નાક કપાવ્યું…! ભાજપના કાઉન્સિલર સભામાં શિસ્ત ભૂલ્યા, VMCની સામાન્ય સભામાં કમિશનર અને કાઉન્સિલર વચ્ચે તું તડાક દ્રશ્યો
વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલર આશિષ જોષી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે તીખો ઝઘડો થયો હતો.

વડોદરા કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી. આ સભામાં પૂર્વ વિસ્તારના નાળાના પ્રશ્નને લઈને વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોષી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ઝઘડો થયો હતો.
કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનર “તું તારી ઉપર આવી ગયા હતા”. આક્રોશની સીમા ઓળંગી ગયેલા ભાજપ કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને લાત મારી કાઢી મૂકવા સુધીના શબ્દોનો મારો ચલાવતા સભામાં સન્નાટો છવાઇ ગયો હતો. મામલો ઉગ્ર બનતા સભા અધ્યક્ષ એ સભા મુલતવી કરવાની ફરજ પડી હતી.
મેયર પિન્કી સોનીના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભાની શરૂઆતમાં ભુખી કાંસના ડાયવર્ટને કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં સભામાં એક પછી એક કાઉન્સિલરોએ પોતાના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જેમા વોર્ડ નંબર 15ના ભાજપા કાઉન્સિલર આશિષ જોષીએ યમુના મીલ પાસેથી પસાર થતા મહાનગરના નાળાંને લઇ ઉગ્ર રજૂઆત કરતાં સભામાં સન્નાટો છવાઇ ગયો હતો.
આજની સામાન્ય સભામાં કાઉન્સિલર આશિષ જોષીએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને નિશાન બનાવ્યા હતા. આશિષ જોષીએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામે હાથ લાંબો કરી તું તારી કરીને રજૂઆત કરી હતી.
જેમાં કાઉન્સિલરે કમિશનરને મુખ્યમંત્રીને રજૂઆત કરવી હોય તો કરી દો હું ગભરાતો નથી. તેમ જણાવતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પોતાની ખુરશી ઉપરથી ઉભા થઇ કાઉન્સિલરને તું તારી કરી બોલવાનું બંધ કરવા જણાવ્યું હતું.
ભાજપા કાઉન્સિલર આશિષ જોષી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે સભા ગૃહમાં થયેલા ઝઘડાને શાંત પાડવા ભાજપાના કાઉન્સિલરો અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના કાઉન્સિલરોએ દરમિયાનગીરી કરી હતી. પરંતુ, મામલો શાંત ન પડતાં સભા અધ્યક્ષ મેયર પિન્કી સોનીએ સભા મુલતવી કરવાની જાહેરાત કરી દેવાની ફરજ પડી હતી.