23 એપ્રિલના મોટા સમાચાર: મોંઘી કારમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, કુલ 12.48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
આજે 23 એપ્રિલને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
મોંઘી કારમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, કુલ 12.48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી દેશી દારૂના કટિંગ સમયે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં રૂપિયા 12 લાખ 48 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આમ તો અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ જાણે સામાન્ય બની ગયું હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જોકે સ્થાનિક પોલીસ અધિકારી પોતાના વિસ્તારમાં આવી બદીઓ દૂર નહીં કરાવી શકતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવે છે.
યુનિવર્સિટી વિસ્તારમાંથી પોલીસે દરોડા પાડી 17,240 રૂપિયાનો 862 લીટર દેશી દારૂ, 12 લાખની ટાટા હેરીયર કાર, બે મોબાઈલ, દસ હજાર રોકડ સહિત 12 લાખ 48 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અમદાવાદમાં જે વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી આવેલી છે અને જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોય છે, ત્યાં જ ખુલ્લેઆમ મોંઘી કારમાંથી દેશી દારૂનું કટિંગ થતું હતું.
-
Sabarkantha: હિંમતનગર અને પ્રાંતિજમાં બે અકસ્માત 4 ના મોત, 2 માસુમ બાળકોએ જીવ ગુમાવ્યા
સાબરકાંઠા જિલ્લામાં બે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. બંને અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હિંમતનગર-રણાસણ રોડ પર ચંદ્રપુરા-કાબોદરી પાસે એક અકસ્માતમાં 2 માસુમ બાળકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે પ્રાંતિજના વાઘપુર-સૂર્યકુંડ વિસ્તારમાં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. હિંમતનગર અને પ્રાંતિજમાં 2 અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બંને ઘટનાઓને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અકસ્માતમાં બેદરકારી કોણે દાખવી હતી એ બાબતના પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
રણાસણ હિંમતનગર રોડ પર થયેલા અકસ્માતમાં તલોદ પોલીસે ફરીયાદ નોંધીને ટેમ્પોના ચાલકની ધરપકડ કરીને તપાસ શરુ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ઘટનામાં બે માસુમ બાળકોએ જીવ ગુમાવ્યા હતા. તલોદ પોલીસ દ્વારા ટેમ્પોના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
-
-
Amreli: ધારીમાં મેગા ડિમોલિશન પહેલા યોજાઈ પોલીસની ફ્લેગ માર્ચ, આવતીકાલે 700 જેટલા ગેરકાયદે દબાણો દૂર થશે
અમરેલી જિલ્લાના ધારીમાં મેગા ડિમોલિશનની પૂર્વ સાંજના સમયે પોલીસની ફલેગ માર્ચ આયોજિત કરવામાં આવી હતી. આવતીકાલે ધારીમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. જેમાં 2 ડીવાયએસપી, 3 પીઆઈ, 21 પીએસઆઇ તેમજ 400 હથિયારધારી પોલીસ નો કાફલો તૈનાત રહેશે.ડીવાયએસપી હરેશ વોરા ની આગેવાનીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
ડિમોલીશન કામગીરીમાં 8 જેસીબી, 10 ટ્રેકટર અને 50 મજુરો જોડાશે
નોંધનીય છે કે આવતીકાલે ધારીમાં સરકારી વિભાગની જમીન ઉપર થયેલા 700 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. આ ડિમોલિશનમાં નડતર રૂપ વૃક્ષોની ડાળીઓ વન વિભાગે કાપવાની શરૂઆત કરી હતી. વહીવટી તંત્રની કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસનો મોટો કાફલો અને વરિષ્ઠ અધિકારીઓ પણ તૈનાત રહેશે.
-
MP: કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા ઉદયનું મોત થયું છે. મૃત્યુનું કારણ બીમારી હોવાનું કહેવાય છે. તે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલ ચિત્તો હતો. 20 માંથી બે દીપડા હવે નથી.
-
Tapi: વાંસની બનાવટોની પરંપરાગત કળાને આધુનિક ઓપ આપીને આદિવાસી દંપતીએ કર્યું રોજગારીનું નવસર્જન
તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રહે છે તેમાં પણ આદિવાસી સમાજમાં પણ અતિ પછાત ગણાતા કોટવાડિયા સમાજના લોકો તાપી જિલ્લામાં વસે છે, આ સમાજના લોકો વાંસના સૂપડા ટોપલા, ટોપલી, પાલા, સાદડી વગેરે વસ્તુઓ બનાવીને દાયકાઓથી પોતાનું અને તેમના પરિવારનું ઘરગુજરાન ચલાવતો આવ્યો છે. જોકે પછી એવી પરિસ્થિતિ નિર્માણ પામી કે આ બધી વસ્તુઓનું વેચાણ ઘટતું ગયું અને આદિવાસી લોકોની રોજગારી ઘટતી ગઈ.
પ્લાસ્ટિકની વસ્તુઓના વેચાણ સામે વાંસની વસ્તુઓનું વેચાણ ઘટતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા, કેટાલાક લોકો રોજગારી માટે શહેરી વિસ્તારમાં સ્થળાંતરિત થઈ ગયા, પરંતુ આવા સંજોગો સામે હાર ન માનતા કોટડિયા સમાજના દંપતી વાસીયાભાઈ કોટવાડિયા અને ગીરાબેન કોટવાડિયાએ વાંસમાથી જ નવતર રાચરચીલું બનાવતા શીખ્યા અને પારંપરિક વ્યવસાયને આગળ પણ ધપાવ્યો.
