જો સોનું હજુ પણ મોંઘું થયું તો શું ચાંદી બનશે કિંમતની દ્રષ્ટિએ ગોલ્ડ ? આગામી સમયમાં ચાંદીના ભાવ 3 કે 4 લાખને પાર જશે ખરા… ?
સિલ્વર શો ઓફ ઈન્ડિયા એક્ઝિબિશનમાં દેશભરના જ્વેલર્સ અને આર્થિક નિષ્ણાતોએ ચાંદીના ઉજ્જવળ ભવિષ્ય અંગે મોટો દાવો કર્યો છે. નિષ્ણાતોના મતે સોનાના આસમાને આંબતા ભાવોને કારણે દેશની યુવા પેઢી હવે ફાસ્ટ ફેશન અને એન્ટિક ફિનિશિંગ ધરાવતી સિલ્વર જ્વેલરી તરફ ઝડપથી આકર્ષાઈ રહી છે.

મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સવારના સમયથી જ દેશભરમાંથી આવેલા જ્વેલર્સ, ટ્રેડર્સ, મેન્યુફેક્ચરર્સ અને રીટેલર્સનો ભારે જનમેદની ઉમટી પડી હતી. આ કોઈ સામાન્ય જ્વેલરી પ્રદર્શન નહોતું, પરંતુ સીએનબીસીના સિલ્વર શો ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસારે, અહીં માત્ર ચાંદીના ઘરેણાંનું વેચાણ નહોતું થઈ રહ્યું, પરંતુ આગામી દાયકામાં ભારતીય જ્વેલરી બજારનો નવો ચહેરો કેવો હશે તેની ચર્ચા થઈ રહી હતી. જ્યારે મંચ પર હાજર નિષ્ણાતોને પૂછવામાં આવ્યું કે શું ચાંદીના ભાવ 3 લાખ, 4 લાખ કે 1.5 લાખ રૂપિયા થશે, ત્યારે તેમણે બજારના ગણિત સાથે વિગતવાર માહિતી આપી હતી.

440 કંપનીઓ અને 1600 બૂથ સાથે રેકોર્ડબ્રેક આયોજન: નવકાર સિલ્વરના અભય રાંકાએ જણાવ્યું કે આ વર્ષનો સિલ્વર શો અત્યાર સુધીનો સૌથી મોટો ઈવેન્ટ બની ગયો છે. આ પ્રદર્શનમાં આશરે 440 કંપનીઓએ પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કર્યા છે અને અંદાજે 1600 બૂથ લગાવવામાં આવ્યા છે. જ્યારે આ સફર શરૂ થઈ હતી ત્યારે માત્ર 33 એક્ઝિબિટર્સ હતા, જેની સરખામણીએ આજે ચિત્ર બદલાઈ ગયું છે. બજારની અનિશ્ચિતતા અને ભાવોની વધઘટ વચ્ચે પણ વેપારીઓનો ઉત્સાહ ઓછો થયો નથી.

ચાંદી હવે નવું સોનું બની રહી છે: પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા અભિગમ બાદ લોકો જ્વેલરીમાં નવા વિકલ્પો શોધી રહ્યા છે. હવે પુરુષો પણ નેકલેસ પહેરી રહ્યા છે અને યુવાનો ફેશનેબલ ઘરેણાંની માંગ કરી રહ્યા છે, જેના કારણે બજારમાં સિલ્વર ઇઝ ધ ન્યુ ગોલ્ડનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રમોદ મહેતાએ જણાવ્યું કે પહેલાં ચાંદીનો અર્થ માત્ર વાસણો થતો હતો, પરંતુ છેલ્લા બે વર્ષમાં એન્ટિક ફિનિશિંગ, રોઝ ગોલ્ડ ફિનિશિંગ અને પ્યોર સિલ્વર ડિઝાઇન્સના કારણે યુવા પેઢી ફેશન બદલવા માટે ચાંદી પસંદ કરી રહી છે. સોનું સતત મોંઘું થવાને કારણે પણ ગ્રાહકો ચાંદી તરફ વળ્યા છે.

છેલ્લા પાંચ વર્ષમાં ચાંદીની માંગમાં મોટો ઉછાળો: જ્યારે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પૂછવામાં આવ્યું કે માંગ કેટલી વધી છે, ત્યારે એક નિષ્ણાતે જણાવ્યું કે માંગ માત્ર વધી નથી પરંતુ તે ફાટી નીકળી છે. પાંચ વર્ષમાં સિલ્વર જ્વેલરીની ડિમાન્ડ વધવા પાછળના મુખ્ય કારણોમાં સોનાના ઊંચા ભાવ, ફાસ્ટ ફેશનનો દોર અને ચાંદીનું બજેટમાં ફિટ બેસવું છે.

હવે માત્ર પરંપરાગત જ્વેલર્સ જ નહીં, પરંતુ કપડાંનો વ્યવસાય કરનારા લોકો પણ પોતાના અલાયદા સિલ્વર જ્વેલરી સ્ટોર્સ ખોલવા માટે રસ દાખવી રહ્યા છે, જે દર્શાવે છે કે ચાંદી હવે એક સ્વતંત્ર બિઝનેસ કેટેગરી બની ગઈ છે. બજારના એક વરિષ્ઠ વેપારીએ તો ત્યાં સુધી દાવો કર્યો કે આજે ચાંદી ભલે શરૂઆતના તબક્કામાં હોય, પણ 10 વર્ષ પછી આખી દુનિયા ચાંદીની થઈ જશે. સોનું માત્ર બિસ્કિટ સ્વરૂપે વેચાશે અને મોટાભાગની જ્વેલરી ચાંદીમાં કન્વર્ટ થઈ જશે.

ડેસ્ટિનેશન વેડિંગે બદલ્યું બજારનું ગણિત: ભારતની સંસ્કૃતિમાં લગ્નમાં ચાંદીની પાયલ કે તિજોરીની ચાવીમાં ચાંદીના ગુચ્છા રાખવાની સદીઓ જૂની પરંપરા છે. હવે તેમાં ફેશનનો રંગ ભળ્યો છે. આજકાલ ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ છે. જો કોઈ પરિવાર 1.5 થી 2 કરોડ રૂપિયાની ગોલ્ડ જ્વેલરી લઈને મુસાફરી કરે તો સુરક્ષાની મોટી ચિંતા રહે છે. આવા સમયે ચાંદીની ટ્રેડિશનલ અને એથનિક જ્વેલરી એક ઉત્તમ, હળવો, સુંદર અને બજેટ ફ્રેન્ડલી વિકલ્પ બનીને ઉભરી આવી છે.

નિષ્ણાતોની સલાહ છે કે બજારમાં ઉત્સાહ જરૂરી છે, પરંતુ કિંમતોને લઈને વધુ પડતા આક્રમક થવાની જરૂર નથી. આગામી સમયમાં ચાંદીમાં તેજી અને મંદી બંને જોવા મળી શકે છે, પરંતુ હાલ પૂરતું માર્કેટ સ્થિરતાના તબક્કામાં પ્રવેશી રહ્યું છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.
ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યા બાદ શું હવે સોનામાં મોટો ડાઉનફોલ શરૂ થશે કે પછી તે પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે?
