રાજ્યના ખેડૂતો માટે સરકારે કર્યા આ ચાર મહત્વપૂર્ણ નિર્ણય, હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ
ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો તથા મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈને બિન ખેતી જમીનની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે.
રાજ્ય સરકારે મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ ચાર નિર્ણયોની જાહેરાત કરી છે. જેના કારણે જમીન સંબંધિત કાર્યો હવે વધુ ઝડપથી અને સરળતાથી શક્ય બનશે. ખેતીની જમીનને બિનખેતી કરવા માટે હવે પ્રિમિયમ ભરવું નહીં પડે અને ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ખેતીની જમીન જુની શરતો પ્રમાણે જ માન્ય રહેશે. ખાતેદાર જ્યારે બિનખેતી માટે અરજી કરશે ત્યારે તેને માત્ર 10 દિવસની અંદર એનએ મંજૂરી આપવામાં આવશે. જમીન વેચાણના કિસ્સાઓમાં નોંધ અને પ્રિમિયમ ભરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે. સાથે જ ટાઈટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર 30 દિવસની અંદર આપવું ફરજિયાત રહેશે અને અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકોર્ડને હવે ધ્યાને લેવામાં નહીં આવે. આ નિર્ણયોથી નાગરિકોને વધુ પારદર્શક અને ઝડપી સેવાઓ મળશે, તેમજ મહેસૂલી પ્રક્રિયામાં થતા વિલંબમાં પણ ઘટાડો થશે.
બિન ખેતી પ્રક્રિયામાં સરળીકરણ
રાજ્યના મહેસૂલ વિભાગે બિન ખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે.
- સંબંધિત કલેકટરને અરજી કર્યાની તારીખથી 30 દિવસમાં નિર્ણય કરવાની જેાગવાઈ કરવામાં આવી છે.
- પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિન ખેતીની અરજી કરવામાં આવે તો 10 દિવસમાં પ્રીમિયમ/દંડ/રૂપાંતરણ/વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.
- પ્રમાણપત્ર વિના પણ બિન ખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.
- ખેડૂત ખરાઈની અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને નહીં લેવાય
રાજ્યના ખેડૂતોને ધ્યાને રાખી વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિન ખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિન ખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહીં. અગાઉ આ પ્રક્રિયામાં વધુ જૂના રેકોર્ડ જોઈને અરજીઓ અટકતી હતી, તે સમસ્યાનો નિકાલ થયો છે. વધુમાં, જે જમીનો મૂળથી શરતી અથવા પ્રીમિયમ લાગતી હોય, તેમની અરજીઓ પણ હવે વધુ સરળતાથી બિન ખેતીમાં ફેરવી શકાશે