-
-
Surat: અંગદાનની અભૂતપૂર્વ ઘટના: 9 વર્ષના બ્રેઈન ડેડ બાળકના અંગદાન થકી 6 લોકોને મળ્યું નવજીવન
પૂણા ગામના આંટાળા પરિવારે પોતાના એકના એક 9 વર્ષના બ્રેઈનડેડ બાળકના 6 અંગોનું દાન કર્યું હતું. સુરતમાં નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વ ઘટના બની છે. પૂણા ગામના અંટાળા પરિવારે પોતાના એકના એક ધોરણ-૪ માં અભ્યાસ કરતા માત્ર 9 વર્ષના બ્રેઈનડેડ બાળકના 6 અંગોનું દાન કરીને માનવતાની મિસાલ કાયમ કરી છે.
બ્રેઈનડેડ બાળકના લીવર, બે કિડની, ફેફસા અને બે આંખોનું દાન
સુરત શહેરના સિમાડા વિસ્તારમાં આવેલી એઈમ્સ (AAIHMS) હોસ્પિટલમાં બે દિવસથી સારવાર લઈ રહેલું બાળક બ્રેઈનડેડ થતા બાળકના પરિવારે તમામ અંગોનું દાન કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો હતો અને બ્રેઈનડેડ બાળકના લીવર, બે કિડની, ફેફસા અને બે આંખોના દાન કરી 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે.
-
SURAT: ઉધના-પાંડેસરામાં દૂષિત અને પીળા કલરનું પાણી આવતા રહીશોમાં રોષ
સુરતમાં ગંદુ પાણીની ફરિયાદ યથાવત છે. ઉધના, પાંડેસરમાં ગંદુ પીવાનું પાણી આવી રહ્યું છે. પીવાનું પાણી લાલ કલરનું, વાસ મારતું હોવાની ફરિયાદો ઉઠી છે. સાથે પીવાના પાણીમાં જીવાત પણ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા વાસ મારતા પાણીની ફરિયાદ આવતા ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી પણ છોડવામાં આવ્યું હતું. તેમ છતાં પીવાનું પાણી લાલ કલરનું, વાસ મારતું હોવાની ફરિયાદ યથાવત છે. સુરતમાં ઉનાળાની આકરી ગરમીની શરુઆત સાથે જ પીવાના પાણીનો કકળાટ યથાવત છે. શહેરના ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારમાં પીવાનું પાણી લાલ અને વાસ મારતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ એક દિવસની ફરિયાદ નથી. પરંતુ છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી લાલ અને વાસ મારતું ખરાબ આવ્યું રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
-
નર્મદા જિલ્લાના આ ગામમાં પહેલીવાર પહોંચ્યુ પાણી, ગામની મહિલાઓને થઈ રાહત
આમ તો ગામમાં ચોખ્ખા રસ્તા, દવાખાના અને પાણી જેવી માળખાગત સુવિધાઓ હોવી અનિવાર્ય છે, પરંતુ નર્મદા જિલ્લાના ચીનકુવા ગામના ગ્રામજનોને આ સુખ આઝાદી બાદ પ્રથમ વાર મળ્યું છે આ ગામમાં આઝાદીના આટલા વર્ષે પાણી પહોંચ્યું છે.
નર્મદાનું એક એવું ગામ જ્યાં આઝાદી બાદ પહેલી વાર પહોંચ્યું છે પાણી
વાત છે ગરૂડેશ્વર તાલુકાના ચીનકુવા ગામની. આ ગામમાં જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાણી પહોંચ્યું નહોતું. અત્યાર સુધી એક કૂવા પર જ આખું ગામ નિર્ભર હતું. પાણી વગર લોકોને અને ખાસ તો મહિલાઓને ભારે હાલોકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગામની મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં પણ દૂર દૂર પગપાળા પાણી ભરવા જતી હતી. નાંદોદના ધારાસભ્ય, દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે જિલ્લાના અન્ય અંતરિયાળ ગામમાં પણ પાણીની સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે.
-
ચીન સાથે 18મી કમાન્ડર સ્તરની બેઠક, LAC પર ભારતનું સ્ટેન્ડ સ્પષ્ટ, ડ્રેગન શાંતિ માટે નથી તૈયાર!
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને સમાપ્ત કરવા માટે, બંને દેશોના સૈન્ય અધિકારીઓએ રવિવારે 18મી બેઠક યોજી છે. આ બેઠક કમાન્ડર સ્તરના અધિકારીઓ વચ્ચે થઈ છે. પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ચુશુલ મોલ્ડો મીટિંગ પોઈન્ટ પર બંને દેશોના સેના અધિકારીઓ વચ્ચે આ બેઠક યોજાઈ હતી. સંરક્ષણ સૂત્રોએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે ફાયર ફ્યુરી કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રશિમ બાલીએ ભારત વતી બેઠકમાં વાત કરી, જ્યારે તે જ રેન્કના ચીની સૈન્ય અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો. બંને દેશો વચ્ચે પાંચ મહિનાના અંતરાલ બાદ આ બેઠક યોજાઈ રહી છે. આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં બંને દેશો વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી.
આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો સરહદને અડીને આવેલા વિસ્તારોમાં બાંધકામ પર ઘણો ભાર આપી રહ્યા છે, જેથી તેઓ સરહદ પર પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે. આ બેઠકમાં ભારત ડેપસાંગ મેદાનો, ડેમચોક અને બંને પક્ષોની પીછેહઠનો મુદ્દો ઉઠાવી રહ્યું છે.
-
નવસારીમાં ગરમીનો પારો વધતા નવો બનેલો રોડ પીગળ્યો
નવસારી જિલ્લામાં રસ્તા એવા છે કે ચાલો તો બૂટ-ચપ્પલ ચોટી જાય અને વાહનો સ્લીપ થઈ જાય. તમને આ રસ્તા જોઈને લાગશે કે શું આ કાળા ડામર પાથરવામાં કોઈએ કળા કરી છે ? આ સવાલ એટલા માટે થાય કારણ કે આકરા તડકાએ નવસારી નગરપાલિકાની પોલ ખોલી છે. કાળઝાળ ગરમી પડવાની હજી તો માંડ શરૂઆત થઈ છે અને તેના કારણે રસ્તાઓ ઉપરનો ડામર પીગળી રહ્યો છે. વીડિયોમાં પણ એ દ્રશ્યો જોવા મળ્યા હતા કે નવસારીનો કાલિયાવાડીથી ગ્રીડ સુધી જતો માર્ગ ઓગળી રહ્યો છે. આવા રસ્તા પરથી ચાલવું કેવી રીતે.? વાહન લઈને નીકળો તો ડામર ચીપકી જાય અને જો કોઈ રાહદારી હોય તો તેના પગરખાં ચોંટી જાય છે.
