ડોપિંગ કેસમાં ફસાયો વર્લ્ડનો નંબર-1 ખેલાડી, 3 મહિના સુધી નહીં રમી શકે કોઈ મેચ
WADAએ ઈટાલીના યુવા ટેનિસ સ્ટાર અને વિશ્વના નંબર-1 ખેલાડી જેનિક સિનર પર 3 મહિનાનો પ્રતિબંધ લાદ્યો છે. રિપોર્ટ અનુસાર તે બે વાર ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો અને WADA દ્વારા તેને પ્રતિબંધિત પદાર્થ 'ક્લોસ્ટેબોલ' લેવા માટે દોષિત જાહેર કર્યો.

ઈટાલીના યુવા ટેનિસ સ્ટાર અને વિશ્વના નંબર-1 ખેલાડી જાનિક સિનરે તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. પરંતુ થોડા અઠવાડિયા પછી જ તે ડોપિંગ કેસમાં ફસાઈ ગયો. તેના પર ડોપિંગ ઉલ્લંઘનનો આરોપ છે. રિપોર્ટ અનુસાર તે બે વાર ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો અને WADA દ્વારા તેને પ્રતિબંધિત પદાર્થ 'ક્લોસ્ટેબોલ' લેવા માટે દોષિત જાહેર કર્યો. હવે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, ત્યારબાદ WADAએ તેના પર 3 મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે. સિનરે આ સજા સ્વીકારી લીધી છે.

ગયા વર્ષે માર્ચમાં જાનિક સિનર બે વાર WADAના ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. આ પછી તેના પર 3.2 લાખ ડોલર એટલે કે લગભગ 2.8 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. ઉપરાંત તેને થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પછી તેણે આ મામલો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) માં ઉઠાવ્યો અને કેસ જીતીને તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ WADAએ આ નિર્ણયને પડકાર્યો, જેની સુનાવણી 11 ફેબ્રુઆરીએ થવાની હતી.

પરંતુ સુનાવણી પહેલા સિનરે WADA સાથે સમાધાન કર્યું અને પોતાની ભૂલ સ્વીકારી અને 3 મહિનાની સજા સ્વીકારી. ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા પછી તેણે WADA સાથે વાત કરી હતી. અહીં સિનરે ખૂબ જ હોશિયારી બતાવી. હકીકતમાં ફ્રેન્ચ ઓપન આગામી થોડા સમયમાં રમાશે. એવામાં તે જલ્દી પ્રતિબંધ પૂર્ણ કરી ટુર્નામેન્ટમાં રમી શકશે.

જો સિનર સુનાવણીમાં ગયો હોત તો તેના પર સમય બગાડવાની સાથે 3 થી 24 મહિનાનો પ્રતિબંધ પણ લાગી શક્યો હોત અને તે ઘણી ટુર્નામેન્ટ ચૂકી ગયો હોત. પરંતુ સમાધાનને કારણે તેને ફક્ત 3 મહિનાની સજા મળી છે, જે 9 ફેબ્રુઆરીથી 4 મે સુધી ચાલુ રહેશે. આ પછી તે રમવા માટે લાયક બનશે અને 25 મેથી શરૂ થનારી ફ્રેન્ચ ઓપનમાં સરળતાથી ભાગ લઈ શકશે.

ત્રણ મહિનાની સજા મળ્યા પછી સિનરે કહ્યું, 'આ કેસ લગભગ એક વર્ષથી પેન્ડિંગ હતો અને પ્રક્રિયામાં હજુ પણ ઘણો સમય લાગશે. કદાચ આ નિર્ણય આ વર્ષના અંતમાં જ આવી શક્યો હોત. હું હંમેશા માનું છું કે હું મારી ટીમ માટે જવાબદાર છું. મને ખ્યાલ છે કે WADA ના કડક નિયમો મને ગમતી રમતના રક્ષણ માટે છે. તેથી મેં આ મામલાને ઝડપથી ઉકેલવા માટે WADA ના 3 મહિનાના પ્રતિબંધના પ્રસ્તાવને સ્વીકાર્યો છે.

આ બાબત અંગે WADA એ કહ્યું, 'સિનરનો છેતરપિંડી કરવાનો કોઈ ઈરાદો નહોતો.' પરંતુ તે પોતાનો પ્રતિબંધ પૂર્ણ કરશે. કારણ કે તે તેની ટીમ દ્વારા કરવામાં આવેલી ભૂલો માટે જવાબદાર છે. તમને જણાવી દઈએ કે સિનરના મતે ફિઝિયોથેરાપિસ્ટની બેદરકારીને કારણે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના હાથ પર એક નાનો ઘા હતો, જેના માટે તબીબી ટીમે સ્પ્રેનો ઉપયોગ કર્યો. આ સ્પ્રેમાં ક્લોસ્ટેબોલ નામનો પદાર્થ હતો, જેના પર WADA દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. (All Photo Credit : PTI)
ટેનિસની રમત વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. કરોડો લોકો આ રમત જુએ છે. ટેનિસ સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા કરો ક્લિક






































































