મુખ્ય પ્રધાનનો નવા વર્ષે સૌને અનુરોધ, ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ અપનાવો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, વિક્રમ સંવત 2081ના વર્ષના પ્રારંભે સૌ ગુજરાતીઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને આત્મસાત કરવા, અનુરોધ કર્યો હતો.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વર્ષોની પરંપરાને જાળવી રાખીને નવા વર્ષે અમદાવાદની નગરદેવી ગણાતા ભદ્રકાળી માતાના મંદિરે પ્રાર્થના અર્ચના કરી હતી.

નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે સુખદાયી અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત પ્રગતિનાં નવાં શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે, અમદાવાદ શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ અવસરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાનાં મેયર પ્રતિભા જૈન, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

ત્યાર બાદ મુખ્યમંત્રી નૂતન વર્ષ નિમિત્તે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારોની મળીને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો