મોંઘી ગાડીઓથી લઈને આલીશાન ઘર સુધી, જાણો ‘મિસ્ટર 360’ ડિગ્રી પાસે કેટલી સંપતિ
જ્યારે પણ એબી ડી વિલિયર્સનું નામ આવે છે ત્યારે આપણે ક્રિકેટને એક અલગ જ નજરેથી જોઈએ છીએ. દક્ષિણ આફ્રિકાનો આ ધુરંધર ભારતીય ચાહકોમાં એક અલગ જ ફેનબેઝ ધરાવે છે. આમ જોવા જઈએ તો, મેદાનની દરેક દિશામાં શોટ રમી શકાય છે પરંતુ આની ખરી શરૂઆત તો એબી ડી વિલિયર્સે જ કરી હતી.

ક્રિકેટ જગત સિવાય વાત કરીએ તો, એબી ડી વિલિયર્સે મેદાનની બહાર પણ પોતાનું એક અલગ સામ્રાજ્ય બનાવ્યું છે. તો ચાલો જાણીએ કે, એબી ડી વિલિયર્સ કઈ ત્રણ મોટી બ્રાન્ડના એમ્બેસેડર છે અને તેમની પાસે કઈ લક્ઝરી કાર છે.

મેદાન પર જબરદસ્ત કરિશ્માઈ બતાવનાર એબી ડી વિલિયર્સ મેદાનની બહાર કરોડોની સંપત્તિનો માલિક છે. તેણે મેદાન પર જેટલી સફળતા મેળવી છે તેના કરતાં ડબલ સફળતા મેદાનની બહાર મેળવી છે.

જો આપણે એબી ડી વિલિયર્સની કુલ સંપત્તિ પર નજર કરીએ તો તે 205 કરોડ રૂપિયાથી વધુની સંપતિ ધરાવે છે. ટૂંકમાં કહીએ તો, ડી વિલિયર્સ માત્ર વિશ્વના પ્રખ્યાત ક્રિકેટરોમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી ધનિક ક્રિકેટરોમાંનો એક છે.

એબી ડી વિલિયર્સને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ તરફથી ઘણી સારી આવક મળી છે. આ ઉપરાંત, તેણે આઈપીએલમાં પણ પોતાની શાનદાર છાપ છોડી છે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ઉપરાંત તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પણ ક્રિકેટ રમ્યો છે. જણાવી દઈએ કે, એબી ડી વિલિયર્સ આરસીબીમાં જોડાયો ત્યારે તે સૌથી વધુ ચર્ચામાં આવ્યો.

ડી વિલિયર્સને પહેલીવાર આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમે ખરીદ્યો હતો. જ્યાં તેને 1.4 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હતો. જો કે, ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને વર્ષ 2011માં પોતાની ટીમમાં સામેલ કર્યો અને 5 કરોડ રૂપિયાનો પગાર આપ્યો હતો. અહેવાલો અનુસાર, એબી ડી વિલિયર્સે આઈપીએલમાંથી અત્યાર સુધીમાં લગભગ 102 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

એબી ડી વિલિયર્સ ઓડી, પુમા, મિન્ત્રા, ટાટા મોટર્સ અને રોંગ જેવી બ્રાન્ડ્સનો એમ્બેસેડર રહી ચૂક્યો છે. એબી ડી વિલિયર્સની લક્ઝરી લાઇફસ્ટાઇલ વિશે વાત કરીએ તો, એબી ડી વિલિયર્સ એક આલીશાન ઘરમાં રહે છે. તેની પાસે 6 મિલિયન યુએસ ડોલરની વ્યક્તિગત સંપત્તિ છે.

એબી ડી વિલિયર્સના આલીશાન ઘરમાં જીમ, મોટો બગીચો, મિની ગોલ્ફ કોર્સ અને લક્ઝરી બેડરૂમ પણ છે. એબી ડી વિલિયર્સે આ ઘર વર્ષ 2012માં ખરીદ્યું હતું, જેની કિંમત 20 કરોડ રૂપિયાથી વધુની છે.

આ સિવાય જોઈએ તો, ડી વિલિયર્સ લક્ઝરી કારનો પણ શોખીન છે. તેની પાસે Audi Q7 (89.9 લાખ), BMW X5 (95.9 લાખ) , Lexus RX ( 1.09 કરોડ), Land Rover અને Range Rover Autobiography જેવી ગાડીઓ છે, જેની કિંમત લગભગ 4.38 કરોડ રૂપિયા જેટલી છે.

































































