આજે મહારાષ્ટ્ર-ઝારખંડમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, સાંજે શાંત થશે પ્રચારના પડઘમ
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે દરેક રાજકીય પક્ષના તમામ દિગ્ગજ પોતાની તાકાત લગાવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ભાજપ તરફથી જેપી નડ્ડા અને ગડકરી જાહેરસભાઓને સંબોધશે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી મુંબઈમાં મીડિયા સાથે વાત કરશે. ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠક જ્યારે મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર 20મી નવેમ્બરે મતદાન થશે અને તેનુ પરિણામ આગામી 23મી નવેમ્બરે જાહેર કરાશે.
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે દરેક જગ્યાએ પ્રચાર બંધ થઈ જશે. આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષોના સ્ટાર પ્રચારકો અને વરિષ્ઠ નેતાઓ પુરી તાકાતથી પ્રચાર કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મહારાષ્ટ્રમાં જાહેરસભાઓ કરશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની આજે ગોંદિયા અને નાગપુરમાં જાહેરસભા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો છે, જેના પર 20મી નવેમ્બરે મતદાન થવાનું છે અને પરિણામ 23મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે. જ્યારે, ઝારખંડમાં, કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા ઘણા વિધાનસભા મતક્ષેત્રોમાં રોડ શો અને જાહેર સભાઓને સંબોધશે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભાજપને દેશની ચિંતા નથી. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકારમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે અને લોકો ઈચ્છે છે કે આવનારા દિવસોમાં ડબલ એન્જિન સરકાર ચાલુ રહે.
આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાર્ટી માટે પ્રચાર કરશે. આ સિવાય મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ મુંબઈમાં 3 રોડ શો યોજીને સમર્થન એકત્ર કરશે. તેમના રોડ શો કાલીના, ધારાવી અને સાયનમાં થશે.
ઝારખંડમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 38 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે. આજે આ બેઠકો પર પ્રચાર બંધ થઈ જશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. દરમિયાન આસામના મુખ્યમંત્રી અને ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમા આજે જાહેરસભાઓને સંબોધશે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મહેશપુર અને બોકારોમાં રોડ શો કરશે. બારહેત અને ધનબાદમાં પણ જાહેર સભાઓ કરશે. જ્યારે, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન જામતારામાં રોડ શો અને ઝરિયા અને ધનબાદ, બર્મોમાં જાહેર સભાઓ કરશે.
પંજાબ, ઉતરપ્રદેશ, કેરળ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રમાં છે પેટાચૂંટણી
20 નવેમ્બરે 15 વિધાનસભા અને એક લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાં ગાઝિયાબાદ, માઝવાન, ખેર, મીરાપુર, સિસામાઉ, ફુલપુર, કટેહારી, કરહાલ અને કુંડારકીનો સમાવેશ થાય છે. આ સિવાય પંજાબની ડેરા બાબક નાનક, છબ્બેવાલ, ગિદ્દરબાહા અને બરનાલા સીટ છે. આ સિવાય કેરળની પલક્કડ સીટ અને ઉત્તરાખંડની કેદારનાથ સીટ છે. જ્યારે, મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ પર પણ મતદાન થશે. આ તમામ બેઠકો પર આજે પ્રચાર બંધ થઈ જશે.