-
ભાવનગર ડમીકાંડના વધુ 6 આરોપીઓ જેલ હવાલે
ભાવનગરમાં ડમી કાંડના વધુ છ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. રિમાન્ડ પૂર્ણ થતાં તમામ 6 આરોપીને જેલમાં મોકલી અપાયા છે. ડમી કાંડમાં વિપુલ અગ્રાવત, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા અને રાહુલ લીંબડીયાને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ડમી કાંડમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓ જેલમાં બંધ છે. મહત્વનું છે કે 6 આરોપીઓની ભાવનગર SITએ ગુરૂવારે ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. જેથી કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા અને આજે રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
-
ગુજરાતમાં આજે 227 નવા કોરોના કેસ નોંધાયા, એક્ટિવ કેસમાં થયો ઘટાડો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે 23 એપ્રિલના રોજ ગુજરાતમાં 227 કોરોના કેસ નોંધાયા છે. આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. આજે અમદાવાદમાં 95, સુરતમાં 25, વડોદરામાં 25, સાબરકાંઠામાં 16, મહેસાણામાં 11, સુરત જિલ્લામાં 10, વલસાડમાં 7, ગાંધીનગર જિલ્લામાં 6, નવસારીમાં 6, રાજકોટ જિલ્લામાં 4, ભાવનગરમાં 3, વડોદરા જિલ્લામાં 3, અમદાવાદ જિલ્લામાં 2, આણંદમાં 2, ભરુચમાં 2, ગાંધીનગરમાં 2, કચ્છમાં 2, પંચમહાલમાં 2, બનાસકાંઠામાં 1, ભાવનગર જિલ્લામાં 1, ગીર સોમનાથમાં 1, મોરબીમાં 1 કેસ નોંધાયો છે.
-
RCB vs RR : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ નવ વિકેટે 189 રન બનાવ્યા હતા. ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલ સિવાય કોઈ પણ બેટ્સમેન આરસીબી માટે સારી ઇનિંગ રમી શક્યો નહોતો. આ બે સિવાય માત્ર દિનેશ કાર્તિક (16 રન) જ ડબલ ફિગરને સ્પર્શી શક્યો હતો. પ્લેસિસે 62 અને મેક્સવેલે 77 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી સંદીપ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટે બે-બે વિકેટ લીધી હતી. તે જ સમયે અશ્વિન અને ચહલને એક-એક વિકેટ મળી હતી. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 189 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 182 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.
-
કચ્છના ચાંદ્રોડામાં ધૂળની ડમરીઓ ઉડી, ભુજના કેટલાક ગામોમાં પવન સાથે વરસાદ
કચ્છ જિલ્લાના અંજારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ચાંદ્રોડામાં ધૂળની ડમરી ઉડી હતી. તોફાની પવન સાથે અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું અને કાળઝાળ ગરમીની વચ્ચે ચોમાસા જેવું વાતાવારણ સર્જાઈ ગયું હતું તો બીજી તરફ ભુજ તાલુકાના માધાપર, કોટડા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. અંજારમાં 21 તારીખના રોજ પણ વરસાદ ખાબક્યો હતો. 21 તારીખના રોજ ગાંધીધામ અંજાર વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગળપાદર તથા વર્ષામેડી ગામમાં કમોસમી વરસાદ થયો હતો.
-
અમદાવાદના હાથીજણમાં સમૂહ લગ્નમાં હોબાળો
અમદાવાદના હાથીજણમાં આયોજિત સમૂહ લગ્નમાં કરિયાવરને લઇને ધમાલ મચી ગઇ. હાથીજણના સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લગ્નમાં કરિયાવરની રકમ ન મળતા વરઘોડિયાએ ભારે હોબાળો મચાવ્યો. આયોજકોએ કંકોત્રીમાં દર્શાવ્યા મુજબનો કરિયાવર ન આપતા વરઘોડિયા તેમજ તેમના સગાં-સંબંધીઓ વિફર્યા અને હોબાળો મચાવ્યો.
-
Surat: સચિન વિસ્તારમાં જર્જરીત ગેલેરીનો ભાગ ધરાશાયી, 2 બાળક ઈજાગ્રસ્ત
સુરતના સચિન વિસ્તારના પાલીગમ સ્થિત ક્રિશ્ના નગરમાં બે માળની જર્જરિત ઈમારતનો ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. ગેલેરીનો ભાગ તૂટી પડતા ઇમારત નીચે રમતા બે બાળકોને ઈજાઓ પહોચી હતી. તેમાંથી એક બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકના માથાના ભાગે ઈજા થઈ હોવાથી 4 ટાંકા લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ સુરતના સચિન સ્થિત પાલીગામ પાસે ક્રિશ્ના નગરમાં મુમતાઝ નામની ગ્રાઉન્ડ પ્લસ બે માળની ઈમારત આવેલી છે. જે ખૂબ જ જર્જરિત થઈ ચૂકી છે. બપોરના સમયે ગેલેરીનો ઓટીએસ અને પેરામીટર વોલનો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેનો અવાજ આવતા અહી ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં 2 બાળકો પૈકી એક બાળકને સામાન્ય ઈજાઓ થઇ હતી. જયારે 13 વર્ષીય રાજકુમાર ગણેશચંદ્ર પાંડેને માથાના ભાગે ઈજા થતા 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને 4 ટકા આવ્યા છે.
