પૂરગ્રસ્ત પંજાબને 470 ટન રાહત સામગ્રીની મદદ કરતું ગુજરાત, ખાસ ટ્રેન મારફતે જીવન જરૂરી ચીજ વસ્તુઓ કરાઈ રવાના
મુશ્કેલીના સમયે જરૂરીયાત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી છે. ભારે વરસાદ અને પૂરથી તારાજ થયેલા પંજાબને ખાસ ટ્રેન મારફતે કૂલ 470 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જેમાં વિવિધ ખાદ્ય સામગ્રી, અનાજ અને દવાનો પણ સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સીંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ 400 ટન ખાદ્ય સામગ્રી સાથેની એક વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું.

પૂરગ્રસ્ત પંજાબમાં મોકલાયેલી મદદમાં, 10 હજાર નંગ તાડપત્રી, 10 હજાર મચ્છરદાની, 10 હજાર બેડશીટ અને 70 ટન જેટલી દવાઓનો પણ સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત સામગ્રી મોકલવા ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી રૂપિયા પાંચ-પાંચ કરોડની મદદ સહાયના ચેક જે તે રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અગાઉ મોકલી આપ્યા છે.

ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવેલ ખાસ ટ્રેનમાં ઘઉંથી માંડીને કપડા સુધીની વિવિધ ચીજ વસ્તુઓનો સમાવેશ 22 વેગન સાથેની આ ટ્રેનમાં કરવામાં આવ્યો છે.

પંજાબના પૂરગ્રસ્તો માટે મોકલેલ રાહત સમગ્રી ઉપરાંત, ગુજરાત રાજ્ય તરફથી, છત્તીસગઢના પૂર અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ જીવન જરૂરિયાતની અંદાજે 8 હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે. જેમાં પણ અનાજ, વિવિધ ખાદ્યખોરાક તેમજ દવા અને અન્ય ચીજવસ્તુનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના વરસાદ આપત્તિગ્રસ્ત વિસ્તારોની પણ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રીઓ સાથે મુલાકાત લઈને જિલ્લા તંત્રની કામગીરીની સમિક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવાના છે.