Crypto Currency : ભારે કરી ! ભવિષ્યનો બિટકોઇન કહેવાતો ‘Pi નેટવર્ક ક્રિપ્ટો’ ડગમગ્યો, 90% નો જંગી ઘટાડો આવ્યો
ભવિષ્યનો બિટકોઇન કહેવાતો 'Pi નેટવર્ક ક્રિપ્ટો' હાલ ચર્ચામાં આવ્યો છે. વાત એમ છે કે, પાઇ નેટવર્કમાં મંદી જોવા મળતા રોકાણકારો ચિંતામાં મુકાયા છે.

આ વર્ષની શરૂઆતમાં ક્રિપ્ટો માર્કેટમાં પાઇ નેટવર્ક (પાઇ કોઇન) ચર્ચામાં હતું. ફેબ્રુઆરીમાં જ્યારે તે લોન્ચ થયું ત્યારે તેણે ધૂમ મચાવી હતી. રિટર્ન એટલું દમદાર હતું કે, લોકો તેને બિટકોઇનનું ભવિષ્ય કહેવા લાગ્યા હતા. જો કે, થોડો સમય પસાર થતાં જ હવે તેમાં મંદી જોવા મળી રહી છે.

કોઇન માર્કેટ કેપ અનુસાર, મંગળવારે સાંજે 4 વાગ્યે પાઇ નેટવર્ક $0.27 (લગભગ 24 રૂપિયા) પર ટ્રેડ કરી રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં તે લગભગ 6% ઘટ્યું છે અને સાત દિવસમાં લગભગ 23% ઘટ્યું છે. વધુમાં સવારે 9 વાગ્યે, છેલ્લા 7 દિવસમાં તેમાં 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી તેમાં સામાન્ય તેજી જોવા મળી હતી. આમ જોવા જઈએ તો, ફક્ત એક મહિનામાં તે 22% ઘટ્યું છે.

આ વર્ષે 20 ફેબ્રુઆરીએ Pi નેટવર્ક ક્રિપ્ટોકરન્સી $1.84 ઉપર લોન્ચ થઈ હતી. લોન્ચ થયા પછી તેની કિંમત ઘટવા લાગી. 24 કલાકમાં તો તે ઘટીને $0.64 થઈ ગઈ. જો કે, આની કિંમત પછી બદલાઈ ગઈ અને તેમાં વધારો જોવા મળ્યો હતો. આગામી ચાર દિવસમાં તેની કિંમત લગભગ 150% વધીને $1.59 પર પહોંચી ગઈ.

27 ફેબ્રુઆરીએ સવારે લગભગ 8:30 વાગ્યે, તેની કિંમત $2.93 (આશરે 260 રૂપિયા) જેટલી હતી. નોંધનીય છે કે, હવે એક Pi કોઇન 25 રૂપિયાથી ઓછો છે. 27 ફેબ્રુઆરી પછી Pi કોઇનમાં ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડો એવો હતો કે, Pi Coin ક્રિપ્ટો ક્યારેય ફરીથી વધારે વધી શક્યો નહીં. માર્ચના અંત સુધીમાં Pi કોઇન તેની લોન્ચ કિંમતથી ઘણો નીચે આવી ગયો હતો.

27 ફેબ્રુઆરીએ તેના ઓલ ટાઇમ હાઇ પછીના સાત મહિનામાં આ ક્રિપ્ટો લગભગ 90% ઘટી ગયો છે. હવે આમાં તેજી આવશે કે નહી તે બાબતને લઈને નિષ્ણાતો મૌન છે. આથી, જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો નિષ્ણાતની સલાહ અવશ્ય લો.
(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
