Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુ-પક્ષી સારવાર કેન્દ્રની લીધી મુલાકાત, તેમના સેવાકાર્યની કરી પ્રશંસા
Ahmedabad News : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર અને દેખરેખ માટે આખા ગુજરાતમાં અનેક સંસ્થા કાર્યરત છે. તેમાંની એક સંસ્થા છે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્ર, અમદાવાદ. આજે ગુજરાતના મુખ્યમંત્રીએ આ પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના બહેરામપુરા ખાતે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સારવાર કેન્દ્રના વિવિધ વિભાગોની મુલાકાત લઈને પશુ-પક્ષીઓની સારવાર અંગે કરવામાં આવતી સંસ્થાની વિવિધ કામગીરી નિહાળી હતી. તેમણે પશુ પક્ષીઓની સારવાર માટે બનાવવામાં આવેલ રજિસ્ટ્રેશન ડેસ્ક, ઓપરેશન થિયેટરથી લઈને આઇસીયુ વોર્ડ સહિતના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તેમજ સારવાર માટે વપરાતાં વિવિધ મેડિકલ ઉપકરણો નિહાળ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ શાહ તથા સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે સારવાર બાદ સાજા થયેલા પક્ષીઓને આકાશમાં ઉડવા માટે મુક્ત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અબોલ પશુ-પક્ષીઓની કાળજી-સારવાર સહિતની આ સંસ્થાની વિવિધ કામગીરીઓને બિરદાવી હતી.