્થ્ય એ રાજ્યોની જવાબદારી છે. સોમનાથને વધુમાં જણાવ્યું હતું કે, રોગચાળા પછી સરકારે ઈમરજન્સી લોન ગેરંટી સ્કીમની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ હેલ્થકેર સેક્ટર માટે 50,000 કરોડ રૂપિયાની લોન સપ્લાય થઈ શકે છે. તેમણે કોર્પોરેટ સેક્ટરને આ યોજનાનો પૂરો લાભ લેવા જણાવ્યું હતું. નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે, માત્ર સરકાર જ નહીં પરંતુ ખાનગી ક્ષેત્રે પણ સ્વાસ્થ્ય ક્ષેત્ર પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે.
તમને જણાવી દઈએ કે, 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, નેશનલ ડિજિટલ હેલ્થ ઈકોસિસ્ટમ માટે એક ઓપન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. આમાં આરોગ્ય પ્રદાતાઓ અને આરોગ્ય સુવિધાઓ માટેની ડિજિટલ રજિસ્ટ્રીનો સમાવેશ થશે. આ સાથે, પ્લેટફોર્મને એક યુનિક હેલ્થ આઈડી અને આરોગ્ય સુવિધાઓની સાર્વત્રિક ઍક્સેસ મળશે.
આ સિવાય સોમવારે પોસ્ટ-બજેટ ચર્ચામાં નાણામંત્રીએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા માટેના બજેટ પ્રસ્તાવોની અર્થવ્યવસ્થા પર ગુણાત્મક અસર પડશે. તેમણે કહ્યું કે, આ બજેટ એવા સમયે તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે અર્થવ્યવસ્થા રોગચાળાની અસરોમાંથી બહાર આવી રહી છે.
(PTI ઇનપુટ સાથે)
આ પણ વાંચો: Tata Group ની આ કંપની 1000 નવી ભરતી કરશે, કર્મચારીઓની સંખ્યામાં મોટો વધારો થશે