જુનાગઢની ધરોહર ગણાતો એક શતાબ્દી જૂનો ડેમ આજે પણ અડીખમ, શહેરની શાન અને જીવાદોરી છે વિલિંગ્ડન ડેમ- Photos
જુનાગઢની જીવાદોરી ગણાતા વિલિંગ્ડન ડેમનું નિર્માણ 1929માં શરૂ થયુ હતુ અને 1936માં પૂર્ણ થયુ હતુ. 90 વર્ષ જૂનો આ ડેમ આજે પણ અડીખમ છે અને શહેરની શાનમાં યશકલગી સમાન ગણાય છે.

જુનાગઢની ઐતિહાસિક ધરોહર અને શાન સમા વિલિંગ્ડન ડેમનું નિર્માણ 1929માં તત્કાલિન નવાબ મહોબત ખાન ત્રીજાના સમયમાં શરૂ કરવામાં આવ્યુ હતુ અને 1936માં ડેમનું બાંધકામ પૂર્ણ થયુ હતુ. આજે આ ડેમ જુનાગઢની જીવાદોરી ગણાય છે.

વિલિંગ્ડન ડેમનો ઉપયોગ જુનાગઢના નવાબ સહિત જુનાગઢની પ્રજા પણ મનોરંજન માટે તેનો ઉપયોગ કરતી હતી. ડેમની સાથોસાથ બનેલા બગીચામાં ઇટાલિયન બાંકડા અને ગિરનારના કાળમીંઢ પથ્થરો લાવીને તેને કોતરીને તૈયાર કરાયેલી બે સિંહોની કલાકૃતિ આજે પણ જુનાગઢના વારસાની સાક્ષી આપે છે. અહીંનું રમણીય અને શાંત વાતાવરણ લોકો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યુ છે.

ચોમાસાની ઋતુમાં અહીંનો નજારો જોવાલાયક હોય છે. દૂર દૂરથી લોકો ડેમની સુંદરતા નિહાળવા માટે આવે છે. ચોમાસામાં અહીં ડેમ આખો છલકાઈ જાય ત્યારે જાણે પાણીની સફેદ ચાદર પડતી હોય તેવો રમણીય નજારો જોવા મળે છે. ભારે વરસાદ પડતો હોય તેવા દિવસોમાં તંત્રએ અહીં ખાસ તકેદારીના પગલા પણ લેવા પડે છે.

આ ડેમનું ઉદ્દઘાટન તત્કાલિન ગુલામ ભારતના વાઈસરોય લોર્ડ વિલિગ્ડનના હસ્તે કરવામાં આવ્યુ હોવાથી ડેમનુ નામ વિલિંગ્ડન રાખવામાં આવ્યુ હતુ. જો કે 9 નવેમ્બર 2008ના દિવસે આ ડેમનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ ડેમ રાખવામાં આવ્યુ છે. જુનાગઢની મુક્તિમાં સરદાર વલ્લભ ભાઈનો સિંહફાળો રહેલો હોવાથી વિલિંગ્ડન ડેમને સરદાર વલ્લભ ભાઈ ડેમ નામકરણ કરવામાં આવ્યુ છે.

આ ડેમનુ ઉદ્દઘાટન કરનાર લોર્ડ વિલિંગ્ડનનુ 1941માં 14મી ઓગસ્ટના રોજ અવસાન થયુ એ સમયે તેમના માનમાં જુનાગઢે બંધ પાળ્યો હતો. આ ઘટના એ સિદ્ધ કરે છે કે કેવી રીતે વિલિંગ્ડન ડેમ માત્ર બાંધકામ નહોતું, પણ એ સમયના શાસકો અને પ્રજાજનો વચ્ચેનું ભાવનાત્મક જોડાણ પણ હતું.

આ ડેમ એ માત્ર પાણીના સંગ્રહ માટેનો સ્ત્રોત નથી પરંતુ ઈજનેરીની દૃષ્ટિએ એક ઉત્તમ નમૂનો છે. જે E.W. Proctorની ડિઝાઇન હેઠળ અને અનેક વિખ્યાત ઇજનેરોના માર્ગદર્શન હેઠળ બનીને, આજના યુગમાં પણ બાંધકામ કળાનું આદર્શ ઉદાહરણ માનવામાં આવે છે.
"જો ત્રીજુ વિશ્વયુદ્ધ થયુ તો સૌથી પહેલા ક્યા દેશો પર મિસાઈલ ફેંકાશે? અને ક્યાં દેશો રહેશે સૌથી વધુ સુરક્ષિત?" --- આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
