Knowledge : દુનિયાની પહેલી ઘડિયાળ ક્યારે અને કોણે બનાવી? કિંમત સાંભળીને ચોંકી જશો
આજના સમયમાં ઘડિયાળ પહેરવી એ એક સ્ટાઇલ અને સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. બજારમાં સસ્તા ભાવથી લઈને કરોડો રૂપિયા સુધીની ઘડિયાળો ઉપલબ્ધ છે. જો કે, મોટાભાગના લોકો નથી જાણતા કે વિશ્વની પહેલી ઘડિયાળ ક્યારે અને કોણે બનાવી?

વિશ્વની પહેલી ઘડિયાળ "વોચ 1505" અથવા "પોમંડર વોચ" તરીકે ઓળખાય છે, જે જર્મન પીટર હેનલેઈન દ્વારા બનાવવામાં આવી હતી. તેમણે આ ઘડિયાળ વર્ષ 1505 માં એટલે કે લગભગ 520 વર્ષ પહેલા બનાવી હતી.

પીટર હેનલેઈનને વિશ્વના પ્રથમ ઘડિયાળ નિર્માતા પણ માનવામાં આવે છે. જણાવી દઈએ કે, આ જે ઘડિયાળ હતી તેનો આકાર સફરજન જેવો ગોળ હતો. આ ઘડિયાળને પોમંડર એટલા માટે કહેવામાં આવે છે કેમ કે, તે સુગંધ રાખવા માટેના ગોળાકાર ડબ્બા જેવી દેખાતી હતી.

આ ઘડિયાળ ખૂબ જ નાની હતી અને તેને ખિસ્સામાં રાખી શકાતી હતી. નોંધનીય છે કે, આ ઘડિયાળને લોકો ગળામાં લટકાવીને પણ ફરતા હતા.

વર્ષ 1987માં, એક યુવાને લંડનના એક કબાડ માર્કેટમાંથી આ ઘડિયાળ માત્ર 10 પાઉન્ડ (લગભગ ₹947) માં ખરીદી હતી. શરૂઆતમાં, કોઈને ખબર નહોતી કે આ વિશ્વની પહેલી ઘડિયાળ છે.

યુવાને ઘડિયાળને ઘણા વર્ષો સુધી પોતાની પાસે રાખી અને પછી તેને વેચી દીધી. આ ઘડિયાળ ઘણા લોકોના હાથમાં આવતી રહી પરંતુ વર્ષ 2002માં જ્યારે તે એક રિસર્ચર સુધી પહોંચી, ત્યારે તેની અસલ ઓળખ બહાર પડી.

ઘડિયાળ પર "1505" વર્ષ કોતરેલું હતું અને પીટર હેનલેઈનના હસ્તાક્ષર પણ તેના પર જોવા મળ્યા હતા. આનાથી પુષ્ટિ થઈ કે, આ વિશ્વની પ્રથમ ઘડિયાળ છે.

આ અમૂલ્ય ઘડિયાળ તાંબા અને સોનાની બનેલી હતી. વર્ષ 2014 માં 'એન્ટિક વીક મેગેઝિન' અનુસાર, તેની કિંમત 50 થી 80 મિલિયન ડોલર એટલે કે આશરે ₹381 થી ₹611 કરોડની વચ્ચે હતી.
જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી એક ક્લિકમાં તમારૂ નોલેજ વધારો.