-
20 દિવસમાં ‘શિંદે-ફડણવીસ’ સરકાર પડી જશે, સંજય રાઉતના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) નેતા સંજય રાઉતે ‘શિંદે-ફડણવીસ’ સરકારને લઈને મોટો દાવો કર્યો છે. સંજય રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની ‘શિંદે-ફડણવીસ’ સરકારનું ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે, માત્ર તારીખ જાહેર કરવાની બાકી છે. મેં પહેલેથી જ કહ્યું હતું કે શિંદે સરકાર ફેબ્રુઆરીમાં પડી જશે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં વિલંબથી આ સરકારની લાઈફલાઈન વધી ગઈ. રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રની ‘શિંદે-ફડણવીસ’ સરકાર આગામી 15-20 દિવસમાં પડી જશે. મહારાષ્ટ્રના સમાચાર અહીં વાંચો.
-
Ahmedabad: નશાકારક દવાઓનો મોટો જથ્થો ઝડપાયો, દવાઓની બજાર કિંમત 20 કરોડ જેટલી
ગુજરાતને બરબાદ કરનાર નશાનો કાળો કારોબાર ફરીથી સામે આવ્યો છે. ઉંઘ અને પેઈન કિલર તરીકે વપરાતી દવાઓ હવે નશો કરવા માટે વપરાઈ રહી છે. ગુજરાતના બજારોમાં આવી દવાઓ પહોંચે તે પહેલાં જ કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો દ્વારા દવાનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. નશા માટે ઉપયોગમાં લેવાતી એક કરોડથી વધુ દવાઓ જેની અંદાજીત બજાર કિંમત 20 કરોડ જેટલી થાય છે જે પકડી પાડવામાં આવી છે.
-
કચ્છના ચાંદ્રોડામાં ધૂળની ડમરીઓ ઉડી, ભુજના કેટલાક ગામોમાં પવન સાથે વરસાદ
કચ્છ જિલ્લાના અંજારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ચાંદ્રોડામાં ધૂળની ડમરી ઉડી હતી. તોફાની પવન સાથે અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું અને કાળઝઆળ ગરમીની વચ્ચે ચોમાસા જેવું વાતાવારણ સર્જાઈ ગયું હતું. તો બીજી તરફ ભુજ તાલુકાના માધાપર, કોટડા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો.
-
કચ્છમાં જખૌ નજીક દરિયાઈ વિસ્તારમાંથી વધુ 10 ચરસના પેકેટ મળ્યા, 10 દિવસમાં 27 પેકેટ કબ્જે કરાયા
કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બિનવારસી પેકેટ મળી આવવાનો સીલસીલો યથાવત છે. એક તરફ કચ્છના દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના નાકામ પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યા બીજી તરફ 2020થી કચ્છના વિવિધ દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસી ચરસના પેકેટો પણ મળી રહ્યા છે. જો કે અત્યાર સુધી ઝડપાયેલા ચરસના પેકેટ મામલે આ ચરસના પેકેટ ક્યાથી આવી રહ્યા છે ? તે હજુ સુધી તપાસમાં સામે આવ્યુ નથી. પરંતુ ભરતી-ઓટની દરિયાઇ પ્રક્રિયા બાદ નિર્જન ટાપુ પરથી આવા પેકેટ મળી આવે છે.
-
Ahmedabad: ધોળકામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બે સફાઈ કામદારોના મોત બાદ પોલીસ એક્શનમાં, ટાઉન પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ
ધોળકાના પુલેન સર્કલ પાસે આવેલું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બે મજૂરોના એક ચેમ્બર સફાઈ કરવા જતાં મોત નીપજ્યા છે. 22 એપ્રિલના રોજ બાવળાના શિયાળ ગામના રહેવાસી ગોપાલ પઢાર અને બીજલ પઢાર જેઓ બપોરે 20 ફૂટ ઊંડી અને 4 બાય 4ની ચેમ્બરમાં અંદર ઉતર્યા અને બાદમાં જીવિત બહાર ન આવી શક્યા. જે ઘટનાની જાણ અન્યને થતા સ્થાનિક તરવૈયાની મદદ લેવાઈ. જોકે તે પણ અંદર બેભાન થયો. જેને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા અને બાદમાં બંને મજૂર કે જેમના મોત નિપજ્યા તેઓને મોડી રાત્રે બહાર કઢાયા.
સિક્યોરિટી ગાર્ડ અને તેમના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ
સમગ્ર ઘટનામાં પોલીસ એક્શન મોડમાં આવી છે. સમગ્ર ઘટનામાં ધોળકા ટાઉન પોલીસે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સિક્યોરિટી ગાર્ડ જગદીશ ઠાકોર અને તેના પુત્ર આશીક ઠાકોર સામે કલમ 304, 114 અને SC-ST એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે મામલે પોલીસ પિતા-પુત્રને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ શરૂ કરી છે. પોલીસ ચોપડે મૃતકના સ્વજને ફરિયાદ કરી છે કે આશીક ઠાકોરે પાંચ મજૂરોને પ્લાન્ટમાં સફાઈ અને મેઇન્ટેનન્સના કામ અર્થે બોલાવ્યા હતા. જેમાં ગોપાલભાઈ અને બીજલભાઈ વાલ્વ શરૂ કરવા અંદર ઉતર્યા હતા. અને બંનેનું મોત નીપજ્યું. જે મૃતક બને સાળા બનેવી છે.
-
Gandhinagar: રાજ્યમાં વધુ એક મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ, ગાંધીનગર પોલીસે રાંદેસણમાં રેડ કરી 17 આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં વધુ એક મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર પોલીસે બાતમીને આધારે રાંદેસણમાં રેડ કરી 17 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. પોતાનું નેટવર્ક ફેલાવવા યુવાઓને પણ સટ્ટા રેકેટના રવાડે ચડાવતા હતા.
