KKR vs LSG : નિકોલસ પૂરનના દમ પર લખનૌની ત્રીજી જીત, KKR ને 4 રને હરાવ્યું
Kolkata Knight Riders vs Lucknow Super Giants : કોલકાતા નાઈટ રાઈડર્સ આ મેચ જીતવાની સ્થિતિમાં હોય તેવું લાગતું હતું અને 14 ઓવર સુધી 166 રન બનાવ્યા બાદ ટીમ સારી સ્થિતિમાં દેખાઈ રહી હતી. પરંતુ છેલ્લી 6 ઓવરમાં લખનૌએ જોરદાર વાપસી કરી અને જીત મેળવી.

IPL 2025ની બીજી એક રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે છેલ્લી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 4 રનથી હરાવ્યું. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં 450 થી વધુ રન બન્યા હતા. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા નિકોલસ પૂરન અને મિશેલ માર્શની વિસ્ફોટક ઈનિંગ્સની મદદથી 238 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં કોલકાતા જે ફક્ત 14 ઓવરમાં 166 રન બનાવીને વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગતું હતું, તે છેલ્લી ઓવરોમાં ટ્રેક પરથી ઉતરી ગયું અને 20 ઓવરમાં ફક્ત 234 રન જ બનાવી શક્યું.
બે દિવસમાં બે રોમાંચક મુકાબલા
છેલ્લા કેટલાક દિવસોથી, ચાહકો IPL મેચો એકતરફી હોવાની ફરિયાદ કરી રહ્યા હતા. પરંતુ બે દિવસમાં બે હાઈ સ્કોરિંગ અને ખૂબ જ નજીકની મેચ જોવા મળી. સોમવાર 7 એપ્રિલના રોજ, વાનખેડે સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે એક શાનદાર મેચ રમાઈ. મંગળવાર, 8 એપ્રિલના રોજ ઈડન ગાર્ડન્સમાં કંઈક આવું જ બન્યું, જ્યાં મેચ છેલ્લા બોલ સુધી ચાલી અને કોલકાતા તેના હાથમાં રહેલી મેચ હારી ગયું.
નિકોલસ પૂરનની વિસ્ફોટક બેટિંગ
આ મેચમાં લખનૌએ પહેલા બેટિંગ કરી હતી અને સતત બીજી મેચમાં તેના ઓપનરોએ વિસ્ફોટક શરૂઆત કરી હતી. એડન માર્કરામ અને મિશેલ માર્શે માત્ર 10.2 ઓવરમાં 99 રનની ધમાકેદાર ભાગીદારી કરી. માર્કરામ તેની સતત બીજી અડધી સદી ચૂકી ગયો પરંતુ માર્શે આ સિઝનમાં તેની ચોથી અડધી સદી ફટકારી. છેલ્લી મેચની નિષ્ફળતામાંથી બહાર નીકળતી વખતે, નિકોલસ પૂરને ફરીથી પોતાની વિનાશક શૈલી બતાવી અને માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી. માર્શ સદી ફટકારવાની નજીક આઉટ થયો હતો પરંતુ પૂરન અંત સુધી ટકી રહ્યો અને માત્ર 36 બોલમાં 87 રનની શાનદાર ઈનિંગ રમીને પાછો ફર્યો. લખનૌએ 3 વિકેટ ગુમાવ્યા બાદ 238 રન બનાવ્યા.
KKRની આક્રમક શરૂઆત
કોલકાતાની શરૂઆત ઝડપી રહી પરંતુ ત્રીજી ઓવરમાં ક્વિન્ટન ડી કોક (15) આઉટ થયો. પરંતુ સુનીલ નારાયણ અને અજિંક્ય રહાણેએ ગતિ ધીમી ન થવા દીધી અને પાવરપ્લેમાં જ સ્કોર 90 સુધી પહોંચાડી દીધો. નારાયણ (30) ને સાતમી ઓવરમાં સ્પિનર દિગ્વેશ રાઠીએ આઉટ કર્યો. આ સ્પિનર ફરી એકવાર ટીમનો સૌથી અસરકારક બોલર બન્યો, જેણે KKR ને નિયંત્રણમાં રાખ્યું. પરંતુ રહાણે (61) અને વેંકટેશ અય્યર (45) એ 71 રન ઉમેરીને ટીમને વિજય તરફ દોરી ગઈ. 13મી ઓવર સુધીમાં, સ્કોર 162 હતો અને KKR જીતવાની સ્થિતિમાં દેખાતું હતું, પરંતુ અહીંથી સ્થિતિ બદલાઈ ગઈ.
KKR માત્ર 20 બોલમાં મેચ હારી ગયું
KKR એ 13મી, 14મી અને 15મી ઓવરના છેલ્લા બોલ પર 3 વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે 16મી અને 17મી ઓવરમાં 1-1 વિકેટ પડી હતી. કુલ મળીને, કોલકાતાએ માત્ર 20 બોલમાં 5 વિકેટ ગુમાવી દીધી અને લખનૌએ અહીંથી વાપસી કરી. 17મી ઓવરમાં શાર્દુલ ઠાકુરે આન્દ્રે રસેલ (7) ને આઉટ કરીને કોલકાતાની આશાઓનો અંત લાવ્યો. આ પછી, રિંકુ સિંહે કેટલાક મોટા શોટ ફટકારીને ટીમને જીત અપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં ટીમ ફક્ત 234 રન જ બનાવી શકી.
આ પણ વાંચો: KKR vs LSG : નિકોલસ પૂરનના દમ પર લખનૌની ત્રીજી જીત, KKR ને 4 રને હરાવ્યું