Kheda: વડતાલ મંદિરમાં જોવા મળ્યો ભક્તિ અને દેશભક્તિનો સમન્વય, મંદિર પટાંગણમાં યોજાયો ધ્વજવંદન સમારોહ
Kheda: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આઝાદીના 75માં અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત હર્ષોલ્લાસ સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો અને વિદ્યાર્થીઓએ ત્રિરંગાને સલામી આપી હતી.

ખેડાના વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમા આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ સંત વલ્લભ સ્વામી અને શા. નૌતમપ્રકાશદાસજી સ્વામી સહિતના આ ઉજવણીમાં ભાગ લીધો હતો

વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈની અધ્યક્ષતામાં મંદિરના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

વડતાલ મંદિરમાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત તમામ હરિભક્તોએ દેશની આન-બાન-શાન સમા ત્રિરંગાને સલામી આપી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75મા સ્વાતંત્ર્ય પર્વ નિમીત્તે મંદિરને ત્રિરંગા પતાકાથી સુશોભિત કરવામાં આવ્યુ હતુ. સમગ્ર પરિસરમાં ત્રિરંગા પતાકા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં નડિયાદ પીજના યુવકોએ દેશભક્તિનું નાટક રજૂ કર્યુ હતુ. જ્યારે વડોદરા હરિનગરના બાળકોએ શૌર્યગીત રજૂ કર્યુ હતુ.

મંદિરની અટારીએથી દેવના ડેરાની પ્રદક્ષિણાએ પણ રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતા ત્રિરંગા પતાકા લહેરાવવામાં આવ્યા હતા.

ધ્વજવંદન બાદ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત સહુ મહાનુભાવો, મહેમાનો અને હરિભક્તોને 75માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી.

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે જણાવ્યુ કે આપણી આઝાદીના 75 વર્ષની ઉજવણીના પાયામાં દેશના સપૂતોનું બલિદાન છે. જેના લીધે આજે અમૃત કુંભ મળ્યો છે. આ અમૃતકુંભની જાળવણી કરવી એ આપણા સહુની પવિત્ર ફરજ છે

આ પ્રસંગે તેમણે શહીદ ભગતસિંહ, મંગળ પાંડેના બલિદાનને યાદ કર્યુ. ઉપરાંત દેશની સીમાઓ પર ખડેપગે રાષ્ટ્રની સેવા કરતા ભારતીય જવાનોને પણ યાદ કર્યા અને ભારત અનોખી પ્રતિભા બને તેવી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી હતી.