IPO : રોકાણકારો તૈયાર રહેજો ! આ જ્વેલરી સેક્ટરની કંપની જલ્દી જ IPO લોન્ચ કરશે
હાલમાં જ જ્વેલરી માર્ટની એક કંપની પોતાનો IPO લઈને આવી રહી છે. આ IPOમાં 1,200 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે અને 500 કરોડ રૂપિયાના શેરની 'ઓફર ફોર સેલ' પણ રજૂ કરવામાં આવશે.

જ્વેલરી સેક્ટરની એક દિગ્ગજ કંપની તેનો IPO લાવવા જઈ રહી છે. IPO લાવી રહેલી કંપની ચેન્નાઈની છે અને તેનું નામ 'લલિતા જ્વેલરી માર્ટ' છે. કંપનીએ IPO દ્વારા 1700 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે SEBI પાસે દસ્તાવેજો ફાઇલ કર્યા છે.

ડ્રાફ્ટ દસ્તાવેજો (DRHP) અનુસાર, ચેન્નાઈ સ્થિત કંપનીનો IPO 1,200 કરોડ રૂપિયાના નવા શેર અને એમ કિરણ કુમાર જૈન દ્વારા 500 કરોડ રૂપિયાના શેરની ઓફર ફોર સેલ (OFS)નું એક મિશ્રણ છે. IPOમાં કર્મચારીઓ માટે પણ શેર અનામત રાખવામાં આવશે. ખાસ વાત તો એ કે, કર્મચારીઓને આમાં ડિસ્કાઉન્ટ પણ મળશે.

DRHP પેપર મુજબ કંપની નવા સ્ટોર્સ ખોલવા માટે IPOમાંથી પ્રાપ્ત 1,014.50 કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ કરશે. IPOમાંથી મળેલી રકમનો એક ભાગ કંપનીના સામાન્ય કામકાજ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

લલિતા જ્વેલરી માર્ટે 1985માં ચેન્નઈના ટી નગર વિસ્તારમાં પહેલો સ્ટોર ખોલ્યો હતો. 31 ડિસેમ્બર, 2024 સુધીમાં, તેના 56 સ્ટોર હતા, જેમાંથી 22 આંધ્રપ્રદેશમાં, 20 તમિલનાડુમાં, 7 કર્ણાટકમાં, 6 તેલંગાણામાં અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં છે.

નાણાંકીય મોરચે, 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં લલિતા જ્વેલરી માર્ટની કોન્સોલિડેટેડ ઓપરેટિંગ આવક અને ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 12,594.67 કરોડ અને રૂ. 262.33 કરોડ હતો. આનંદ રાઠી એડવાઇઝર્સ અને ઇક્વિરસ કેપિટલ આ ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર છે.

કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટેડ થવાનો પ્રસ્તાવ છે. લલિતા બ્રાન્ડ હેઠળ સોનાના દાગીના વેચતી આ કંપની ટાઇટન કંપની, કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા, મનોજ વૈભવ જેમ્સ એન જ્વેલર્સ, પીસી જ્વેલર્સ, પીએન ગાડગીલ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ, થંગામાઇલ જ્વેલરી અને ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી જેવી લિસ્ટેડ કંપનીઓ સાથે કોમ્પિટિશન કરે છે.

તાજેતરના સમયમાં, સોનાના ભાવમાં વધારાથી જ્વેલરી ક્ષેત્રની કંપનીઓને ફાયદો થયો છે. કંપનીના નફામાં અને આવકમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જણાવી દઈએ કે, બદલાતા સમય સાથે બ્રાન્ડેડ જ્વેલરીની માંગ ઝડપથી વધી રહી છે.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
































































