રોકાણકારોમાં ભારે ઉત્સાહ, NSDL ના IPO માં બીજા દિવસે મોટી કમાલ, 5 ગણો સબસ્ક્રાઈબ થયો, જાણો એક્સપર્ટ શું કહે છે..
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) નું પ્રારંભિક જાહેર પ્રસ્તાવ (IPO) રોકાણકારોમાં ભારે ઉત્સાહ જગાવતું સાબિત થયું છે. બુધવારે ઈશ્યૂ ખુલ્યા બાદના થોડા સમયમાં જ તેને સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું અને ગુરુવાર સુધીમાં તે કુલ 5.03 વખત સબ્સ્ક્રાઇબ થયો. રિટેલ અને બિન-સંસ્થાકીય રોકાણકારોની વિશેષ ઊપસ્થિતિ સાથે આ ઇશ્યૂમાં ભારે રસ જોવા મળ્યો.

NSEના ડેટા અનુસાર NSDLના ₹4,011 કરોડના IPO માટે કુલ 17.65 કરોડ શેર માટે બિડ મળી હતી, જયારે માત્ર 3.51 કરોડ શેર ઉપલબ્ધ હતા. વિભાગવાર જુઓ તો બિન-સંસ્થાકીય રોકાણકારોની કેટેગરીને 11.08 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. રિટેલ ઇન્વેસ્ટરો તરફથી 4.17 ગણું અને લાયક સંસ્થાકીય રોકાણકારો તરફથી 1.96 ગણું સબ્સ્ક્રિપ્શન નોંધાયું છે.

NSDL IPO માટે શેરનો પ્રાઇસ બેન્ડ ₹760 થી ₹800 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. આ ઈશ્યૂ સંપૂર્ણપણે "ઓફર ફોર સેલ" (OFS) આધારિત છે, જેમાં કુલ 5.01 કરોડ શેર વેચવામાં આવશે. શેર વેચનારા ભાગીદારોમાં NSE, SBI, HDFC બેંક, IDBI બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને SUUTIનો સમાવેશ થાય છે. કંપનીએ મંગળવારે એન્કર રોકાણકારોથી રૂ. 1,201 કરોડ એકત્ર કર્યા હતા.

આ IPO 1 ઓગસ્ટે બંધ થશે. શેર ફાળવણી 4 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે અને 6 ઓગસ્ટે શેરબજારમાં લિસ્ટિંગ શક્ય છે. રોકાણકારો હવે ફાળવણી અને લિસ્ટિંગને લઈને ઉત્સાહિત છે.

ગ્રે માર્કેટમાં પણ NSDLના શેર માટે ભારે માંગ જોવા મળી રહી છે. બજારના જાણકારો મુજબ NSDLનો GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) ₹143 જેટલો ચાલી રહ્યો છે. આ 17.88% ના સંભવિત લિસ્ટિંગ ગેઇન તરફ ઈશારો કરે છે. જો કે, ગ્રે માર્કેટ અનિયમિત અને અવિશ્વસનીય હોય છે, એટલે રોકાણ સંબંધિત નિર્ણય લેવા પહેલા પૂરતા વિશ્લેષણની જરૂર છે.

બ્રોકરેજ હાઉસીસ NSDL IPO ને લઈને સહકાર આપતાં નજરે પડે છે. આનંદ રાઠી બ્રોકરેજનું માનવું છે કે IPOનું મૂલ્યાંકન આકર્ષક છે અને રોકાણકારોએ તેમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ₹16,000 કરોડ છે અને તેના શેરનું મૂલ્યાંકન FY25 ની અંદાજિત કમાણીના આધારે 46.6 ગણું છે, જે બજારમાં પહેલાથી લિસ્ટેડ CDSL કરતા ઓછું છે.

એન્જલ વન માને છે કે ડિપોઝિટરી સર્વિસ ઉદ્યોગને ભારતમાં લાંબા ગાળે તીવ્ર વૃદ્ધિ મળશે. નાણાકીય સમાવેશ માટે સરકારના પ્રયાસો, તેમજ રોકાણ અંગે લોકોમાં વધતી જાગૃતિથી, આવા વ્યવસાયોમાં મહત્વપૂર્ણ વૃદ્ધિની શક્યતા છે.

બજાજ બ્રોકિંગ પણ આ IPOને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી અનુકૂળ માને છે. કંપની જણાવે છે કે હાલમાં ફક્ત 13.4 ટકા વસ્તી પાસે ડીમેટ એકાઉન્ટ છે, એટલે આગળ વધવા માટે પૂરતી જગ્યા છે. જો કે, ટ્રાન્ઝેક્શનની ઘટતી પ્રવૃત્તિ અને CDSL જેવી પ્રતિસ્પર્ધી કંપનીઓ NSDL માટે પડકારરૂપ બની શકે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
