ગેસ સિલિન્ડર ખોવાઈ જાય તો કનેક્શન રદ થઈ જાય ? દંડ કેટલો ભરવો પડે ? જાણો સંપૂર્ણ નિયમ
LPG સિલિન્ડર ખોવાઈ કે ચોરાઈ જાય તો ગભરાશો નહીં. તમારું ગેસ કનેક્શન રદ થતું નથી. સૌપ્રથમ પોલીસ ફરિયાદ (FIR) નોંધાવો અને ગેસ એજન્સીને જાણ કરો. આ બાદની પ્રક્રિયા પણ જાણવી જરૂરી છે.

LPG Gas Cylinder Rules: LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા લાખો ગ્રાહકો માટે આ જાણકારી ખૂબ જ ઉપયોગી છે. ઘણી વખત સિલિન્ડર ચોરી થઈ જાય છે અથવા કોઈ કારણસર ખોવાઈ જાય છે. આવા સમયે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે શું ગેસ કનેક્શન રદ થઈ જશે? શું ગેસ સપ્લાય બંધ થઈ જશે? અને શું તેના બદલામાં દંડ પણ ભરવો પડશે? ચાલો જાણીએ આ અંગેના નિયમો અને જરૂરી પ્રક્રિયા.

જો તમારો LPG સિલિન્ડર ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો માત્ર આ કારણસર તમારું ગેસ કનેક્શન રદ કરવામાં આવતું નથી. જોકે, ગેસ કંપની દ્વારા નક્કી કરેલી તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવી જરૂરી હોય છે. જરૂરી દસ્તાવેજો અને માહિતી સમયસર સબમિટ કર્યા બાદ તમને નવું સિલિન્ડર મળી શકે છે.

સિલિન્ડર ગુમ થાય અથવા ચોરી થઈ જાય તો સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. ફરિયાદ નોંધાવતી વખતે સિલિન્ડરનો યુનિક નંબર અથવા અન્ય જરૂરી વિગતો આપવાથી તેની ઓળખ કરવામાં સરળતા રહે છે. ત્યારબાદ સંબંધિત ગેસ એજન્સીને પણ તાત્કાલિક જાણ કરવી જરૂરી છે. ગેસ એજન્સીને સમગ્ર ઘટનાની વિગત અને પોલીસ ફરિયાદની માહિતી આપવી પડે છે, જેથી આગળની કાર્યવાહી શરૂ કરી શકાય.

કયા દસ્તાવેજોની જરૂર પડશે? તો નવું સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકે મૂળ સબ્સ્ક્રિપ્શન વાઉચર, ગેસ કનેક્શન ધારકનું માન્ય ઓળખપત્ર, પોલીસ દ્વારા નોંધાયેલી FIRની નકલ, આ દસ્તાવેજોની ચકાસણી બાદ જ આગળની પ્રક્રિયા કરવામાં આવે છે.

ગેસ સિલિન્ડર ખોવાઈ જવાના કિસ્સામાં ગેસ કંપની પોતાના નિયમો મુજબ દંડ અથવા સિક્યુરિટી ડિપોઝિટ વસૂલ કરી શકે છે. સામાન્ય રીતે ગ્રાહકને ₹1,000થી ₹3,000 સુધીની રકમ ચૂકવવી પડી શકે છે. જો સિલિન્ડર સાથે રેગ્યુલેટર પણ ખોવાઈ ગયું હોય, તો ચૂકવવાની રકમ વધુ થઈ શકે છે. દંડની ચોક્કસ રકમ સંબંધિત ગેસ કંપની અને તેના નિયમો પર આધારિત હોય છે.

જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા બાદ ગેસ એજન્સી તેની ચકાસણી કરશે. ચકાસણી પૂર્ણ થયા પછી અને લાગુ પડતો દંડ અથવા ડિપોઝિટ જમા કરાવ્યા બાદ ગ્રાહકને નવું LPG સિલિન્ડર આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. તેથી ગ્રાહકોએ ગેસ સિલિન્ડરનો ઉપયોગ અને સંભાળ સાવધાનીપૂર્વક કરવી જોઈએ, જેથી આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. જો તમારો LPG સિલિન્ડર ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો ગભરાવાની જરૂર નથી. સમયસર પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ગેસ એજન્સીને જાણ કરીને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાથી નવું સિલિન્ડર મેળવી શકાય છે. જોકે, કંપનીના નિયમો મુજબ દંડ અથવા ડિપોઝિટ ચૂકવવો પડી શકે છે
Breaking News : સરકાર LIC અને હિન્દુસ્તાન ઝિંકમાં હિસ્સો વેચવાની તૈયારી
