Doctor on Train : ચાલતી ટ્રેનમાં અચાનક કોઇની તબિયત બગડે તો આ નંબર પર કોલ કરો.. ડૉક્ટર આવશે
ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા માટે વિશેષ તબીબી સેવા પૂરી પાડે છે. લાંબી મુસાફરીમાં તબિયત બગડે તો તેના માટે તમને સર્વ મળી રહેવાની છે અને એ પણ ટ્રેનમાં.

ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક ખાસ તબીબી સેવા પૂરી પાડે છે. જો લાંબી મુસાફરી દરમિયાન ચાલતી ટ્રેનમાં અચાનક તમારી અથવા કોઈ બીજા મુસાફરની તબિયત બગડે, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે મુસાફરો ટ્રેનમાં જ ડૉક્ટરને બોલાવી શકે છે અને તેની તપાસ કરાવી શકે છે. આ સુવિધા માટે ફક્ત ₹100 ની ફી લેવામાં આવે છે, જે દરેક મુસાફર માટે ખૂબ જ ઓછી અને સસ્તી ગણાય છે.

જ્યારે પણ કોઈ મુસાફરની તબિયત બગડે, ત્યારે સૌથી પ્રથમ પગલું TTE ને તરત જ જાણ કરવાનું છે. TTE આ ફરિયાદને ગંભીરતાથી લઈને તરત જ કંટ્રોલ રૂમને માહિતી મોકલે છે. ત્યાર પછી કંટ્રોલ રૂમ આગામી મોટા સ્ટેશન પર ડૉક્ટરની વ્યવસ્થા કરે છે. ટ્રેન સ્ટેશન પર પહોંચતાં જ ડૉક્ટર સીધા કોચમાં આવીને દર્દીની તપાસ કરે છે અને જરૂરી સારવાર આપે છે. આ સેવા મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર તમામ પ્રકારની ટ્રેનોમાં ઉપલબ્ધ છે.

ડૉક્ટર પાસે તપાસ કરાવ્યા પછી મુસાફરને ₹100 ની સલાહ ફી ચૂકવવાની હોય છે, અને ડૉક્ટર તેની રસીદ પણ પ્રદાન કરે છે. જો ડૉક્ટર દવા લખે તો તેની કિંમત મુસાફરને અલગથી ચૂકવવાની રહેશે. એટલે ₹100 ફક્ત ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહ અને તાકીદની સારવાર માટે છે, જ્યારે દવાનો ખર્ચ અલગ ગણવામાં આવે છે.

મુસાફરોને ઘણી વાર તેવા કિસ્સાઓનો સામનો કરવો પડે છે જ્યાં સમસ્યા ગંભીર ન હોવા છતાં તબિયત બગડી જાય છે, જેમ કે હળવો તાવ, પેટમાં દુખાવો, ઉલટી, શરીરમાં દુખાવો અથવા એલર્જી. આવી પરિસ્થિતિમાં પણ મુસાફરે TTE ને જાણ કરવી જોઈએ. TTE ગાર્ડના ડબ્બામાં રાખેલી ફર્સ્ટ એઇડ કીટમાંથી દવાનો એક ડોઝ લઈ મુસાફરને આપે છે, અને આ દવા સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવે છે. મુસાફરને કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી.

જો તબિયત બગડે ત્યારે TTE અથવા ગાર્ડ સુધી સંપર્ક ન થઈ શકે, તો મુસાફરો સીધા જ રેલવે હેલ્પલાઇન નંબર 138 પર કૉલ કરી શકે છે. આ નંબર પર કૉલ થતા જ કંટ્રોલ રૂમને માહિતી મળે છે અને આગલા સ્ટેશન પર તબીબી સહાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે. એટલે કે, મુસાફરો TTE ને જાણ કરે અથવા 138 પર કૉલ કરે બંને રીતે ચાલતી ટ્રેનમાં તબીબી સારવાર સરળતાથી મળી શકે છે.
Railway Rules : ટ્રેનમાં આ 10 ભૂલો કરશો તો જવું પડશે જેલમાં ! જાણ્યા પછી તમે ક્યારેય નહીં કરશો