પોલીસે સટ્ટાકાંડમાં 17 આરોપીની કરી ધરપકડ
ગુજરાત હવે ડ્રગ્સ રેકેટ સાથે હવે સટ્ટા રેકેટનું પણ હબ હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગાંધીનગર LCB દ્વારા બાતમીને આધારે રાંદેસણ રોડ ઉપર આવેલ મારૂતી મઝુમ એપાર્ટમેન્ટ ના બ્લોક નંબર -A ના મકાન નં -501 ખાતે ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. જે આધારે રેડ કરી હતી જ્યાં જીતુ માળી અને રવિ માળી અને તેના 15 સાગરીતો મળી આવ્યા હતા. આ તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 48 મોબાઈલ 4 લેપટોપ 22 ચેકબુક અને પાસબુક 10 પાસપોર્ટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં અન્ય 3 આરોપી હજી પોલીસ પકડથી દૂર છે.
-
સુપ્રીમ કોર્ટના પાંચ જજને થયો કોરોના, સમલેંગિક કેસની સુનાવણી સ્થગિત
દેશભરમાં કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો નોંધાયો છે. ત્યારે સુપ્રીમ કોર્ટના પાંચ જજ પણ કોરોના સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી પર સુનાવણી કરી રહેલા બે જજ છે. આ મામલે સોમવારે સુનાવણી થવાની હતી પરંતુ હવે તેને ટાળી દેવામાં આવી છે. પાંચ જજોની બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી. અન્ય કેસોની સુનાવણી પણ પ્રભાવિત થશે. વધુ વાંચો
-
15-20 દિવસમાં શિંદે સરકાર પડી જશેઃ સંજય રાઉત
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું છે કે ‘શિંદે-ફડણવીસ’ સરકારનું ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે, માત્ર તારીખ જાહેર કરવાની બાકી છે. મેં પહેલેથી જ કહ્યું હતું કે શિંદે સરકાર ફેબ્રુઆરીમાં પડી જશે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં વિલંબથી આ સરકારની લાઈફલાઈન વધી ગઈ. આગામી 15-20 દિવસમાં આ સરકાર પડી જશે.
-
Uttarakhand: યાત્રા શરૂ થતા પહેલા કેદારનાથમાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના પંખાને કારણે એક યુવકનું મોત
કેદારનાથ યાત્રા શરૂ થતા પહેલા જ ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારે બપોરે હેલિકોપ્ટરના પંખાની ઝપેટમાં આવી જતાં એક યુવકનું મોત થયું હતું. મૃતકનું નામ અમિત સૈની જણાવવામાં આવી રહ્યું છે. સૈની ઉત્તરાખંડ સિવિલ એવિએશનના નાણાકીય નિયંત્રક હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરના લેન્ડિંગ દરમિયાન જ્યારે અમિત સૈની હેલિકોપ્ટરની નજીક જઈ રહ્યા હતા, ત્યારે ટેલ રોટર (પાછળના પંખા)ની પકડને કારણે તેમની ગરદન કપાઈ ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિપેડ પર દુર્ઘટના સમયે ઉત્તરાખંડ સિવિલ એવિએશનના CEO પણ હાજર હતા. આ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી રહી છે. ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટર સાથે થયેલા અકસ્માતની ઝીણવટભરી તપાસ બાદ જ હકીકત બહાર આવશે.
-
ભાવનગરમાં ડમી કૌભાંડ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન, કહ્યું સમગ્ર મામલે ઉંડાણ પૂર્વક તપાસ કરાશે, કોઈને પણ છોડવામાં નહીં આવે
રાજ્યમાં ડમીકાંડના કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે. ડમીકાંડ કૌભાંડ અંગે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા. હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યના યુવાનો જે માહિતી આપે છે તેના પર પોલીસ કાર્યવાહી કરી રહી છે. યુવરાજસિંહ આપના નેતા હોવા છતાં તેને જે માહિતી આપી તેની સામે પોલીસે કાર્યવાહી કરી જ છે.
ડમીકાંડમાં સામે આવેલા તોડકાંડ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું કે યુવરાજે પ્લાન પ્રમાણે ડમીકાંડમાં તોડ કરી રૂપિયા પડાવ્યા. યુવરાજે તોડ કરી નામ જાહેર કર્યા નથી. જેના પોલીસ પાસે પુરાવા પણ છે. જેથી હવે ઉંડાણ પૂર્વક તપાસ કરાશે. આ કાંડમાં જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરાશે.
-
Ahmedabad: સિવિલ હોસ્પિટલના તબીબોને 5 મહિનાના બાળકના મોઢાના ટ્યુમરની જટીલ સર્જરીમાં મળી સફળતા, 95 ટકા મોઢામાં ફેલાયેલુ હતુ ટ્યુમર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળક અરવલ્લી જિલ્લાના ખેડૂત દંપતીના પાંચ મહિનાના બાળકની જટીલમાં જટીલ કહી શકાય તેવી મોંઢાના ટ્યુમરની સફળ સર્જરી કરવામાં આવી છે. બાળકને મોંઢામાં 95 ટકા ટ્યુમર ફેલાયેલુ હતુ. પાંચ મહિનાના બાળકના મોંઢાના ટ્યુમરની સર્જરી અત્યંત પડકારજનક હતી. તબીબોએ તેમની સુઝબુઝ અને વર્ષોના અનુભવના પરિણામે આ રેર ઓફ ધી રેર કહી શકાય તેવી સર્જરી પાર પાડી હતી.
