વિદેશની વાત છોડો.. ગુજરાતી યુવાનો ગ્લોબલ કૌશલ્યનો ઉપયોગ કરી દેશમાં જ કમાઈ શકે કરોડો.. જાણો કેવી રીતે
ભારતનું અર્થતંત્ર વિકાસ પામી રહ્યું છે, પરંતુ ઘણા ગુજરાતી યુવાનો વિદેશમાં ઉચ્ચ પગારની નોકરી પસંદ કરે છે. આ લેખમાં ચર્ચા કરવામાં આવી છે કે કેવી રીતે આ યુવાનો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને પિતાના વ્યવસાયને આગળ વધારી શકે છે અથવા નવા સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે.

ભારત સરકાર અને જુદી જુદી રાજ્ય સરકારો દેશમાં ઉદ્યોગો અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવા સતત પ્રયાસશીલ છે. ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસને આધાર આપી, અનેક નીતિગત સુધારાઓ અને રોકાણમેળાઓ દ્વારા સરકાર ખાસ કરીને વિદેશી ઉદ્યોગપતિઓને દેશમાં ધંધા માટે આકર્ષે છે.

આ બધાથી ભારત આજે વિશ્વમાં અર્થતંત્રના ચોથા ક્રમના સ્થાન સુધી પહોંચી ગયું છે અને એક વિશાળ બજાર તરીકે વિકસ્યું છે. પરંતુ બીજી તરફ, દેશના નાના ઉદ્યોગધંધાવાળાઓ અને ખાસ કરીને ગુજરાતી સાહસિકોના સંતાનો વિદેશ જઈ ઊંચા પગારની નોકરી પસંદ કરે છે અને પિતાના ધંધાને આગળ વધારવાનો વિચાર પણ નથી કરતા.

ઘણા યુવાનોના મતે ભારતમાં ધંધો કરવો મુશ્કેલ છે. ભ્રષ્ટાચાર, ગંદકી, અને અફડતફડથી ભરેલું તંત્ર તેમનો આત્મવિશ્વાસ ખુંદે છે. પરંતુ એ ભૂલી જાય છે કે તેમના પિતાએ પણ એ જ પરિસ્થિતિઓમાં ધંધો ઊભો કર્યો છે. એક મહત્વપૂર્ણ વાત એ છે કે – જો પિતાના ધંધામાં વિકાસ અને નફો દેખાય, તો એ યુવાનો પાછા ફરવાનું પસંદ કરે. કારણ કે વિદેશ ગયેલા મોટા ભાગના યુવાનોનો હેતુ છે "પૈસા કમાવા".

આજના યુગમાં સંચાર અને ટેક્નોલોજીના માધ્યમથી યુવાનો વિદેશ રહીને પણ પિતાનો ધંધો ચલાવી શકે છે. એક મૅનેજર રાખીને, વર્કિંગ પાર્ટનર બનાવી, તેઓ સંચાલન કરી શકે છે. આ બધું શક્ય છે જો તેઓ ધંધાના મૂળ સિદ્ધાંતો શીખે અને ધંધાની દૃષ્ટિએ પોતાનું સપનું જાગૃત રાખે.

આજના યુવાનોએ "મારો પણ એક સ્વતંત્ર વ્યવસાય હોય" એવું સપનું જોવાનું શરૂ કર્યું છે. તેમની પાસે ટેકનિકલ જ્ઞાન, જુગાડ અને નવી ચિંતનશક્તિ છે. પરંતુ તેમને જરૂર છે માર્ગદર્શનની – કેવી રીતે તમારા આઈડિયાને ધંધામાં રૂપાંતરિત કરવો? સ્ટાર્ટ-અપ માટે ફંડ ક્યાંથી મેળવવો? કેવી રીતે રોકાણકારને આકર્ષવા?

નાના ઉદ્યોગપતિઓએ પણ હવે બાળકો સાથે ખુલ્લા સંવાદ શરૂ કરવો પડશે. પિતાનું વ્યવસાય કે ઉદ્યોગ એ માત્ર જૂની પદ્ધતિઓનો સંચય નથી, પણ એમાં નવી દૃષ્ટિ ઉમેરવાથી એ એક મોટું ઉદ્યોગ બની શકે છે. આજે વ્યાવસાયિક વૃદ્ધિ માટે "સ્કાય ઈઝ ધ લિમિટ" છે – પણ એ માટે ધંધાનું સુકાન નવી પેઢીને સોંપવાની તૈયાર રહેવું પડશે.

દેશના નાના ઉદ્યોગોમાં પણ તકો છુપાયેલી છે. જો વિદેશસ્થિત યુવાનોએ પિતાના ધંધાને નવી દૃષ્ટિ અને નવી દિશા આપી, તો ન માત્ર તેઓ ઘરના ધંધાને આંતરરાષ્ટ્રીય બનાવી શકે, પણ દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે. એટલે "વિદેશ જઈ નોકરી ન કરો, ત્યાંથી ધંધો કરો – અને ઘરમાલિક જેમ ભાડું નહિ, નફો રળો!"
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
