કાનુની સવાલ : પ્રેમનો નહીં પરંતુ બ્લેકમેઇલનો ખેલ ! પ્રેમી-પ્રેમિકા પ્રાઈવેટ ફોટા વાયરલ કરવાની ધમકી આપે તો શું કરવું?
કાનુની સવાલ: આજના ડિજિટલ યુગમાં પ્રેમ-સંબંધો ફક્ત દિલથી નહીં પરંતુ ફોન, ફોટા અને ચેટ્સથી પણ જોડાયેલા થઈ ગયા છે. ઘણા લોકો પોતાના પાર્ટનર પર વિશ્વાસ રાખીને પ્રાઈવેટ ફોટા અથવા વીડિયો શેર કરે છે. પરંતુ જ્યારે આ વિશ્વાસ તૂટે અને પ્રેમી કે પ્રેમિકા જ પ્રાઈવેટ ફોટા વાયરલ કરવાની ધમકી આપે… ત્યારે આ ક્ષણ માનસિક રીતે ઝંઝોડીને મૂકે છે.

જ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય અને તેની સાથે તમે કોઈ પણ પ્રકારના ફોટો શેર કરો છો. પછી ભાન આવે કે આ વ્યક્તિ જોડે ખોટી રીતે ફોટો શેર થઈ ગયા છે અને હવે તે તમને કોઈ પણ રીતે બ્લેકમેઈલ કરીને ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપે છે. પહેલા તો એ સમજો કે જો કોઈ વ્યક્તિ તમને દિલથી પ્રેમ કરી રહી છે તો તે આવું કદમ ક્યારેય નહી ઉઠાવે. તમારા રિલેશનમાં આવી નોબત આવે તો તમે પહેલા તો એ વ્યક્તિ ને છોડી દો અને યાદ રાખો આ પરિસ્થિતિમાં તમે એકલા નથી અને કાયદો તમારી સાથે છે.

ધમકી આપવી એ એક ગુનો છે: જો કોઈ તમારી મરજી વગર તમારા પ્રાઈવેટ ફોટા અથવા વીડિયો વાયરલ કરવાની ધમકી આપે છે, તો તે એક ગંભીર ગુનો છે. ધમકી આપનાર તમારા પર દબાણ બનાવે છે. જેમ કે પૈસા માંગે, મળવાનું કહે, સંબંધ જાળવવા મજબૂર કરે તો પણ કાયદો તેને ડિજિટલ બ્લેકમેઇલ માને છે.

કાયદો શું કહે છે? : ભારતીય કાયદામાં આવી ઘટનાને લીધે કડક સજા નક્કી છે. IT Act Section 66E — કોઈની ખાનગી તસવીરો કે વીડિયો વિના પરવાનગી રેકોર્ડ કે વાયરલ કરવા બદલ તેને 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે. IPC Section 354C (Voyeurism) - કોઈ સ્ત્રીની પ્રાઈવસી ભંગ કરવી અથવા પ્રાઈવેટ ફોટા વાયરલ કરવાની ધમકી આપવી તો તેને 3–7 વર્ષની સજા પણ થઈ શકે છે.

વધુમાં IPC Section 503/506 — ધમકી કે બ્લેકમેઇલ માટે તેને 2-7 વર્ષની જેલ થઈ શકે છે. IT Act Section 67, 67A — અશ્લીલ સામગ્રી ઓનલાઈન શેર કરવી અથવા શેર કરવાની ધમકી આપે તો તેને 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

તમારે તરત શું કરવું જોઈએ?: પુરાવા સાચવી રાખો- ચેટ, કોલ રેકોર્ડ, ધમકી ભર્યા મેસેજ, સ્ક્રીનશોટ—કઈ પણ ડિલીટ ન કરો. આગળ ફરિયાદ કરવા આ જ તમારો હથિયાર સાબિત થશે. લગ્ન, સંબંધ અથવા “મારી ઈજ્જત જશે તો” તેના નામે ડરશો નહીં. ગુનેગાર કોઈપણ હોય-બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ અથવા એક્સ કોઈ પણ હોય કાયદો કોઈને છૂટ આપતો નથી.

નજીકના સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરો. Cyber Crime Portal: cybercrime.gov.in અહીંથી તમે ઑનલાઇન પણ ફરિયાદ કરી શકો છો. તેમજ 1930 હેલ્પલાઇન પર કૉલ કરો આ રાષ્ટ્રીય હેલ્પલાઇન છે, જેમાં તરત માર્ગદર્શન મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ રિપોર્ટ કરો. Instagram, Facebook, WhatsApp—બધા પાસે "report" અને "intimate content violation" સિસ્ટમ છે. તેઓ કન્ટેન્ટ બ્લોક કરી શકે છે.

ઈમોશનલ દબાણમાં આવીને ક્યારેય સમાધાન ન કરો. ઘણા લોકો શરમ કે પરિવારના ડરથી ફરિયાદ કરતા નથી. પરંતુ બ્લેકમેઇલર ક્યારેય નથી અટકતો. એક વાર ડરશો તો આગળ પણ દબાણ કરશે. સમાજ નહીં, તમારી હિંમત વધુ મહત્વની છે.

આવો ગુનો તમારા વિશ્વાસ સાથે છેતરપિંડી છે. તેની સામે ઊભું રહેવું એ જ સૌથી મોટું પગલું છે. યાદ રાખો કે વાયરલ કરવાની ધમકી ગેરકાનૂની છે અને તમે કાયદાકીય રીતે સુરક્ષિત છો.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(Image Credit: AI Whisk Photo)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
