શારદીય નવરાત્રી 2024:
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે શક્તિની ભક્તિનો અનોખો ઉત્સવ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાતમાં નવરાત્રીમાં ગરબાનું અનોખું મહત્વ છે. ગુજરાતમાં બે નવરાત્રીની ઉજવણી કરવામા આવે છે. એક ચૈત્રી નવરાત્રી અને બીજી આસો નવરાત્રી. ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ નવરાત્રી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. ગુજરાતમાં નવરાત્રીનો અનોખો માહોલ હોય છે, યુવાનોથી લઇને બાળકો, વૃદ્ધો તમામ લોકો ઉત્સાહ સાથે ગરબા-રાસમાં ભાગ લે છે અને માતાજીના ગરબા ભક્તિભાવપૂર્વક ગાય છે.