બાળકને પીડામુક્ત જોવુ દંપતી માટે બની ગયુ હતુ સ્વપ્ન
અરવલ્લીના ખેડૂત દંપતી માટે પોતાના બાળકને પીડામુક્ત જોવુ એ એક સ્વપ્ન બની ગયુ હતુ. આ બાળકને જન્મથી જ જડબામાં વિશાળકાળ ટ્યુમર હોવાના કારણે તે અનેક સમસ્યામાંથી પસાર થઈ રહ્યુ હતુ. બાળકને મોંઢામાં 4*4 સે.મી.ની વિશાળકાય ગાંઠ હતી. શરીરના એવા કોષો કે જેમાંથી વિવિધ પેશીઓનુ નિર્માણ થાય છે તેવી જગ્યાએ આ ગાંઠ હતી. જેને વૈજ્ઞાનિક ભાષામાં કોષોનું ટ્યુમર કહેવાય છે. જે મેલેનોટિક્સ ન્યુરોએક્ટોડરમલ તરીકે ઓળખાય છે
-
Gandhinagar: ગાંધીનગર જિલ્લા અદાલતનું ભૂપેન્દ્ર પટેલ, સુપ્રીમ કોર્ટના ન્યાયધિશ અને ગુજરાતના કાર્યકારી ન્યાયધિશે કર્યું ભૂમિપૂજન, બે વર્ષમાં તૈયાર થશે કોર્ટ
ગાંધીનગર જિલ્લા અદાલત માટે ગાંધીનગરના સેક્ટર 11 માં આવેલા રામકથા મેદાનમાં જમીન ફાળવણી કરવામાં આવી. જેથી આસપાસમાં પરિવહનની સુવિધાથી લઈને તમામ સુવિધાઓ મળી રહે અને ભવિષ્યમાં વકીલો તથા પક્ષકારોને અદાલત પહોંચવામાં સરળતા રહે. આ પરિસર માટે 136 કરોડના ખર્ચે 7138 ચોરસ મીટર વિસ્તારમાં નવી અત્યાધુનિક અદાલત નિર્માણ પામશે. નવી અદાલત પરિસરમાં કુલ 28 કોર્ટ રૂમની સુવિધા ઉભી કરાશે. આ ઉપરાંત આધુનિક બાર રૂમ અને મહિલા વકીલો માટે વિશેષ બાર રૂમની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જુની કોર્ટ સંકુલ એટલે કે હાલમાં જે કોર્ટ કાર્યરત છે તેના કરતાં 600% વધુ બાંધકામ વાળી અધ્યતન કોર્ટ ગાંધીનગરને મળશે.
-
Water Metro: દેશની પ્રથમ વોટર મેટ્રો પાટા પર નહીં પણ પાણી પર ચાલશે, PM મોદી રાષ્ટ્રને કરશે સમર્પિત
Water Metro in Kochi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળમાં દેશની પ્રથમ વોટર મેટ્રોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. PM મોદી 25 એપ્રિલે દેશની પ્રથમ વોટર મેટ્રો રાષ્ટ્રને સમર્પિત કરશે. તમને જણાવી દઈએ કે આ મેટ્રો અન્ય મેટ્રોથી ઘણી અલગ હશે. અન્ય મેટ્રો પાટા પર ચાલે છે, પરંતુ પીએમ મોદી જે મેટ્રોનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે તે પાટા પર નહીં, પાણી પર દોડશે. કેરળના કોચી શહેરમાં વોટર મેટ્રો શરૂ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી કોચીમાં વોટર મેટ્રો શરૂ થવાની અટકળો ચાલી રહી હતી, આખરે તેને મંજૂરી મળી ગઈ છે.
કોચીમાં શરૂ થનારી વોટર મેટ્રોની તસવીરો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ એશિયામાં પણ આ પહેલી મેટ્રો હશે જે પાણી પર ચાલશે. કોચીમાં શરૂ થનારી વોટર મેટ્રોની તસવીરો સામે આવી ચુકી છે. મળતી માહિતી અનુસાર આ પ્રોજેક્ટ માટે 23 વોટર મેટ્રો બોટ અને 14 ટર્મિનલ હશે. તેમાંથી 4 ટર્મિનલ વોટર મેટ્રો સેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જ્યારે પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થશે, ત્યારે વોટર મેટ્રો સેવામાં 78 બોટ અને 38 ટર્મિનલ હશે.
-
Gujarat News Live: સુરતના ખટોદરામાં બાઈક પાછળ બેઠેલા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે મોતના સમાચાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે. યુવાન ઉંમરે જ અત્યારે લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. હંમેશા એક્ટિવ રહેવાની ટેવ હોવા છતાં પણ લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા શખ્સને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતુ. 42 વર્ષીય કાનજી રાજપૂત હજુ 3 દિવસ પહેલા જ રાજસ્થાનથી ધંધા અર્થે સુરત આવ્યા હતા. શખ્સનું અચાનક મોત થતા પરીવારમાં શોકનો માહોલ છવાયો છે.
-
Gujarat News Live: ભરૂચમાં નર્સરી સંચાલકની હત્યાના પ્રયાસમાં મોટો ખૂલાસો
ભરૂચમાં નર્સરી સંચલકની હત્યાના પ્રયાસમાં મોટો ખૂલાસો થયો છે. પુત્રએ જ પિતા પર આડેધડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. વ્યાજના પૈસા ચુકવવા માટે પિતાએ પૈસા ન આપતા પુત્રએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પુત્રએ બિહારથી ત્રણ શાર્પશુટર બોલાવી ફાયરિંગ કરાવ્યુ હતુ. પોલીસે આરોપી પુત્ર લલન શાહ સહિત 4 લોકોની ધરપકડ કરી છે.
પિતાની હત્યા માટે બિહારથી શાર્પશુટર બોલાવી ફાયરિંગ કરાવ્યુ
ફાયરિંગ બાદ આરોપી લલને પિસ્તોલ વેચી મારી હતી. વર્ષ 2009માં બિહારમાં જમીનની તકરારમાં પડોશીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત પિતાની સારવાર માટે પુત્રએ વ્યાજે પૈસા લીધા હતા.
