રવિચંદ્રન અશ્વિન
રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ એક તમિલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રવિચંદ્રન માતાનું નામ ચિત્રા છે. અશ્વિનને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. તેના પિતા પણ ક્રિકેટના મોટા ફેન છે. આર અશ્વિને 13 નવેમ્બર 2011ના રોજ પ્રીતિ નારાયણ સાથે લગ્ન કર્યા હતા. અશ્વિનને બે દીકરીઓ છે. રવિચંદ્રન અશ્વિન જમણા હાથનો ઓફ સ્પિન બોલર છે. તે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તે સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ અને સાઉથ ઝોન માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ ટીમને અનેક વખત જીતાડી ચૂક્યો છે.
અશ્વિનને 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતની સિઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા ખરીદવામાં આવ્યો હતો. અશ્વિને 2009ની સીઝન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યુ કર્યું હતું અને 2015 સુધી સતત આઠ સીઝન સુધી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચેન્નાઈએ 2010માં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો અને અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો. અશ્વિને તેનું બીજું ચેમ્પિયન્સ લીગ ટી20 ટાઇટલ 2014માં CSK સાથે જીત્યું.
અશ્વિને 20 વર્ષની ઉંમરે 2006માં હરિયાણા સામેની રણજી ટ્રોફી મેચમાં તમિલનાડુ માટે પ્રથમ વર્ગમાં પદાર્પણ કર્યું હતું અને છ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ આર અશ્વિને ક્રિકેટમાં ક્યારે પણ પાછળ વળીને જોયું નથી, અનેક નવા નવા રેકોર્ડ બનાવી પણ રહ્યો છે, જૂના રેકોર્ડ તોડી રહ્યો છે.