History of city name : ડાકોર નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ડાકોર એક એવું યાત્રાધામ છે જે ભક્તિ, ઇતિહાસ અને પરંપરા સાથે ગાઠ બાંધેલું છે. તેનું નામ ભક્તિ પર આધીરિત છે, અને ભગવાન રણછોડરાયજી સાથે તેની કથા ભક્તોને દિવ્યતાનો અહેસાસ કરાવે છે. આજે પણ ડાકોર ગુજરાતના મુખ્ય પવિત્ર ધામોમાંથી એક માનવામાં આવે છે.

દ્વાપર યુગ દરમિયાન, ઋષિ ડંકે ડાકોરમાં પોતાની તપસ્યાનું સ્થાન તરીકે એક આશ્રમ સ્થાપ્યો હતો. તે સમયે આ વિસ્તાર ખાખરીયુ વન હતું, અહીં લાંબી તપસ્યા કરીને તેમણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા.ખુશ થઈ ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા કે ભગવાન શ્રીકૃષ્ણ ભવિષ્યમાં આ પવિત્ર ભૂમિ પર અવતરશે અને પોતે પણ ડંકેશ્વર મહાદેવ તરીકે અહીં લિંગ સ્વરૂપે નિવાસ કરશે.

આજે પણ ગોમતી તળાવના કિનારે આવેલું ડંકેશ્વર મહાદેવ મંદિર આ પૌરાણિક ઘટનાઓનું સ્મરણ કરાવે છે. આ જ સ્થળે ઋષિ ડંકે એક નાનું કુંડ પણ બનાવ્યું હતું, જ્યાં પશુ અને પક્ષીઓ નિર્ભય થઈને પાણી પીતા હતા. (Credits: - Wikipedia)

એક પ્રસંગે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને ભીમ ડંક મુનિના આશ્રમ નજીકથી પસાર થતાં હતા, ત્યારે ભીમસેનને તરસ લાગી. તેમણે ત્યાં આવેલા નાનકડા કુંડમાંથી પાણી પીધું અને એક ઝાડની છાંયે આરામ માટે બેસી રહ્યા.આરામ કરતી વખતે તેમના મનમાં વિચાર આવ્યો કે આવા સુંદર અને શુદ્ધ જળથી ભરેલા કુંડને મોટું બનાવી દેવાય તો અનેક જીવજંતુઓ અને યાત્રાળુઓને સહેલાઈથી પાણી મળે. એટલે તેમણે પોતાની ગદા વડે એક જ પ્રહારથી કુંડને વિશાળ બનાવ્યું, જે આશરે 999 વિઘા જેટલું વિસ્તાર ધરાવતું બન્યું. (Credits: - Wikipedia)

આ કુંડ આજે “ગોમતીકુંડ” તરીકે ઓળખાય છે. સમય પસાર થતાં આ પવિત્ર સ્થળની આજુબાજુ વસાહતો વિકસતી ગઈ. શરૂઆતમાં એ ડંકપુર તરીકે ઓળખાતું, જે બાદમાં રૂપાંતર પામીને આજનું "ડાકોર" ગામ બન્યું. (Credits: - Wikipedia)

એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ, પોતાના પરમ ભક્ત બોડાણા પર પ્રસન્ન થઈ, દ્વારકાથી ડાકોર સુધી ગાડામાં બેસાડીને લઇ આવ્યા હતા. સંવત 1212ના વર્ષમાં તેઓ પ્રથમવાર ડાકોર પધાર્યા. અહીં આગમન પછી ભગવાને થોડા સમય માટે ગોમતી તળાવમાં છુપાયા હતા. ત્યારબાદ તેમણે ભક્ત બોડાણા સાથે મંદિરની પરિસરમાં નિવાસ કર્યો.સમયની સાથે સંવત 1500માં ભગવાન શ્રીકૃષ્ણ પોતાની પત્ની લક્ષ્મીજી સાથે ભવ્ય મંદિરમાં પધાર્યા. (Credits: - Wikipedia)

ઈતિહાસ મુજબ ઈ. સ 1777માં મહાવદના પાંચમના પવિત્ર દિવસે,ગાયકવાડ રજવાડાના મુનીમો દ્વારા ભગવાનની પવિત્ર મૂર્તિનું વિધિવત્ રૂપે સ્થાપન કરવામાં આવ્યું, જે આજે પણ મુખ્ય મંદિરમાં આરાધના પામે છે.

હાલનું મંદિર 18મી સદીમાં વડોદરાના ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા બનાવાયું હતું. વિશાળ ગોમતી તળાવ પણ મંદિરની નજીક આવેલું છે, જે તીર્થ તરીકે માનવામાં આવે છે.અહીં દર વર્ષે "ફાગણ સુદ પૂનમ" ના દિવસ દરમિયાન વિશાળ મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો આવી દર્શન કરે છે.

અહી માન્યતા છે કે, ચારધામની યાત્રા કર્યા પછી ડાકોરના દર્શન ના કરો તો યાત્રા અધૂરી રહે તેવુ અનુમાન છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