-
Gujarat News Live: અમદાવાદના ચાંગોદરના ગોડાઉનમાં કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે પાડ્યા દરોડા
કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે અમદાવાદના ચાંગોદરના ગોડાઉનમાં દરોડા પાડ્યા છે. જે પછી નશા માટે વપરાતી દવાઓનો જથ્થો સીઝ કરાયો છે. ચાંગોદર ગોડાઉનમાંથી મોટી માત્રામાં દવાઓનો જથ્થો મળ્યો છે. પેઇન કીલર અને ઉંઘની દવાઓનો નશા માટે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યુ છે. મોટી સંખ્યામાં દવાઓનો જથ્થો પકડી પડાયો છે. જો કે દવા મગાવનાર વ્યક્તિ હાલ ફરાર છે.
-
Gujarat News Live: PM નરેન્દ્ર મોદીને ધમકીભર્યો પત્ર આપનાર વ્યક્તિની ધરપકડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જેવિયર તરીકે કરવામાં આવી છે, જેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.
-
Gujarat News Live: ભાગેડુ કેટલા દિવસ ભાગશે, કાયદાના હાથ લાંબા છે, અમૃતપાલની ધરપકડ પર અનુરાગ ઠાકુરનું નિવેદન
અમૃતપાલ સિંહની ધરપકડ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાગેડુ કેટલા દિવસ સુધી ભાગશે, કાયદાના હાથ લાંબા છે. આતંક ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
-
Gujarat News Live: અમૃતપાલની ધરપકડ બાદ ફિરોઝપુર પોલીસે ફ્લેગ માર્ચ કરી
પંજાબના ફિરોઝપુરમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી છે. આજે અમૃતપાલની મોગામાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ જ બ્લોક ગોઠવી દેવામાં આવ્યા છે અને ફ્લેગ માર્ચ કાઢવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
-
Gujarat News Live: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાવના કારણે તેને દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેની હાલત સ્થિર છે.
-
Gujarat News Live: નામ લીધા વગર જ સી.આર. પાટીલે યુવરાજસિંહ પર કર્યા આક્ષેપ
ડમી કૌભાંડને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપ્યુ છે. તેમણે યુવરાજસિંહનું નામ લીધા વગર જ યુવરાજસિંહ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યુ કે ડમીકાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો વ્યક્તિ જ આજે પાંજરામાં છે. ડમી કૌભાંડની વાત કરતો હોય એ વ્યક્તિ જ પોલીસ તપાસમાં ગુનેગાર સાબિત થાય એ મોટી ઘટના છે. યુવરાજસિંહે ડમીકાંડમાં કરોડો રૂપિયા પડાવ્યા છે, જેના પુરાવા પોલીસ પાસે છે. તેમણે કહ્યુ કે રાજકીય વ્યક્તિના નામ આપવા અને પુરાવા આપવા તેમાં બહુ ફેર છે. તેમણે કહ્યુ કે લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવ્યા છે.
-
Gujarat News Live: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનો દાવો, સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ આસમાને પહોંચશે
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત બે દિવસીય ટેક્સ્ટાઈલ શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ટેક્સ્ટાઈલને લગતા ઉદ્યોગકારો, ખેડૂત પ્રતિનિધિઓ, વેપારીઓએ સંવાદ કર્યો હતો અને વિચારોની આપલે કરી હતી. કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રી પિયુષ ગોયલે દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્ર તમિલ સંગમથી સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન લેતા ખેડૂતોને લાભ મળશે અને ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળશે.
ઉદ્યોગકારોના ઉત્સાહને જોતા આ વર્ષે બમ્પર ભાવ મળશે-પિયુષ ગોયલ
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે બે દિવસીય શિબીરમાં ગુજરાત અને તમિલનાડુને ટેક્સટાઇલ હબ બનાવવાની અનેક યોજનાઓ અને અનેક આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પિયુષ ગોયલે કહ્યું હતું કે ગુજરાતનું હેલ્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે તેને તૈયાર કરવા માટે રો મટિરીયલ્સ જે જોઇએ તે કપાસનો ભાવ છેલ્લા બે વર્ષથી ટેકાના ભાવ કરતા વધારે છે.
-
Gujarat News Live: વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી રાજકોટની મુલાકાત
વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે હતા. રાજકોટના અટલ બિહારી વાજપાયી ઓડિટોરીયમ ખાતે જિલ્લા ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ભૂપેન્દ્ર પટેલે 100 દિવસના વિકાસના કામગીરી કાર્યકર્તાઓની વચ્ચે કરી હતી. સાથે સાથે ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને સલાહ પણ આપી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ફરિયાદો રોડ રસ્તાની આવી રહી છે. ત્યારે આ રોડ રસ્તાના કામો સારી રીતે થાય તે જોવાની જવાબદારી સ્થાનિક નેતાઓની છે.
-
Gujarat News Live: પ્રેસ કોન્ફરન્સમાં અમૃતપાલ સિંહને લઈને પંજાબ પોલીસે કર્યા ખુલાસા
પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન પોલીસે જણાવ્યું કે તેની એનએસએ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે બચવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો. પંજાબ પોલીસે NSA હેઠળ 6:45 વાગ્યે તેની ધરપકડ કરી હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તેને ડિબ્રુગઢ લઈ ગઈ છે અને રવાના થઈ ગઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઓપરેશન પંજાબ પોલીસ અને ઈન્ટેલિજન્સનું સંયુક્ત હતું. અમરીપાલ સિંહ 35 દિવસથી દબાણમાં હતો અને ફરાર હતો. કાયદો પોતાનો માર્ગ અપનાવશે અને પંજાબના લોકોએ અત્યાર સુધી શાંતિ જાળવી રાખી છે, જેના માટે લોકોનો આભાર. પંજાબમાં કોઈને પણ વાતાવરણ બગાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને જે પણ આ પ્રકારનું કામ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
-
Gujarat News Live: દેશમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં ફરી 10 હજારથી વધુ કેસ
દેશમાં કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 10112 નવા કેસ નોંધાયા છે, જે પછી કુલ સક્રિય કેસની સંખ્યા 67 હજારને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સક્રિય કેસ વધીને 67806 થઈ ગયા છે.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 9833 દર્દીઓ સાજા પણ થયા છે. જો કે દેશના કેટલાક મોટા રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક છે. આ પહેલા શનિવારે કોરોનાના 12193 નવા કેસ નોંધાયા હતા જ્યારે 42 લોકોના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે, કેરળમાં સ્થિતિ સૌથી ખરાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
-
Gujarat News Live: અમૃતપાલ સિંહને શિફ્ટ કરતા પહેલા ડિબ્રુગઢ જેલમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
અમૃતપાલ સિંહને ડિબ્રુગઢ લાવવા પહેલા ડિબ્રુગઢ જેલમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન, અમૃતપાલ સિંહના પરિવારને ધરપકડની માહિતી આપવામાં આવી છે.
