સ્માર્ટ ગીઝર પર વધુ પૈસા ખર્ચવા યોગ્ય કે સામાન્ય મોડલ જ પૂરતું? આ છે બંને વચ્ચેનો મોટો તફાવત
શિયાળામાં ગરમ પાણી માટે સ્માર્ટ અને સામાન્ય ગીઝર બંને સારો વિકલ્પ છે. સ્માર્ટ ગીઝર વાઇ-ફાઇ, મોબાઇલ કંટ્રોલ અને શેડ્યૂલ ટાઇમર જેવી હાઇટેક સુવિધાઓ આપે છે, જ્યારે સામાન્ય ગીઝર ઓછી કિંમતમાં પૂરતી ગરમી આપે છે. વીજળી બિલ, કિંમત અને સગવડના આધારે તમારા માટે કયું શ્રેષ્ઠ રહેશે? જાણો સંપૂર્ણ વિશ્લેષણ.

શિયાળાની ઋતુમાં સવારે સ્નાન કરવા અને ઘરના કામકાજ માટે ગરમ પાણીની જરૂરિયાત નોંધપાત્ર રીતે વધી જાય છે. ઘણી વખત સ્નાન કરવાના બરાબર થોડા સમય પહેલાં ગીઝર ચાલુ કરવું પડે છે અને પાણી ગરમ થવાની રાહ જોવી પડે છે, તો ક્યારેક ઉતાવળમાં ઘરની બહાર નીકળતી વખતે ગીઝર બંધ કરવાનું ભૂલી જવાય છે. આવી રોજિંદી મુશ્કેલીઓનું નિવારણ લાવવા માટે આજના બજારમાં આધુનિક 'સ્માર્ટ ગીઝર' ઉપલબ્ધ બન્યા છે, જેને મોબાઇલ એપ્લિકેશન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. બીજી તરફ, પરંપરાગત સામાન્ય ગીઝર પણ ઓછી કિંમતમાં ગરમ પાણીની જરૂરિયાત સરળતાથી પૂરી પાડે છે. આવી સ્થિતિમાં નવું ગીઝર ખરીદતાં પહેલાં બંને વચ્ચેનો તફાવત સમજવો અનિવાર્ય છે.

સ્માર્ટ અને સામાન્ય ગીઝર વચ્ચે શું તફાવત છે? સામાન્ય ગીઝર: તેમાં હીટિંગ એલિમેન્ટની મદદથી પાણી ગરમ કરવામાં આવે છે. તેને ચાલુ કે બંધ કરવા માટે બાથરૂમ કે બહાર લાગેલી સ્વિચબોર્ડની સામાન્ય સ્વિચનો ઉપયોગ કરવો પડે છે. તેમાં મોબાઈલ કનેક્ટિવિટી કે એડવાન્સ ડિજિટલ ફીચર્સ મળતા નથી.

સ્માર્ટ ગીઝર: પાણી ગરમ કરવા ઉપરાંત તેમાં અનેક એડવાન્સ સ્માર્ટ ફીચર્સ આપવામાં આવે છે. ઘણા મોડલ્સમાં ઇનબિલ્ટ વાઇ-ફાઇ અને મોબાઇલ એપ સપોર્ટ હોય છે. જેથી તમે ગમે ત્યાં બેઠા-બેઠા ફોનથી જ ગીઝર ચાલુ કે બંધ કરી શકો છો. આ ઉપરાંત ચોક્કસ તાપમાન સેટ કરવાની, વિવિધ હીટિંગ મોડ્સ પસંદ કરવાની અને વીજળીના વપરાશ પર નજર રાખવાની સુવિધા પણ મળે છે.

મોબાઇલ કંટ્રોલ અને ટાઇમરની સુવિધા: સ્માર્ટ ગીઝરનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઑપરેટ કરવા વારંવાર સ્વિચ સુધી જવું પડતું નથી. મોબાઈલ એપ મારફતે તમારી સુવિધા મુજબ પાણી ગરમ થવાનો સમય પહેલાંથી સેટ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમે દરરોજ સવારે 7 વાગ્યે સ્નાન કરતા હોવ, તો ગીઝરમાં એ સમયનું શેડ્યૂલ નક્કી કરી શકાય છે, જેથી સવારે ગરમ પાણી માટે રાહ જોવી પડતી નથી. કેટલાક પ્રીમિયમ મોડલ ગૂગલ આસિસ્ટન્ટ (Google Assistant) અને એલેક્સા (Alexa) જેવા વોઈસ કમાન્ડને પણ સપોર્ટ કરે છે. જોકે, જો તમારા ઘરમાં નહાવાનો કોઈ નિશ્ચિત સમય ન હોય કે સામાન્ય સ્વિચથી કામ ચલાવવામાં સરળતા લાગતી હોય, તો સામાન્ય ગીઝર પણ તમારી જરૂરિયાત ઉત્તમ રીતે પૂર્ણ કરી શકે છે.

વીજળીના વપરાશમાં કોણ વધુ સારું? ગીઝરની ખરીદી વખતે પાવર કન્ઝમ્પશન પર ધ્યાન આપવું ખૂબ મહત્વનું છે. કેટલાક સ્માર્ટ ગીઝરમાં 'Eco' અને 'Smart' જેવા પાવર સેવિંગ મોડ્સ આવે છે. ટાઇમર ફીચરને લીધે ગીઝર બિનજરૂરી કલાકો સુધી ચાલુ રહેતું નથી, જેનાથી પાવર બચાવી શકાય છે.

પરંતુ માત્ર સ્માર્ટ ફીચર હોવાથી જ વીજળીનું બિલ ઘટી જશે તેવી કોઈ ગેરંટી હોતી નથી. વીજળીનો વાસ્તવિક વપરાશ ગીઝરની ક્ષમતા (Capicity), ઉપયોગની પદ્ધતિ અને તેની એનર્જી એફિશિયન્સી પર નિર્ભર કરે છે. આથી ગીઝર પસંદ કરતી વખતે હંમેશા તેનું BEE સ્ટાર રેટિંગ (ખાસ કરીને 4 કે 5 સ્ટાર), ઇનર ટાંકીનું પફ ઇન્સ્યુલેશન અને ક્વોલિટી તપાસવી હિતાવહ છે.

તમારા માટે કયું ગીઝર ખરીદવું શ્રેષ્ઠ રહેશે? જો તમને ટેકનોલોજીનો ઉપયોગ ગમતો હોય, ફોનથી રિમોટલી ઉપકરણો કંટ્રોલ કરવા માંગતા હોવ અથવા સવારે નિશ્ચિત સમયે ગરમ પાણી તૈયાર જોઈતું હોય, તો સ્માર્ટ ગીઝર પાછળ થોડો વધુ ખર્ચ કરવો સાર્થક સાબિત થશે. પરંતુ જો તમારો હેતુ માત્ર પાણી ગરમ કરવાનો હોય અને બજેટ મર્યાદિત હોય, તો સારી બ્રાન્ડનું હાઈ સ્ટાર રેટિંગ ધરાવતું સામાન્ય ગીઝર પણ એકદમ પરફેક્ટ અને ટકાઉ વિકલ્પ છે.
Rajkot: હોસ્પિટલમાં સંવેદનહીનતાની પરાકાષ્ઠા- લાચાર વૃદ્ધા બીમાર પતિનું સ્ટ્રેચર ખેંચવા મજબૂર, સ્ટાફ અને જનતા તમાશો જોતી રહી
