અમદાવાદ શહેરમાં BAPSના 40 જેટલા સંસ્કાર ધામમાં ઉજવાયો ભવ્ય અન્નકુટ મહોત્સવ
અમદાવાદ શહેરના વિભિન્ન વિસ્તારોમાં આવેલ બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આજે અન્નકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના વિવિધ 40 વિસ્તારોમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા અન્નકુટ મહોત્સવનો હરિભક્તો સહિત અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા BAPSના 40 જેટલા સંસ્કારધામમાં, ભવ્યો અન્નકુટ મહોત્સવ યોજાયો હતો.

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ, સ્વામિનારાયણ મંદિરમાં પણ ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુ પરંપરા અને મહંત સ્વામી મહારાજને અન્નકૂટ ધરાવાયો હતો.

માનસી ચાર રસ્તા નજીક આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે, દેશના 25 રાજ્યની લોકપ્રિય વાનગી અન્નકુટમાં ભગવાનને ધરાવવામાં આવી હતી.

આજના આ અન્નકુટ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યના પ્રચલિત ભાતભાતના વ્યંજન સહીત કુલ 625 વાનગી ભાવપૂર્વક ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુ પરંપરા અને મહંત સ્વામી મહારાજને ધરાવવામાં આવી હતી.

અન્નકુટ મહોત્સવમાં ધરાવવામાં આવેલ 625 વાનગીમાં 25 જાતના ફરસાણનો સમાવેશ કરાયો હતો. તો 25 પ્રકારની વિવિધ મીઠાઈ પણ ભગવાનના ચરણે ધરાવાઈ હતી. આ ઉપરાંત 25 જાતના શાક, અથાણાં પણ ધરાવવામાં આવ્યા હતા.

અન્નકુટમાં ધરાવેલ વાનગીઓમાંથી વિવિધ 20 પ્રકારની વાનગીઓ, સેટેલાઇટ વિસ્તારના હરિભક્તોએ પોતાના ઘરે તૈયાર કરી અને વહેલી સવારે મંદિરમાં અર્પણ કરી.

સેટેલાઇટ BAPS સ્વામિનારાયણ મંદિરના રજતજયંતિ ઉત્સવ નિમિત્તે ભક્તોએ ભગવાનના ચરણે ભક્તિ અદા કરી. વર્ષ 2001મા પ્રમુખ સ્વામી મહારાજે, સેટેલાઇટ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. વર્ષ 2026માં આ મંદિરનો ભવ્ય રજતજયંતિ ઉત્સવ ઉજવાશે.
BAPS દ્વારા દેશ વિદેશમાં અનેક ધાર્મિક-ભક્તિના કાર્યક્રમો આયોજિત થાય છે. બીએપીએસને લગતા તમામ મહત્વના નાના મોટા સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.