#Punjab: Waris Punjab De’s #AmritpalSingh brought to Air Force Station, Bathinda by #PunjabPolice. He was arrested from Moga earlier this morning.#TV9News pic.twitter.com/azeQgv6zSL
— Tv9 Gujarati (@tv9gujarati) April 23, 2023
-
Gujarat News Live: અમૃતપાલ સિંહને ભટિંડા એરફોર્સ સ્ટેશનથી એરલિફ્ટ કરીને ડિબ્રુગઢ જેલમાં લઈ જવાશે
અમૃતપાલ કેસમાં પંજાબ પોલીસ અમૃતપાલને વહેલી તકે ડિબ્રુગઢ જેલમાં મોકલવા માંગે છે. કેન્દ્ર સરકારે ભટિંડા એરફોર્સ સ્ટેશનથી વિશેષ હેલિકોપ્ટર પ્રદાન કર્યું છે. હવેથી થોડા કલાકોમાં અમૃતપાલને એરલિફ્ટ કરવામાં આવશે.
-
Gujarat News Live: પોલીસ અમૃતપાલ સિંહને લઈ ભટિંડા પહોંચી, લોકોને શાંતિ રાખવા કરી અપીલ
પંજાબ પોલીસ અમૃતપાલ સિંહ સાથે ભટિંડા પહોંચી છે. દરમિયાન પોલીસે લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી છે. સાથે જ ફેક ન્યૂઝ ન ફેલાવવાનું પણ કહેવામાં આવ્યું છે.
-
Gujarat News Live: ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે કરી ધરપકડ
“#AmritpalSingh arrested in Moga,” tweets Punjab Police; urges people to maintain peace & harmony and not share any fake news. pic.twitter.com/KErpWy9DoS
— ANI (@ANI) April 23, 2023
-
Gujarat News Live: યુવરાજસિંહના સમર્થનમાં આવી કોંગ્રેસ, અમિત ચાવડાએ કહ્યુ- 156 બેઠક વાળી સરકારે 56ની છાતી કૌભાંડીઓ સામે દેખાડવાની હતી
ભાવનગર પોલીસે ડમી કાંડમાં ખંડણીના કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરી છે. જે બાદ યુવરાજ જે પાર્ટી સાથે સંકળાયેલા છે તે AAPના પહેલા કોંગ્રેસ સમર્થનમાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને જગદીશ ઠાકોરના સમર્થન બાદ વિદ્યાર્થી પાંખ NSUIએ અમદાવાદમાં રસ્તા પર ઉતરી દેખાવો કર્યા છે. કોંગ્રેસની માગ છે કે ફરિયાદીની નહીં આરોપી સામે પોલીસ કાર્યવાહી કરો.
યુવરાજસિંહ જાડેજાને જેલ મુક્ત કરવાની માગ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ખંડણી કેસમાં ધરપકડ થયા બાદ કોંગ્રેસ અને તેની વિદ્યાર્થી પાંખ NSUI સમર્થન કરી રહ્યું છે. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ સરકારની આ કામગીરી સામે પ્રશ્ન ઊભા કરી યુવરાજને સમર્થન આપ્યા બાદ એનએસયુઆઈ કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો કર્યા હતા.
-
Gujarat News Live: સાઉદી અરબે લંબાવ્યો મદદનો હાથ, સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢ્યા
સુદાનમાં આ સમયે સ્થિતિ સારી નથી. સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની લડાઈમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક સપ્તાહથી સુદાનમાં હિંસાનો માહોલ છે. તે જ સમયે, મદદનો હાથ લંબાવતા, સાઉદી અરેબિયાએ સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, સુદાનમાંથી 150થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
વિદેશી રાજદ્વારીઓ અધિકારીઓ સહિત અન્ય ઘણા લોકો પણ તેમાં સામેલ છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે સુદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા 91 લોકો સાઉદી અરેબિયાના નાગરિક છે. આ સિવાય 66 લોકો ભારતીયો સહિત 12 અન્ય દેશોના છે. આ તમામ લોકોને જેદ્દાહ લઈ જવામાં આવ્યા છે.
-
ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું
ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. અમૃતપાલ સિંહ અજનલા ઘટના બાદથી ફરાર હતો. છેલ્લા એક મહિના દરમિયાન પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો.
-
Gujarat News Live: દિલ્હી-NCRમાં ગાજવીજ સાથે વરસાદ, વાતાવરણ ખુશનુમા બની ગયું
દિલ્હી-NCRમાં મોડી રાત્રે હળવા વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બની ગયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ થયો હતો. આ પછી અહીં હવામાન બદલાયું. હવામાન વિભાગે રાત્રે લગભગ એક વાગ્યે માહિતી આપી હતી કે આગામી કેટલાક કલાકો દરમિયાન દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.
Published On - Apr 23,2023 6:50 AM