Silver Rate: રેકોર્ડ ઉછાળા બાદ બજારમાં ભય! શું ચાંદીની ઐતિહાસિક તેજી પર બ્રેક લાગશે? નિષ્ણાતોની કડક ચેતવણીથી બજારમાં ખળભળાટ
ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી આવ્યા બાદ હવે બજારમાં સવાલો ઊભા થવા લાગ્યા છે કે, શું ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે? જો ઘટાડો થશે, તો રોકાણકારોએ આગળ શું કરવું જોઈએ?

શુક્રવારે ચાંદી 100 ડોલર પ્રતિ ઔંસને પાર પહોંચી ગઈ હતી પરંતુ નિષ્ણાતો આ તેજીને સટ્ટાખોરીથી ભરેલી માની રહ્યા છે અને મોટા ઘટાડાની ચેતવણી આપી રહ્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે, આજે નહીં તો કાલે કિંમતોમાં કરેક્શન (સુધારો/ઘટાડો) આવશે, તે વાત નક્કી છે.

રોયટર્સના અહેવાલ મુજબ, બેંક ઓફ અમેરિકાના વ્યૂહરચનાકાર (સ્ટ્રેટેજિસ્ટ) માઈકલ વિડમરનું માનવું છે કે, ચાંદીની વર્તમાન કિંમતો મૂળભૂત રીતે વાજબી નથી. તેમણે જણાવ્યું કે, "અમારા મતે ચાંદીની સાચી કિંમત અંદાજે $60 પ્રતિ ઔંસ હોવી જોઈએ. જો ઔદ્યોગિક માંગની વાત કરીએ તો, સોલર પેનલ સેક્ટરની માંગ વર્ષ 2025માં તેની ટોચની સપાટીએ પહોંચી ચૂકી છે અને ઊંચા ભાવને કારણે ઔદ્યોગિક માંગ પર દબાણ જોવા મળી રહ્યું છે." આવી સ્થિતિમાં, બજારમાં ઘટાડાના સમીકરણો બની રહ્યા છે.

અહેવાલમાં StoneX ના વિશ્લેષક રોના ઓ'કોનેલ (Rhona O’Connell) એ ચાંદીની વર્તમાન તેજી અંગે સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, "ચાંદી અત્યારે સટ્ટાખોરીના એવા મોજા પર સવાર છે કે, જે પોતે જ ગતિ પકડી રહી છે. બીજી તરફ, ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવને કારણે સોનાને મજબૂતી મળી રહી છે અને ચાંદીને તેનો ફાયદો થઈ રહ્યો છે, કારણ કે તેની પ્રતિ યુનિટ કિંમત હજુ પણ (સોનાની સરખામણીએ) ઓછી દેખાય છે."

તેમના મતે, આ તેજીમાં દરેક વ્યક્તિ જોડાવવા માંગે છે અને આ જ કારણે જોખમો વધી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "આ તેજી ચેતવણીની ઘંટડી વગાડી રહી છે. હવે જો આ ઉપરના વલણમાં તિરાડો દેખાવા લાગશે, તો તે મોટા ઘટાડામાં ફેરવાઈ શકે છે. આથી, રોકાણકારોએ ઘટાડા માટે તૈયાર રહેવું જોઈએ."

સોના અને ચાંદીના ભાવ વચ્ચેનો તફાવત પણ ઝડપથી ઘટી રહ્યો છે, જેને વિશ્લેષકો સૌથી મોટું જોખમ માની રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હવે માત્ર 50 ઔંસ ચાંદીમાં 1 ઔંસ સોનું ખરીદી શકાય છે, જ્યારે એપ્રિલમાં આ આંકડો 105 ઔંસ હતો. આ પરથી સ્પષ્ટ છે કે, માત્ર થોડા જ મહિનાઓમાં ચાંદીએ સોનાની સરખામણીએ ઘણું ઝડપી પ્રદર્શન કર્યું છે, જેને નિષ્ણાતો કોઈપણ રીતે સંતુલિત પ્રદર્શન માની રહ્યા નથી.

ચાંદીના સપ્લાયમાં ઘટાડા પાછળ ઘણા કારણો છે. દર વર્ષે લગભગ 20% ચાંદી રિસાઈકલિંગ દ્વારા આવે છે પરંતુ ઊંચી કિંમતો હોવા છતાં 'હાઈ-ગ્રેડ રિફાઈનિંગ' ક્ષમતાના અભાવે સપ્લાય ઝડપથી બજારમાં આવી શકતો નથી. આ સિવાય માઈનિંગ (ખનન) ક્ષેત્રની પણ પોતાની સમસ્યાઓ છે. છેલ્લા 5 વર્ષથી ચાંદીમાં સતત 'સપ્લાય ડેફિસિટ' (પુરવઠાની અછત) જોવા મળી રહી છે, જે વર્ષ 2026 માં પણ ચાલુ રહેવાની ધારણા છે.

વિશ્લેષકોનું માનવું છે કે, આગામી સમયમાં બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે અને ચાંદીના ભાવ ઘટી શકે છે. BNP Paribas ના સિનિયર કોમોડિટી સ્ટ્રેટેજિસ્ટ ડેવિડ વિલ્સનનું કહેવું છે કે, નવેમ્બર પછી જે રીતે રોકાણકારોના જોરે ચાંદીમાં ઉછાળો આવ્યો છે, તે જોઈને લાગે છે કે, ટૂંક સમયમાં જ પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. બીજું કે, ફિઝિકલ માર્કેટમાં દબાણ ધીમે-ધીમે ઓછું થઈ રહ્યું છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
