Vadodara: MS યુનિવર્સિટીની હોસ્ટેલ બની સમરાંગણ, બે વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારી, ઘટના CCTVમાં કેદ
Vadodara: MS યુનિવર્સિટીમાં અવારનવાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના બનાવ સામે આવતા રહે છે. ત્યારે વધુ એકવાર MS યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસમાં મારામારીની ઘટના સામે આવી છે. જેમા નુસર વનજી વકીલ હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાઈ હતી. સમગ્ર મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ છે.
Vadodara: વડોદરાની MS યુનિવર્સિટી અને તેની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ બેફામ બની રહ્યા છે. થોડા સમય પૂર્વે હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ ઝડપાઇ હતી. તે ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં બિહારના વતની વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. બે વિદ્યાર્થીઓ છુટ્ટા હાથની મારામારી કરતા હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.
મારામારી કરનાર વિદ્યાર્થીઓની વિજિલન્સ દ્વારા પૂછપરછ
વડોદરા ની MSU ની નુસર વનજી વકીલ હોસ્ટેલમાં શનિવારે બપોરે બે વિદ્યાર્થીઓ છુટ્ટા હાથ અને પટ્ટાથી મારામારી કરતા હોવાની વાત પ્રસરતા આસપાસની હોસ્ટેલમાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થવા લાગ્યા હતા, ઘટનાની જાણ થતાં વિજિલન્સ ઓફિસર સુદર્શનસિંહ વાળા સહિત વિજિલન્સની ટીમ હોસ્ટેલ ખાતે દોડી આવી હતી અને પૂછપરછ તથા CCTV ફુટેજની ચકાસણી શરૂ કરી હતી. મારામારી કરનાર સહિત તમામને વિજિલન્સ ઓફિસમાં બોલાવી પૂછપરછ શરૂ કરી હતી. 10 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ જે હકીકત સામે આવી તેમાં આજની મારામારીમાં સાવ સામાન્ય બાબત જવાબદાર હતી.
વિકાસ નામના વિદ્યાર્થીએ અમન રાજને બેરહેમીપુર્વક માર માર્યો
MSU ની હોસ્ટેલ કેમ્પસમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓ મૂળ બિહારના વતની છે. બે જુદા જુદા સમયે, જુદા જુદા સ્થળોએ થઈ મારામારી થઈ હતી. પ્રથમ ગઈકાલે અમન રાજ અને પવન કુમાર વચ્ચે કોલેજમાં સામાન્ય વાતચીત અને મજાક મસ્તીમાં બોલાચાલી થઈ હતી. અમન રાજ યુનિવર્સિટીની સેન્ટ્રલ કેન્ટીનમાં જમીને બહાર નીકળ્યો ત્યારે પવનનો પક્ષ લઈ રોહિત, અભિષેક, સૌરવ અને વિકાસ નામના વિદ્યાર્થીઓએ અમન રાજને બેરહેમીપુર્વક માર માર્યો હતો. ચાર વિદ્યાર્થીઓએ ભેગા મળી બેરહેમીપુર્વક માર માર્યો હોવાની વાત અમન રાજે તેના સાથી વિદ્યાર્થીને કરતા અમન રાજનો પક્ષ લઈ પ્રહલાદ કુમાર શંભુ સિંઘ નામના વિધાર્થીએ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં વિકાસ નામના વિદ્યાર્થીને છુટા હાથ અને કમર પટ્ટાથી માર માર્યો. જે ઘટના cctv માં કેદ થઈ હતી.
મારામારીની ઘટના બાદ હરકતમાં આવેલ વિજિલન્સ ઓફિસર સુદર્શનસિંહ વાળા દ્વારા 10 વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ઘટના મામલે યુનિવર્સિટી તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવી કે નહીં તે અંગેનો નિર્ણય યુનિવર્સિટીના મેનજમેન્ટ સાથે ચર્ચા કરીને લેવાશે તેવું વિજિલન્સ ઓફિસર સુદર્શન સિંહવાળાએ જણાવ્યું હતું.
મારામારીનો ભોગ બનનાર વિદ્યાર્થીઓ પોલીસ ફરિયાદ નોંધાવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, મારનો ભોગ બનેલા અમન રાજને લઈને વિજિલન્સની ટીમ સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચી હતી પરંતુ વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવવા ઇનકાર કર્યો હતો. જેથી હવે વિજિલન્સ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવી કે કેમ તે અંગેનો નિર્ણય યુનિવર્સિટી મેનજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ લેવાશે.
મારામારી કરનારા વિદ્યાર્થીઓ બિહાર સ્ટુડન્ટ એસોસિએશન BSA સાથે સંકળાયેલા
મારામારી કરનાર પૈકી કેટલાક વિદ્યાર્થીઓ બિહાર સ્ટુડન્ટ એસોસિએશન BSA સાથે સંકળાયેલ છે.મારામારી ની ઘટનામાં જે વિદ્યાર્થીઓ ના નામ ખુલ્યા છે તે પૈકીના કેટલાક ભૂતકાળ માં આવીજ વિવાદાસ્પદ ઘટનાઓ માં સામેલ હતા, અગાઉ ની યુનિવર્સિટી ની સિક્યુરિટી એજન્સી અને વિજિલન્સ સ્ટાફ ની નિષ્ક્રિયતા વચ્ચે યુનિવર્સિટી કેમ્પસમાં માથાભારે વિદ્યાર્થીઓ બેફામ બન્યા છે. અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ઝાંખી પાડી રહ્યા છે. તેઓની સામે કડક. કાર્યવાહી થવી જરૂરી છે. MSU ની નુસર વનજી વકીલ હોસ્ટેલમાં મુખ્યત્વે બિહારના વિદ્યાર્થીઓ રહેતા હોય છે. બર્થડે પાર્ટીઓ સહિતની ઉજવણી કરી અવારનવાર હંગામો તથા વિવાદો સર્જી અન્ય વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડતા હોય છે, છતાં તેઓની સામે કોઈજ પગલાં લેવાતા નથી, આ વિદ્યાર્થીઓની દાદાગીરી સામે ખુદ વોર્ડન પણ લાચાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Vadodara: બરોડા ડેરીના પશુપાલકો આનંદો, 82.58 કરોડનો ભાવ ફેર મળશે, પ્રમુખે કરી જાહેરાત
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો