મોંધાદાટ પાસ વેચતા રંગ મોરલા, સુવર્ણ નવરાત્રિ અને સ્વર્ણિમ નગરી ગરબાના આયોજકો પર GSTના દરોડા, ગરબા સિવાયની આવક પણ શોધી કાઢી !
GST વિભાગે પહેલા તપાસ કરી હતી અને ત્યાર બાદ દરોડા પાડ્યા હતા. જાણીતા ગરબા ગાયકના આયોજક પર પડેલા દરોડામાં માત્ર ગરબા જ નહીં અન્ય માધ્યમ મારફતે રળેલ આવકનો પણ સ્ત્રોત પણ શોધી કાઢ્યો છે. આના પગલે, GST વિભાગ, આવક દર્શાવતા દસ્તાવેજો આવકવેરા વિભાગને અને મનોરંજન વેરા વિભાગને પણ સોપે તેવી સંભાવના છે.

નવરાત્રીમાં જાણીતા ગરબા ગાયકના ગરબામાં, રાસ-ગરબા રમવા માટે ખેલૈયાઓ પડાપડી કરતા હોય છે. ગરબા આયોજકો જાણીતા અને યુવાઓમાં લોકપ્રિય ગરબા ગાયકના નામે ઊંચી કિંમતના એન્ટ્રી પાસ રાખતા હોય છે. તેની સાથોસાથ ફૂડ કાઉન્ટર અને અન્ય પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરતા હોય છે. ગરબા સિવાયની વ્યવસ્થામાંથી પણ આયોજકો મોટી કમાણી કરતા હોવાની ફરિયાદ જીએસટી વિભાગને મળી હતી. જેને ધ્યાને રાખીને જીએસટી વિભાગે અમદાવાદ શહેરમાં જાણીતા લોકપ્રિય ગરબા ગાયકના આયોજકો ઉપર દરોડા પાડયા છે. જીએસટીપાત્ર ટિકિટના દર હોવા છતા એક ફદિયું પણ જીએસટી સ્વરૂપે જમા ના કરાવ્યું હોવાથી વિભાગે, તપાસ હાથ ધરી છે. ગરબા સિવાયની આવક પણ મળી આવતા, GST વિભાગ કેટલાક દસ્તાવેજો આવકવેરા વિભાગને સુપરત કરે તેવી સંભાવના છે.
જીએસટી વિભાગે, અમદાવાદમાં લોકગાયક આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબા આયોજક રંગ મોરલા, સુવર્ણ અને સ્વર્ણિમ નગરી ગરબા ઉપર તપાસ હાથ ધરી છે. આ ગરબાના પાસ ખૂબ ઉંચી કિંમતે બજારમાં વેચાતા હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે GST વિભાગે પહેલા તપાસ કરી હતી અને ત્યાર બાદ દરોડા પાડ્યા હતા. જાણીતા ગરબા ગાયકના આયોજક પર પડેલા દરોડામાં માત્ર ગરબા જ નહીં અન્ય માધ્યમ મારફતે રળેલ આવકનો પણ સ્ત્રોત પણ શોધી કાઢ્યો છે. આના પગલે, GST વિભાગ, આવક દર્શાવતા દસ્તાવેજો આવકવેરા વિભાગને અને મનોરંજન વેરા વિભાગને પણ સોપે તેવી સંભાવના છે.
અમદાવાદમાં 8 થી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ વસુલતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે. GST વિભાગના અમદાવાદમાં પાડેલા દરોડાના પગલે, રાજકોટ, સુરત અને વડોદરામાં પણ કેટલાક કોમર્શિયલ ગરબા આયોજકો GST વિભાગની કચેરીએ જોવા મળ્યાં હતા.