Gold Silver Rate : નવા વર્ષે નવો રેકોર્ડ! સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, વર્ષ 2026 ની શરૂઆત રોકાણકારો માટે અદભૂત રહી
શુક્રવાર, 2 જાન્યુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતાઈ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોના અને ચાંદી બંનેના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા.

બુલિયન બજારમાં સોનાના ભાવ ₹1,100 વધીને ₹1,39,440 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા. બજાર નિષ્ણાતોના મતે, વિદેશી બજારમાંથી મળેલા મજબૂત સંકેતોની અસર સીધી સ્થાનિક બજાર પર જોવા મળી.

ચાંદીએ પણ રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા છે. શુક્રવારે એટલે કે 2 જાન્યુઆરીના આજ રોજ ચાંદીનો ભાવ એક જ દિવસમાં ₹4,000 વધીને ₹2,41,400 પ્રતિ કિલો પર પહોંચી ગયો. લોકલ અને આંતરરાષ્ટ્રીય લેવલે ચાંદીમાં મજબૂત ખરીદી જોવા મળી, જેના કારણે ભાવમાં વધારો થયો.

આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી. વૈશ્વિક સ્તરે સોનાના ભાવ $67 થી વધુ વધીને $4,392.94 પ્રતિ ઔંસ પર પહોંચ્યા. મળતી માહિતી મુજબ, હાજર સોનાનો ભાવ $4,390 ની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 1 ટકાથી વધુનો વધારો દર્શાવે છે.

નિષ્ણાતો માને છે કે, આ તેજી પાછળ કોઈ એક ચોક્કસ કારણ નથી પરંતુ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા આવનાર સમયમાં વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા અને સોનાને લગતા સકારાત્મક દ્રષ્ટિકોણ જેવા મુખ્ય કારણ હોઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. હાજર ચાંદી $3.06 અથવા લગભગ 4.3 ટકા વધીને $74.52 પ્રતિ ઔંસ થઈ ગઈ. નિષ્ણાતો કહે છે કે, વૈશ્વિક જિયો-પોલિટિકલ તણાવ, યુએસ વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ અને ડોલરમાં મજબૂતાઈ જેવા પરિબળો સોના-ચાંદી જેવી ધાતુને ટેકો આપી રહ્યા છે.

વધુમાં, વેનેઝુએલાના ઓઇલ એક્સપોર્ટ પર અમેરિકા દ્વારા કડક પ્રતિબંધો અને નવા વર્ષની શરૂઆતમાં રશિયા-યુક્રેન વચ્ચે ફરી શરૂ થયેલા તણાવને કારણે સલામત રોકાણની માંગ વધુ મજબૂત બની રહી છે. એવામાં રોકાણકારો સોના અને ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે.
આ પણ વાંચો: નવા વર્ષની શરૂઆતમાં 46 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો ! સોના-ચાંદીમાં ફરી તેજી પણ ભવિષ્યમાં મોટા ઘટાડાની ચેતવણી, રોકાણકારોએ હવે શું કરવું?
